________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
પણ એ જીવદયાપ્રેમી મુનિની દૃષ્ટિ અત્યંત સૂક્ષ્મ હતી.
એમણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે “વડીલ મુનિવર ! આપની વાત સાચી. પણ અહીં તો પુષ્કળ મચ્છરો હોવાથી મચ્છરદાની નાંખવાની જ છે. હું ભલે આડો પડીને ઉંઘી જઈશ, પણ મચ્છરદાની તો ઉભી જ રહેવાની ને ? ગ્લોબની ઉજઈ આખી રાત એ મચ્છરદાની પર પડે. આપણી ઉપધિથી આ વિરાધના થાય એ તો ન ચાલે ને ?”
પ્રથમમુનિ આ જવાબ સાંભળી ખૂબ આનંદ પામ્યા. જીવદયાની આવી પરિણતિ નિહાળીને કોને આનંદ ન થાય ?
અંતે એ મહાત્માને જગ્યા ન મળી. બીજી જે જગ્યા ઉપર ઉજઈ આવતી ન હતી એ જગ્યામાં દોરી બાંધી શકાય એવી શક્યતા ન હતી. દોરી વિના મચ્છરદાની પણ ન બંધાય અને એ વિના આખી રાત આ ભરપૂર મચ્છરો વચ્ચે ઉંઘ કેમ આવે ?
પણ એ મુનિરાજ માટે સંયમપાલન સાહજિક હતું. ઉજઈ વિનાની જગ્યાએ, મચ્છરદાની બાંધ્યા વિના કપડો ઓઢીને સંથારી ગયા, પણ વિરાધના ચલાવી લેવાનો વિચાર પણ ન કર્યો. (વડીદીક્ષા વખતે આપણે બધાએ ચતુર્વિધસંઘ સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે કે ‘ષટ્કાયની હિંસા હું કરીશ નહિ. કરાવીશ નહિ...' તેજસકાયની વિરાધના ન કરવી એ આપણી પ્રતિજ્ઞા છે, યાવજ્જીવ એ પાળવાની છે.
ભલે આપણે ઉજઈનો સાક્ષાત ઉપયોગ નહિ કરતા હોઈએ, પણ
→ બારી-બારણામાંથી ઉજઈ આવતી હોય, એ વખતે ત્યાંથી પસાર થવું પડે તો કામળી પહેરીને જ પસાર થવાનો યત્ન કરીએ ખરા ? કે પછી એક-બે સેકન્ડ માટે એ ઉજઈ વચ્ચેથી જ પસાર થઈ જઈએ ? કામળી પહેરવાનું કષ્ટ (!) ટાળીએ ?
→ આપણું શરીર તો નહિ જ, પણ આપણી ઉધિ પણ ઉજઈમાં ન જ હોવી જોઈએ... એ રીતની કાળજી રાખીએ ખરા ? કે પછી દાંડો-પ્યાલો વગેરે વસ્તુઓ ઉજઈમાં પણ પડી હોય તો ચાલે ?
→ ફોન-ફેક્સ-મોબાઈલ - ઝેરોક્ષ-કમ્પ્યુટરાદિમાં તેજસકાયની વિરાધના છે, એ તો ખ્યાલ છે ને ? આપણે આ વિરાધના સ્વયં કરવાની નથી, તો બીજા પાસે કરાવવાની ય નથી. કરનારાની અનુમોદના કરવાની નથી... એ તો આપણને ખબર છે ને ? હા ! ગાઢ કારણ હોય તો જુદી વાત ! પણ નાની નાની વાતોમાં તેજસકાયની વિરાધના અંગે આપણે ઉપેક્ષાવાળા બનીએ એ ચાલે ખરું ?)
૧૫