________________
૧૨૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૩ પરિણામે તે પ્રકારના પ્રકર્ષવાળો થાય તો તીર્થંકરનામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાય પ્રગટે છે. તેથી અભણ સંવેગનો પરિણામ તીર્થંકરનામકર્મનો આશ્રવ છે. ૬. યથાશક્તિ ત્યાગ અને તપ :
જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે, મોક્ષના અર્થી છે અને માર્ગાનુસારી બુદ્ધિ પ્રકર્ષવાળી છે તેઓ ત્યાગના પરમાર્થને અને તપના પરમાર્થને જાણીને કયા પ્રકારના બાહ્યત્યાગ અને બાહ્યતપ દ્વારા પોતે અસંગભાવને ઉલ્લસિત કરી શકે છે ? તેનો નિર્ણય કરીને શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદભાવથી યત્ન કરે છે. આ તપ અને ત્યાગ પ્રકર્ષવાળો થાય તો તીર્થકર નામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાય પ્રગટે છે. તેથી યથાશક્તિ ત્યાગ અને તપ તીર્થકર નામકર્મનો આશ્રવ છે. યથાશક્તિ તપ-ત્યાગના બળથી તીર્થકરના ભવમાં મહાસત્ત્વવાળું સંયમ પ્રાપ્ત થાય છે. ૭. સંઘ અને સાધુની સમાધિનું કારણ બને તેવા પ્રકારનું વૈયાવચ્ચનું કરણ -
દરેક જીવોની ચિત્તની કોઈક ભૂમિકા હોય છે. તે ભૂમિકામાં સ્વસ્થ થઈને તે જીવ તત્ત્વ તરફ જવા યત્ન કરે તો ઉત્તર-ઉત્તરની ભૂમિકામાં જવા માટે તે જીવ સમર્થ બને છે. આમ છતાં કોઈ બાહ્ય નિમિત્તોની પ્રતિકૂળતાથી પોતાનામાં તે પ્રકારની સ્વસ્થતા ન રહેવાથી ઉત્તર-ઉત્તરના યોગમાર્ગને સેવી શકતા નથી. તેથી કોઈ મહાત્મા ચતુર્વિધ સંઘ અંતર્ગત કોઈપણ જીવોની તેઓની ભૂમિકા અનુસાર સ્વસ્થતાની પ્રાપ્તિ થાય તે પ્રકારે વૈયાવચ્ચ કરે તો તે વૈયાવચ્ચના બળથી સ્વસ્થ થયેલા એવા તેઓ ઉત્તર-ઉત્તરની ભૂમિકામાં જઈને પોતાનો સંસાર પરિમિત કરી શકે છે. કોઈ સાધુ કોઈક પ્રતિકૂળ સંયોગને કારણે પોતાના ચિત્તની સ્વસ્થતામાં વર્તતા ન હોય તેઓને ચિત્તની સ્વસ્થતાની પ્રાપ્તિ થાય તે પ્રકારે તેઓની વૈયાવચ્ચ કરવામાં આવે તો તેઓ ઉત્તર-ઉત્તરની સમાધિને પામીને સુખપૂર્વક સંસારનો ઉચ્છેદ કરી શકે છે. તેથી જે મહાત્મા વિવેકપૂર્વક સંઘ અંતર્વર્તી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વને લક્ષ્યમાં રાખી કે કોઈક સાધવિશેષને લક્ષ્યમાં રાખીને તેઓની સમાધિ માટે વિવેકપૂર્વક તેમને અનુકૂળ થઈને જિનાજ્ઞા અનુસાર વૈયાવચ્ચ કરે તો તે વૈયાવચ્ચકરણમાં અન્ય જીવોના હિતને અનુકૂળ એવા ઉત્તમ પરિણામનું પ્રવર્તન હોવાથી તીર્થંકર નામકર્મનો આશ્રવ થઈ શકે છે. ૮. અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનમાં પરમભાવની વિશુદ્ધિયુક્ત ભક્તિ
અરિહંતમાં, આચાર્યમાં, બહુશ્રુતમાં અને પ્રવચનમાં પરમ ભાવની વિશુદ્ધિથી યુક્ત એવી ભક્તિ તીર્થકર નામકર્મનો આશ્રવ છે. કોઈક જીવોને તીર્થકરના પારમાર્થિક સ્વરૂપનો સૂક્ષ્મ બોધ થાય, જેના કારણે સદા તેઓના સ્વરૂપ પ્રત્યે ચિત્ત આવર્જિત રહે જેથી તીર્થકરના ગુણો પ્રત્યે બહુમાનભાવરૂપ પરમભાવની વિશુદ્ધિથી યુક્ત એવી ભક્તિની ઉચિત ક્રિયા કરે તો તીર્થકર નામકર્મના આશ્રવની પ્રાપ્તિ થાય. મનોયોગપ્રધાન એવી પૂજા કરનારા પરમશ્રાવકો ભગવાનની ભક્તિ માટે વર્તમાનની ઉપલબ્ધ શ્રેષ્ઠ સામગ્રીથી પણ સંતોષ પામતા નથી. તેઓને થાય છે કે પ્રકૃષ્ટ ગુણવાળા પુરુષની ભક્તિ તો પ્રકૃષ્ટ ગુણવાળા નંદનવનના પુષ્પોથી