________________
૨૧૪
- જૈનદર્શન સવિકલ્પકમાં જે વિશદતા અને અર્થનિયતતા જણાય છે તે તે સવિકલ્પકનો પોતાનો ધર્મ નથી પરંતુ નિર્વિકલ્પક પાસેથી ઉધાર લીધેલો છે. નિર્વિકલ્પકની અનન્તર ક્ષણે જ સવિકલ્પક ઉત્પન્ન થાય છે, તેથી નિર્વિકલ્પકની વિશદતા સવિકલ્પકમાં પ્રતિભાસિત થવા લાગે છે અને આ રીતે સવિકલ્પક પણ નિર્વિકલ્પકની વિશદતાનો સ્વામી બનીને વ્યવહારમાં પ્રત્યક્ષ કહેવાય છે.
પરંતુ જૈન દાર્શનિક પરંપરામાં નિરાકાર નિર્વિકલ્પક દર્શનને પ્રમાણકોટિની બહાર જ રખાયું છે અને નિશ્ચયાત્મક સવિકલ્પક જ્ઞાનને જ પ્રમાણ માનીને વિશદ જ્ઞાનની પ્રત્યક્ષકોટિમાં મૂક્યું છે. બૌદ્ધનું નિર્વિકલ્પક જ્ઞાન વિષયવિષયીસન્નિપાત પછી તરત જ અનન્તર થનારા સામાન્યાવભાસી અનાકાર દર્શન સમાન છે. આ અનાકાર દર્શન એટલું તો નિર્બળ હોય છે કે તેનાથી વ્યવહાર તો દૂર રહ્યો પરંતુ પદાર્થનો નિશ્ચય પણ થઈ શકતો નથી. તેથી તેને સ્પષ્ટ યા પ્રમાણ માનવું કોઈ પણ રીતે ઉચિત નથી. વિશદતા અને નિશ્ચયપણું તો વિકલ્પનો પોતાનો ધર્મ છે અને તે જ્ઞાનાવરણના ક્ષયોપશમ અનુસાર તેમાં આવે છે. આ આશયનું સૂચન કરવા માટે અકલંકદેવે “અંજસા” અને “સાકાર' પદ પ્રત્યક્ષના લક્ષણમાં મૂક્યાં છે. જે વિકલ્પજ્ઞાનોનો વિષયભૂત પદાર્થ બહાર મળતો નથી તે વિકલ્પજ્ઞાનો વિકલ્પાભાસ છે, પ્રત્યક્ષ નથી. જેમ શબ્દશૂન્ય નિર્વિકલ્પકથી શબ્દસંતુષ્ટ વિકલ્પ ઉત્પન્ન થાય છે તેમ શબ્દશુન્ય અર્થથી પણ સીધો વિકલ્પ ઉત્પન્ન થાય તો તેમાં શું બાધા છે? - જો કે જ્ઞાનની ઉત્પત્તિમાં પદાર્થની અસાધારણ કારણતા નથી.
જણાય છે કે વેદની પ્રમાણતાનું ખંડન કરવાના વિચારથી બૌદ્ધોએ શબ્દનો અર્થ સાથે વાસ્તવિક સંબંધ માન્યો નથી અને જેટલાં પણ શબ્દસંસૃષ્ટ જ્ઞાનોનું સમર્થન નિર્વિકલ્પકથી થતું નથી તે બધાનું અપ્રામાણ્ય ઘોષિત કરી દીધું, અને તે જ જ્ઞાનોને પ્રમાણ માન્યાં છે જે સાક્ષાત યા પરંપરાથી અર્થસામર્થ્યજન્ય છે. પરંતુ શબ્દમાત્રને અપ્રમાણ કહેવો ઉચિત નથી. તે શબ્દો ભલે અપ્રમાણ હો જેમનો વિષયભૂત અર્થ ઉપલબ્ધ થતો ન હોય.
બે પ્રત્યક્ષ
જ્યારે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાનને પ્રત્યક્ષ માન્યું અને “અક્ષ' શબ્દનો અર્થ આત્મા કર્યો ત્યારે લોકવ્યવહારમાં પ્રત્યક્ષ તરીકે પ્રસિદ્ધ ઇન્દ્રિયપ્રત્યક્ષ અને માનસપ્રત્યક્ષની સમસ્યાનું સમાધાન જૈન દાર્શનિકોએ એક સંવ્યવહાર પ્રત્યક્ષ માનીને કર્યું.