________________
પ્રસ્તાવના
સંપૂર્ણતાની સર્વોચ્ચતાએ બિરાજમાન તત્ત્વજ્ઞાન કે તત્ત્વદર્શન કે ધર્મ એટલે જૈનધર્મ. સ્યાદ્વાદ એ ધર્મનું એક અતિ મહત્ત્વપૂર્ણ અંગ. એ ધર્મ-શાસનના સ્થાપનારા ૨૪ તીર્થંકરોની સર્વજ્ઞતા-જ્ઞાન; તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિવેણીનું એક ઉત્તમ પાસું. આ સ્યાદ્વાદ અને સર્વજ્ઞતાની સામે આજનાં વિજ્ઞાન, શોધખોળો, વિકાસ, ‘જમાનો’ સુધારાવાદ, આધુનિક શિક્ષણ, જીવન-વ્યવસ્થાઓ, સિદ્ધાંતોની કહેવાતી વિદ્વત્તાપૂર્ણ સમીક્ષા ઇત્યાદિ તો એટલાં વામણાં છે કે મેરુ પર્વત અને એક રજકણની સરખામણીનો ‘રશિયો” પણ વધારે પડતો લાગે.
ખ્રિસ્તીધર્મની ચર્ચ સંસ્થા દ્વારા ઘડવામાં આવેલું અને પશ્ચિમનાં રાષ્ટ્રો દ્વારા અમલમાં મૂકવામાં આવેલું વિનાશનું કાવતરું છેલ્લાં ૫૦૦ વર્ષથી વિધ્વંસ વરસાવી રહ્યું છે. તે કાવતરાના મૂળને પારખી તેની સામે સહુને સાવધ કરનારા પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખે ખૂબ ઊંડાણથી અને ખૂબ વિપુલતાથી લેખન કર્યું છે. કોઈક નજૂમી જેમ પોતાના કાચના ગોળામાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય સ્પષ્ટતાથી જુએ તે રીતે