________________
૨૭૮
જૈનદર્શન
કંઈ અષ્ટપષ્ટ દૂષણોને કહીને દૂષણાભાસનું ઉદ્ભાવન કરે છે, વાદી પ્રતિવાદીની દૂષણાભાસતા બતાવતો નથી. આવી પરિસ્થિતિમાં કોઈનો જય કે પરાજય નહિ થાય. પ્રથમ સ્થળમાં અકલંકદેવ સ્વપક્ષસિદ્ધિ અને પરપક્ષનિરાકરણમૂલક જય અને પરાજયની વ્યવસ્થાના આધારે કહે છે કે જો પ્રતિવાદીને દૂષણાભાસ કહેવાના કારણે પરાજય મળતો હોય તો વાદીનો પણ સાધનાભાસ કહેવાના કારણે પરાજય થવો જોઈએ, કેમ કે અહીં વાદી સ્વપક્ષસિદ્ધિ ક્યાં કરી શક્યો છે? અકલકદેવના મતે એકની સ્વપક્ષની સિદ્ધિ જ બીજાના પક્ષની અસિદ્ધિ છે. તેથી જયનો મૂલ આધાર સ્વપક્ષની સિદ્ધિ છે અને પરાજયનું મૂળ કારણ પક્ષનું નિરાકૃત થવું છે. તાત્પર્ય એ કે જ્યારે ‘એકના જયમાં બીજાનો પરાજય અવશ્યભાવી છે' એવો નિયમ છે ત્યારે સ્વપક્ષસિદ્ધિ અને પરપક્ષનિરાકૃતિને જ જય-પરાજયનો આધાર માનવો જોઈએ. બૌદ્ધ વચનાધિક્ય આદિને પણ દૂષણોમાં સામેલ કરીને ગૂંચવાડામાં પડી જાય છે.
ન
સીધી વાત તો એ છે કે પરસ્પર વિરોધી પક્ષોને લઈને ચાલતા વાદમાં જે કોઈ પોતાનો પક્ષ સિદ્ધ કરશે તે જય પામશે અને અર્થાત્ જ બીજો તેના પક્ષનું નિરાકરણ થઈ જવાના કારણે પરાજય પામશે. જો બેમાંથી કોઈ પણ પોતાનો પક્ષ સિદ્ધ ન કરી શકે અને એક વાદી કે પ્રતિવાદી અધિક વચન બોલી જાય તો એટલા માત્રથી તેનો પરાજય ન થવો જોઈએ. કાં તો બન્નેનો પરાજય થાઓ કાં તો બન્નેનો જયાભાવ રહો. તેથી સ્વપક્ષસિદ્ધિ અને પરપક્ષનિરાકરણમૂલક જ જયપરાજયવ્યવસ્થા સત્ય અને અહિંસાના આધારથી ન્યાય છે. નાનામોટા વચનાધિક્ય આદિ તુચ્છ દોષોના કારણે ન્યાયતુલાને ડગવા દેવી ન જોઈએ. વાદી સત્ય સાધન બોલીને પોતાના પક્ષની સિદ્ધિ કર્યા પછી વચનાધિક્ય અને નાટકાદિની ઘોષણા પણ કરે તો પણ તે જયી જ બનશે. તેવી જ રીતે પ્રતિવાદી વાદીના પક્ષમાં યથાર્થ દૂષણ આપીને જો પોતાના પક્ષની સિદ્ધિ કરી લે તો તે પણ વચનાધિક્ય કરવાના કારણે પરાજિત ન થઈ શકે. આ વ્યવસ્થામાં એક સાથે બન્નેના જયની કે બન્નેના પરાજયની આપત્તિ આવતી નથી. એકની સ્વપક્ષસિદ્ધિમાં જ બીજાના પક્ષનું નિરાકરણ ગર્ભિત છે જ, કેમ કે પ્રતિપક્ષની અસિદ્ધિ દર્શાવ્યા વિના સ્વપક્ષની સિદ્ધિ પરિપૂર્ણ થતી નથી.
પક્ષના જ્ઞાન અને અજ્ઞાનના આધારે જય-પરાજયની વ્યવસ્થા માનીએ તો પક્ષ-પ્રતિપક્ષનો પરિગ્રહ કરવો જ વ્યર્થ બની જાય, કેમ કે કોઈ એક જ પક્ષમાં વાદી અને પ્રતિવાદીનાં જ્ઞાન અને અજ્ઞાનની પરીક્ષા કરી શકાય છે.