________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૯
૧૬૯
અપલાપ છે. વળી ભગવાન યોગનિરોધ અવસ્થાવાળા છે, સાધુ છે, તેથી તેમની વીતરાગમુદ્રાનો નાશ થાય તેવા અલંકારો આદિથી વિભૂષા કરાય નહીં, તે પ્રકારનાં વચનો શાસ્ત્રના સદ્ભૂત ભાવોનો અપલાપ કરનારાં હોવાથી મૃષાવાદરૂપ છે.
વળી, અભૂતનું ઉદ્દ્ભાવન એટલે આત્મા શરીરવ્યાપી અસંખ્યાત્ પ્રદેશરૂપ છે, તેમ શાસ્ત્રસંમત હોવા છતાં કેટલાક કહે છે કે શ્યામાક નામના તંડુલ માત્ર આ આત્મા છે. આ પ્રકારે સ્વકલ્પનાથી આત્માનું જેવું.. સ્વરૂપ નથી તેવું સ્વરૂપ કહેવું તે અભૂતનું ઉદ્દ્ભાવન છે.
તે રીતે અંગુષ્ઠ પર્વમાત્ર આ આત્મા છે, તે કથન પણ અભૂતના ઉદ્ભાવન સ્વરૂપ મૃષાવચન છે. વળી કોઈ કહે છે કે ‘સૂર્ય જેવો પ્રકાશવાળો આત્મા છે.' વસ્તુતઃ આત્મા અરૂપી છે અને સૂર્યનો પ્રકાશ રૂપી છે. તેથી આત્મા સૂર્યના વર્ણ જેવો છે, તે કથન પણ અભૂતના ઉદ્ભાવનરૂપ હોવાથી મૃષાવચન છે.
વળી કેટલાક આત્માને એકાંત નિષ્ક્રિય માને છે. તેઓ કહે છે કે ‘સંસારી જીવો પ્રત્યક્ષથી જે જે ક્રિયા કરનારા દેખાય છે, તે તે ક્રિયા આત્મા કરતો નથી, શરીર કરે છે.' આવું કહીને જે આત્માની ક્રિયાનો અપલાપ કરવામાં આવે છે તે અભૂતનું ઉદ્દ્ભાવન છે. ૫૨માર્થથી સિદ્ધના આત્માઓ સર્વક્રિયાથી રહિત હોવાને કારણે નિષ્ક્રિય છે, તેમ કહેવામાં કોઈ દોષ નથી; પરંતુ સંસારી આત્માને નિષ્ક્રિય કહેવો તે મૃષાવચન છે.
આ પ્રકારે જે કાંઈ અભૂતનું ઉદ્દ્ભાવન કરાય છે તે મૃષાવચન છે.
(ii) અર્થાન્તર :
વળી કોઈ પુરુષ ગાયને અશ્વ કહે છે અને અશ્વને ગાય કહે છે તે અર્થાન્તરરૂપ મૃષાવચન છે. તે રીતે ભગવાનના શાસનમાં જે પદાર્થો જે રૂપે કહેવાયા હોય તે પદાર્થોને યથાર્થ જાણ્યા વગર અન્યથારૂપે કહે તો તે અર્થાન્તરરૂપ મૃષાવચન છે. આથી જ મહાત્માઓ જે પદાર્થનો શાસ્ત્રવચનથી સ્પષ્ટ નિર્ણય ન થાય તે પદાર્થોને કહેતા નથી પરંતુ ‘તત્ત્વ કેવલીગમ્ય છે' તેમ કહે છે, જેથી પદાર્થ અન્યથારૂપે કહેવાથી મૃષાવાદની પ્રાપ્તિ ન થાય.
(iii) ગર્હા :
વળી કોઈ પુરુષ સત્યવચન કહે છતાં ત્યાં હિંસાનો પરિણામ હોય, પારુષ્યનો અર્થાત્ કઠોરભાવનો પરિણામ હોય કે પૈશુન્યનો પરિણામ હોય તો તેવા કોઈક પરિણામથી યુક્ત સત્ય વચન પણ ગર્હિત હોવાને કારણે અસત્યરૂપ જ છે. દા.ત. કોઈને પીડાકારી સત્યવચન કહેવામાં આવે ત્યાં પીડા ઉત્પન્ન કરવારૂપ હિંસાનો પરિણામ છે અથવા તેની પીડાની ઉપેક્ષાનો પરિણામ છે, તેથી તે સત્યવચન પણ મૃષારૂપ છે. જેમ કોઈ શિકારી સાધુ ભગવંતને પૂછે કે હ૨ણ કઈ દિશામાં ગયું છે ? એ વખતે તે મહાત્મા જો સત્ય કથન કરે તો તે સત્યવચન પણ મૃષાવચનરૂપ છે.