________________
પોતે જેવા પરમ વૈરાગી અને શાસન પ્રભાવક છે, તેવી જ રીતે તેઓશ્રીના વિદ્વાન શિષ્યો પણ તેમને શુભ પગલે ચાલી, ઉગ્ર વિહાર કરી દેશોદેશ વિચરી અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધી જૈન-શાસનનો ઉદ્યોત કરી રહ્યા છે. આ સર્વાગ સંપૂર્ણ ચરિત્ર પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજ સાહેબ તથા પંન્યાસજી મહારાજ શ્રી સંપદ્વિજયજી મહારાજ સાહેબે ગુજરાતી ભાષામાં તૈયાર કરીને આપ્યું હતું, તે ઉપરથી અમોએ પંડિત વ્રજનાથ શાસ્ત્રી તથા પંડિત શિવશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃતમાં તૈયાર કરાવ્યું છે. વળી અવાર-નવાર તેઓશ્રીએ કેટલીક ઉપયોગી સૂચનાઓ આપી અમારા કાર્યની સરલતા કરી આપી છે, તે બદલ બન્ને પંન્યાસજી મહારાજ સાહેબોનો ઉપકાર માનીએ છીએ. આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં રાધનપુર નિવાસી શેઠ વાડીલાલ પૂનમચંદ, તથા રાજકોટ નિવાસી દોશી જેઠાલાલ પાનાચંદ વગેરે સગૃહસ્થોએ આર્થિક સહાય આપી અમારા ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી છે, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. પૂજ્યપાદ આચાર્ય મહારાજ સાહેબનું આ મનનીય ચરિત્ર વાંચી લોકો થોડે ઘણે અંશે તેને પોતાના જીવનમાં ઉતારશે તો અમો અમારો પરિશ્રમ સફળ થયો માનશું. ગ્રન્થને શુદ્ધ છપાવવા માટે બનતી કાળજી રાખવા છતાં કોઈક સ્થળે દૃષ્ટિદોષથી, મતિ| મંદતાથી કે પ્રેસની ભૂલથી કાંઇક અશુદ્ધિ રહી ગઈ હોય, તો તે બદલ મિથ્યાદુષ્કત યાચીએ છીએ, અને સાક્ષરવર્ગ અમોને સૂચવશે તો બીજી આવૃત્તિ વખતે તે તે સ્થળે સુધારો કરવામાં આવશે. આશા છે કે વિદ્વાન્ મુનિવર્યો તથા સાક્ષરવર્ગ કોઇ ઠેકાણે અશુદ્ધિ જણાય તો સુધારીને વાંચશે, અને અમોને સૂચના આપવા કૃપા કરશે.
લી. વ્યવસ્થાપક શ્રી વિજયનીતિસૂરીશ્વર જૈન લાયબ્રેરી
રીચી રોડ, અમદાવાદ