________________
પ્રસ્તાવના
જૈનાગમા કે જૈનધર્મશાસ્ત્રોના સારા જ્ઞાતા કોઈપણ પ્રાજ્ઞ પુરુષો શ્રી ગચ્છાચાર પયજ્ઞાનું મહત્વ ન જાણતા હોય તેવું કેમ કહી શકાય ? ભગવાન મહાવીર દેવના ૧૪ હજાર અણગારોએ રચેલા ૧૪ હજાર પયજ્ઞા સૂત્રોમાંથી કાળક્રમે નાશ પામતાં પામતાં આજના જીવોના સૌભાગ્યે બચી ગયેલા ૧૯ પયન્ના સૂત્રોમાંથી ગચ્છાચારપયજ્ઞો ૪૫ આગમની ગણનામાં નથી ગણાયો તેટલા માત્રથી તેનું મહત્ત્વ ઓછું નથી અંકાયું. આગમસૂત્રોની હોડમાં મૂકી શકાય તેવી અણમોલ-વિશેષતાઓને વરેલા આ મહાશાસ્ત્રની સ્તવના કરીએ તેટલી ઓછી છે.
પ્રારંભમાં આચાર્યના સ્વરૂપનું વર્ણન પછી સાધુના સ્વરૂપનું વર્ણન અને છેલ્લે સાધ્વી સ્વરૂપનું વર્ણન એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલો આ ગ્રન્થ પૂર્વાચાર્યોની વિશિષ્ટ વિવેચનાથી આચાર-માર્ગના ઉપાસકોને ખૂબ ઊંચુ-આલંબન આપે છે તેથી જ આજે શ્રમણ-શ્રમણીઓમાં તેનું વાચના આદિના માધ્યમથી કરાતું-થતું પ્રદાન અપૂર્વ નિર્જરાનું કારણ બનતું જોવા મળે છે.
પ્રથમ અધિકારના પ્રારંભમાં પયજ્ઞાનો અર્થ બતાવીને તે-તે તીર્થંકરદેવોના કેટલા-કેટલા પયન્ના હતાં તેની સંખ્યા બતાવીને ઊંચા-આચારોથી ભરેલા ગચ્છમાં રહેલાથી થનારા લાભો, આચાર્યની પરીક્ષાનો ઉપદેશ, આચાર્યનું સ્વરૂપ, વસ્ત્રાદિ ઉપધિના સંગ્રાહક તરીકેના તેઓના અધિકાર, દીક્ષાને યોગ્ય-અયોગ્યની વાતો, પાંચ આચારોનું વર્ણન માસકલ્પાદિ વિહારનું સ્વરૂપ આદિ વર્ણવે છે. ભાવાચાર્ય ભગવંતોને શ્રી તીર્થંકર દેવોની સમાન તરીકે બિરદાવે છે દ્વાદશાંગી આરાધનાવિરાધનાનું રૂપ રજુ કરે છે, શિષ્યોનું ગુરુ પ્રત્યેનું કર્તવ્ય તથા ગુરુનું શિષ્યો પ્રત્યેનું કર્તવ્ય રજુ કરે છે.
બીજો અધિકાર પણ વિવિધ દૃષ્ટાંતો દ્વારા ગીતાર્થ-અગીતાર્થનો પરિચય કરાવી બન્નેના ઉપદેશોને અમૃત-વિષની ઉપમા આપે છે, દવિધ સામાચારીચાર પ્રકારના આવશ્યક, આહારાદિના દોષોનું સ્વરૂપ, ભોજન લેવા ન લેવાના કારણે કન્દર્યાદિ ભાવનાઓનું સ્વરૂપ, જ્ઞાનાદિના ભેદો, ત્યાજ્ય ગચ્છનું સ્વરૂપ આદિના વર્ણનથી અદ્ભૂત લાગે છે.