________________
વાત છે. કેવા ગુરુ પાસે દીક્ષા લેવી વગેરે બાબતના વિમર્શમાં ઉપસંપદા વિચારણા પણ છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણથી સાધિક તેરસો વરસ પછી કુગુરુ થશે તેનો નિર્દેશ. એકાંત નિર્જરા નામક આ ચૂલિકામાં અંતે આલોચનાની ચાર
નિક્ષેપાથી ચર્ચા છે. (H) બીજી ચૂલિકામાં ઘણી આલોચના કરવા છતાં અને પ્રાયશ્ચિત્ત લેવા છતાં અશુદ્ધ
રહેલા સુસઢ સાધુનું દૃષ્ટાંત છે. આમાં જ અંતર્ગત બેઆબરુના ડરથી આલોચના છુપાવતી પૂર્વે રાજકુમારી અને પછી સાધ્વી બનેલી આર્થિકા (અન્યત્ર રુક્ષ્મી રાજકુમારી તરીકે પ્રસિદ્ધ)નું દૃષ્ટાંત છે. આ ચૂલિકામાં જયણાનું બતાવેલું મહત્ત્વ ખાસ ઉપયોગી છે.
શ્રી ગૌતમસ્વામીએ કરેલા પ્રશ્નોના ભગવાન મહાવીર સ્વામીએ આપેલા જવાબો... આ પદ્ધતિથી સંકલિત થયેલા આ છેદ-આગમગ્રંથમાં મુખ્યતયા આલોચના-પ્રાયશ્ચિત્ત અંગેનાં રસપ્રદ દૃષ્ટાંતો છે. એ દૃષ્ટાંત અંતર્ગત જ શ્રી ગૌતમસ્વામીજી મહત્ત્વના દરેક મુદ્દા માટે પ્રશ્ન ઉઠાવે છે, અને પ્રભુ વીર એના સુંદર સ્પષ્ટીકરણ આપતા જવાબો આપે છે. એ ખૂબ જ પ્રકાશ આપે છે. ખરેખર, ક્યાં ભૂલ થઈ ? કેવી ભૂલ થઈ ? એનું પરિણામ શું આવ્યું ? અને એ પરિણામ માટે એ ભૂલ આટલી બધી જવાબદાર કેમ ? આ બધી બાબતોના ખુલાસા આંખ ખોલવા સમર્થ છે.
એમ કહી શકાય કે શ્રમણ અવસ્થામાં આહારાદિ નવ સંજ્ઞા કરતાં પણ ભારે મુશ્કેલી સર્જે છે લોકસંજ્ઞા, પ્રમાદાદિથી દોષ સેવાઈ જાય પછી એનું શુદ્ધ પ્રાયશ્ચિત્ત ન કરવા દેનાર મુખ્ય તત્ત્વ છે આ લોકસંજ્ઞા. “દુનિયા શું કહેશે ?” “લોકોમાં મારું કેવું લાગશે ?' ‘લોકોમાં મારી જામેલી આબરુનું શું થશે ?' “અત્યાર સુધી જે બાબતમાં લોકો મને આદર્શ ગણે છે, એ જ બાબતમાં મારી ગરબડ જાણીને લોકો મને કેવો ગણશે ?' “મારા ભક્તો-અનુયાયીઓ વગેરેમાં મારી છાપ કેવી પડશે ?” બસ આવી ને આવી ગણત્રી સાધુ-સાધ્વીને સાચા શુદ્ધ થતાં અટકાવે છે. કદાચ આ જ કારણ હશે કે ઘોર પાપીઓ તરીકે પ્રસિદ્ધ થયેલાઓ સાચા પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત કરી કર્મે શૂરામાંથી ધર્મે શૂરા બની જલદી કલ્યાણ પામી જાય છે, જ્યારે ધર્મના ધુરંધરો સંસારમાં રખડતાં થઈ જાય છે, ઘોર પાપીને લોકસંજ્ઞા જે પ્રશ્ન ઊભો નથી કરી શકતી તે પ્રશ્ન ઉત્કૃષ્ટ ધર્મ માટે સર્જી શકે છે. પ્રાયઃ આ જ એક કારણસર જ્યારે શ્રી સાવદ્યાચાર્યનું તીર્થકર નામકર્મ જતું રહ્યું હોય, અને અનંતભવ વધી ગયા હોય, લક્ષ્મણા સાધ્વીને ૮૦ ચોવીસી સુધી ભવભ્રમણ કરવા પડ્યાં હોય અને રુક્ષ્મીને લાખ ભવ કષ્ટ સહેવાં પડ્યાં હોય, ત્યારે એનાથી ખરેખર ખૂબ જ સાવધ થવા જેવું છે.
महानिशीथ सूत्रम्