________________
૧૯૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૪૭ પ્રકૃતિની ઉપશમના કરતો જીવ, ઉપશાંતમોહ-અગિયારમાં ગુણસ્થાનકમાં વર્તતા મહાત્મા, મોહક્ષપક=ક્ષપકશ્રેણિમાં ચડેલા આઠમા ગુણસ્થાનક આદિમાં વર્તતા મહાત્મા, ક્ષીણમોહ–બારમા ગુણસ્થાનક આદિમાં વર્તતા મહાત્મા, જિન=કેવલી, આ દશે મહાત્માઓને ક્રમશઃ અસંખ્ય ગુણ નિર્જરા છે=પૂર્વ પૂર્વના કરતાં ઉત્તર-ઉત્તરના મહાત્માઓને અસંખ્ય ગુણ નિર્જરા છે. તે આ પ્રમાણે – સમ્યગ્દષ્ટિથી શ્રાવક દેશવિરતિધર શ્રાવક, અસંખ્ય ગુણ નિર્જરા કરનાર છે. શ્રાવકથી વિરત=સર્વવિરતિધર એવા સાધુ, અસંખ્યગુણ નિર્જરા કરનાર છે. વિરતથી=સર્વવિરતિધર સાધુથી, અનંતાતુબંધી વિયોજક અસંખ્યાતગુણ નિર્જરા કરનાર છે. એ પ્રમાણે શેષ જાણવા. ૯/૪૭ના ભાવાર્થ :
અવતરણિકામાં કહ્યું કે પરિષદના જયથી, તપથી અને કર્મના ઉદયથી નિર્જરા થાય છે તેમાં કર્મના ઉદયથી બધા જીવોને સ્વ-સ્વ ભૂમિકા પ્રમાણે નિર્જરા થાય છે જે અકામનિર્જરા છે. સમ્યગ્દષ્ટિ આદિને જે નિર્જરા થાય છે તે ત્રણ કારણોથી થાય છે. સમ્યગ્દષ્ટિ આદિની નિર્જરા તરતમતાથી અનેક પ્રકારની છે, તેને સામાન્યથી દશ ભેદોમાં બતાવે છે.
સમિતિ-ગુપ્તિ આદિ સંવરના ઉપાયો છે તેમ બતાવ્યા પછી સમ્યગ્દષ્ટિ શ્રાવક વગેરેને ક્રમશઃ અસંખ્યાતગુણી નિર્જરા કહી, તેથી સંવરવાળા સાધુને સકામનિર્જરાની પ્રાપ્તિ છે એમ ફલિત થાય છે; એટલું જ નહીં પણ, સમિતિ-ગુપ્તિ આદિ ભાવોને નહીં પામેલા એવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને પણ સકામનિર્જરા સ્વીકારી, તેથી અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને પણ સંવરની પ્રાપ્તિ છે એમ ફલિત થયું, કેમ કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો સમિતિ-ગુપ્તિ આદિ ભાવો પ્રત્યે અત્યંત રુચિવાળા હોવાથી તેઓનું ચિત્ત કંઈક સંવરવાળું છે અને પોતાની ભૂમિકા અનુસાર જિનવચનના શ્રવણાદિ દ્વારા કે સુસાધુની ભક્તિ દ્વારા કે ભગવાનની ભક્તિ દ્વારા નિર્જરાની પ્રાપ્તિ કરે છે, તે સર્વ તપના સેવનરૂપ છે, તેથી તેઓને સકામનિર્જરાની પ્રાપ્તિ છે.
અવિરત સમ્યગ્દષ્ટિ કરતાં દેશવિરતિધર શ્રાવકને અસંખ્યાતગુણી નિર્જરા છે. સમ્યગ્દષ્ટિ જીવ માર્ગાનુસારી પ્રજ્ઞાવાળા હોવાથી સર્વવિરતિના અત્યંત અર્થી છે. તેઓ શાસ્ત્રો ભણીને સૂક્ષ્મ ઊહપૂર્વક તત્ત્વની વિચારણા કરે છે અને તેના બળથી સર્વવિરતિને અનુકૂળ બળ સંચય કરવા યત્ન કરે છે, છતાં દેશવિરતિધર શ્રાવકની જેમ વિરતિના પરિણામને પામ્યા નથી. તેથી સમ્યગ્દષ્ટિ કરતાં દેશવિરતિના પરિણામને પામેલા શ્રાવકમાં સમ્યગ્દષ્ટિના સંવર કરતાં અધિક સંવરની પ્રાપ્તિ છે. સંવર સાથે નિર્જરા અવિનાભાવી છે. તેથી દેશવિરતિધર શ્રાવક સમ્યગ્દષ્ટિ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.
વળી દેશવિરતિધર શ્રાવક કરતાં સર્વવિરતિધર સાધુને અસંખ્યાતગુણી નિર્જરા છે; કેમ કે તેઓ સંસારના સર્વ ભાવોથી સંવૃત થઈને સદા ત્રણ ગુપ્તિમાં વર્તે છે, જ્યારે દેશવિરતિધર શ્રાવક ત્રણ ગુપ્તિમાં સદા ગુપ્ત થવાની ઉત્કટ ઇચ્છાવાળા છે અને તેની શક્તિના સંચયાર્થે જ દેશવિરતિ ગ્રહણ કરીને સર્વવિરતિને અનુકૂળ બળ સંચય થાય તેવો યત્ન કરે છે, તોપણ સંચિત વર્તવાળા સાધુ જેવો સંવરભાવ શ્રાવકને નથી. તેથી શ્રાવક કરતાં સાધુને અસંખ્યાતગુણ નિર્જરા છે.