________________
જ્યાં વ્યક્તિત્વનો સમાદર થાય છે ત્યાં સ્વાભાવિકપણે સાંપ્રદાયિક સંકુચિતતા, સંઘર્ષ યા કોઈ પણ છલ, જાતિ, જલ્પ, વિતંડા આદિ જેવા અસત્ ઉપાયો દ્વારા વાદીને પરાજિત કરવાની પ્રવૃત્તિ સંભવતી નથી. વ્યાવહારિક જીવનમાં પણ ખંડનના બદલે સમન્વયાત્મક નિર્માણની પ્રવૃત્તિ જ ત્યાં થાય છે. સાધ્યની પવિત્રતાની સાથે સાધનની પવિત્રતાનો મહાન આદર્શ પણ ઉક્ત સિદ્ધાન્તની સાથે જ રહી શકે છે. આ રીતે અનેકાન્ત દર્શન નૈતિક ઉત્કર્ષની સાથે સાથે જ વ્યવહારશુદ્ધિના માટે પણ જૈન દર્શનનું એક મહાન પ્રદાન છે.
વિચારજગતનું અનેકાન્તદર્શન જ નૈતિક જગતમાં દાખલ થઈને અહિંસાના વ્યાપક સિદ્ધાન્તનું રૂપ ધારણ કરી લે છે. તેથી જ્યાં અન્ય દર્શનોમાં ૫૨મતખંડન ઉપર ઘણો ભાર આપવામાં આવ્યો છે ત્યાં જૈન દર્શનનું મુખ્ય ધ્યેય અનેકાન્ત સિદ્ધાન્તના આધારે વસ્તુસ્થિતિમૂલક વિભિન્ન મતોનો સમન્વય કરવાનું રહ્યું છે. વર્તમાન જગતની વિચારધારાની દૃષ્ટિએ પણ જૈન દર્શનના વ્યાપક અહિંસામૂલક સિદ્ધાન્તનું અત્યન્ત મહત્ત્વ છે. આજકાલ જગતની સૌથી મોટી આવશ્યકતા એ છે કે પોતપોતાના પરંપરાગત વૈશિષ્ટ્યને જાળવી રાખીને પણ વિભિન્ન મનુષ્ય જાતિઓ એકબીજીની સમીપ આવે અને તેમનામાં એક વ્યાપક માનવતાની દૃષ્ટિ વિકાસ પામે. અનેકાન્તસિદ્ધાન્તમૂલક સમન્વયની દૃષ્ટિથી જ આ થઈ શકે.
કેવળ ભારતીય દર્શનના વિકાસક્રમને જાણવા માટે જ નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપના ઉત્તરોત્તર વિકાસને સમજવા માટે પણ જૈન દર્શનનું અત્યન્ત મહત્ત્વ છે, એમાં કોઈ જ સંદેહ નથી. ભારતીય વિચારધારામાં અહિંસાવાદના રૂપમાં અથવા પ૨મતસહિષ્ણુતાના રૂપમાં અથવા તો સમન્વયાત્મક ભાવનાના રૂપમાં જૈન દર્શન અને જૈન વિચારધારાનું જે પ્રદાન છે તેને સમજ્યા વિના ખરેખર તો ભારતીય સંસ્કૃતિના વિકાસને સમજી શકાય જ નહિ.
પ્રસ્તુત ગ્રન્થ
આજ સુધી રાષ્ટ્રભાષા હિંદીમાં કોઈ એવું પુસ્તક ન હતું જેમાં વ્યાપક અને તુલનાત્મક દૃષ્ટિએ જૈન દર્શનના સ્વરૂપને સ્પષ્ટ રૂપમાં પ્રકટ કર્યું હોય.
૧૮