________________
૪૫૮
જૈનદર્શન વાસ્તવિક સ્થિતિ આવી હોવા છતાં પણ જ્યારે આત્માનું શરીરસંધારણ અને સમાજનું નિર્માણ જડ પદાર્થો વિના સંભવ નથી ત્યારે એ વિચારવું આવશ્યક બની જાય છે કે આખરે શરીરયાત્રા, સમાજનિર્માણ અને રાષ્ટ્રસરક્ષા આદિ કેવી રીતે કરવામાં આવે ? જ્યારે અનિવાર્ય સ્થિતિમાં જડ પદાર્થોનો સંગ્રહ અને તેમનો યથોચિત વિનિયોગ આવશ્યક બની ગયો ત્યારે તે બધા આત્માઓએ જ સમાન ભૂમિકા અને સમાન અધિકારની ચાદર પર બેસીને વિચારવું જોઈએ કે જગતના ઉપલબ્ધ સાધનોનો વિનિયોગ કેવી રીતે થાય કે જેથી પ્રત્યેક આત્માનો અધિકાર સુરક્ષિત રહે અને એવું સમાજનિર્માણ સંભવ બની શકે જેમાં સૌને સમાન તક મળે અને સૌની પ્રારંભિક આવશ્યકતાઓની સભાનપણે પૂર્તિ થાય. આવી વ્યવસ્થા ઈશ્વરનિર્મિત ક્યારેય હોઈ શકતી નથી યા જન્મજાત વર્ગના સંરક્ષણના આધારે પણ
ક્યારેય સ્થપાઈ શકતી નથી, પરંતુ સમાજનાં તે બધાં જ ઘટક અંગોની, જાતિવર્ણ-રંગ-દેશાદિના ભેદભાવ વિના, નિરુપાધિ સમાનસ્થિતિના આધારે જ બની શકે. સમાજવ્યવસ્થા ઉપરથી લદાવી ન જોઈએ પરંતુ તેનો વિકાસ સહયોગપદ્ધતિથી સામાજિક ભાવનાની ભૂમિ પર થવો જોઇએ, ત્યારે જ સર્વોદયી સમાજરચના થઈ શકે. જૈનદર્શને વ્યક્તિ સ્વાતન્યને મૂળરૂપે માનીને સહયોગમૂલક સમાજરચનાનો દાર્શનિક આધાર રજૂ કર્યો છે. આ સહયોગમૂલક સમાજરચનામાં
જ્યારે પ્રત્યેક વ્યક્તિ પરિગ્રહના સંગ્રહને અનધિકારવૃત્તિ માનીને જ અનિવાર્ય યા અત્યાવશ્યક સાધનોના સંગ્રહમાં પ્રવૃત્ત થશે - અને તે પણ સમાજની ઘટક અન્ય વ્યક્તિઓને સમાનાધિકારી સમજીને તેમની પણ સુવિધાનો વિચાર કરીને જ – ત્યારે જ સર્વોદયી સમાજનું સ્વસ્થ નિર્માણ સંભવ બની શકશે.
નિહિત સ્વાર્થવાળી વ્યક્તિઓએ જાતિ, વંશ અને રંગ આદિના નામે અધિકારોને હડપ કરી લેવા અને તેમના સંરક્ષણ માટે મથવું તથા અમુક ખાસ વ્યવસ્થાઓએ વર્ગવિશેષને સંરક્ષણ આપવું આ બધું મૂલતઃ અનધિકાર ચેષ્ટાઓ છે. તે બધું માનવહિત અને નવસમાજરચના માટે સ્વયં સમાપ્ત થઈ જવું જ જોઈએ અને સમાન તકવાળી પરંપરાનો સર્વાન્યુદયની દષ્ટિએ વિકાસ થવો જોઈએ.
આ રીતે અનેકાન્તદષ્ટિથી વિચારસહિષ્ણુતા અને પરસન્માનની વૃત્તિ જાગતાં મન બીજાના સ્વાર્થને પોતાનો સ્વાર્થ માનવા તરફ પ્રવૃત્ત થઈને સમાધાનની તરફ સદા ઝૂકતું રહે છે. જ્યારે તેનામાં સ્વાધિકારની સાથે સાથે જ સ્વકર્તવ્યનો પણ ભાવ ઉદય પામે છે ત્યારે તે બીજાના આન્તરિક મામલામાં દખલ કરતું નથી. આ રીતે વિશ્વશાન્તિ માટે અપેક્ષિત વિચારસહિષ્ણુતા, સમાનાધિકારનો સ્વીકાર અને