________________
૧૦૫
લોકવ્યવસ્થા સંખ્યામાં ન તો એકનો ઘટાડો કરે છે કે ન તો એકનો વધારો. તેથી તે ઘટક દ્રવ્યો અવસ્થિત કહેવાય છે. આકાશ અનન્ત છે. પુદ્ગલ દ્રવ્યો પરમાણુરૂપ છે. કાલ દ્રવ્ય કાલાણુરૂપ છે. ધર્મ, અધર્મ અને જીવ અસંખ્યાત પ્રદેશવાળા છે. તેમનામાં ધર્મ, અધર્મ, આકાશ અને કાલ નિષ્ક્રિય છે. જીવ અને પુદ્ગલમાં જ ક્રિયા થાય છે. આકાશના જેટલા ભાગમાં આ છ દ્રવ્યો મળે છે તે લોક કહેવાય છે અને તેની પાર કેવળ આકાશમાત્ર અલોક છે. કેમ કે જીવ અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિમાં ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય સાધારણ નિમિત્તકારણ બને છે એટલે જ્યાં સુધી ધર્મ અને અધર્મ દ્રવ્યનો સદ્ભાવ છે ત્યાં સુધી જ જીવ અને પુદ્ગલનું ગમન અને સ્થિતિ સંભવે છે. તેથી આકાશના તે પુરુષાકાર મધ્ય ભાગને લોક કહે છે જે ધર્મ-અધર્મ દ્રવ્યની બરાબર છે. જો આ ધર્મ અને અધર્મ દ્રવ્યને સ્વીકારવામાં ન આવે તો લોક અને અલોનો વિભાગ બની શકે નહિ. તે બન્ને તો લોકના માપદંડ સમાન છે. લોક સ્વયં સિદ્ધ છે - આ લોક સ્વયં સિદ્ધ છે કેમ કે તેના ઘટક બધાં દ્રવ્યો સ્વયં સિદ્ધ છે. તેમની કાર્યકારણપરંપરા, પરિવર્તનવભાવ, પરસ્પરનિમિત્તતા અને અન્યોન્યપ્રભાવક્તા અનાદિ કાળથી બરાબર ચાલી આવે છે. તેના માટે કોઈ વિધાતા, નિયત્તા, અધિષ્ઠાતા યા વ્યવસ્થાપકની આવશ્યકતા નથી. ઋતુઓનું પરિવર્તન, રાત-દિનનો વિભાગ, નદી, નાળાં, પર્વત આદિનું વિવર્તન આદિ બધું પુગલદ્રવ્યોના પરસ્પર સંયોગ-વિભાગ, સંશ્લેષ-વિશ્લેષ આદિના કારણે સ્વયં થતું રહે છે. સામાન્યતઃ પ્રત્યેક દ્રવ્ય પોતાના પર્યાયોનું ઉપાદાન છે, અને સંપ્રાપ્ત સામગ્રી અનુસાર પોતાને બદલતું રહે છે. આ રીતે અનન્ત કાર્યકારણભાવોની સૃષ્ટિ સ્વયમેવ થતી રહે છે. આપણી સ્થલ દષ્ટિ જે પરિવર્તનોને જોઈને આશ્ચર્યચક્તિ થઈ જાય છે તે પરિવર્તનો અચાનક નથી થતાં, પરંતુ તેમની પાછળ પરિણમનોની સુનિશ્ચિત પરંપરા હોય છે. આપણને તો અસંખ્ય પરિણમનોનું સાધારણ અને સ્થૂળ રૂપ જ દેખાય છે. પ્રતિક્ષણભાવી સૂક્ષ્મ પરિણમનો અને તેમના અનન્ત કાર્યકારણોની જાળને સમજવી સાધારણ બુદ્ધિનું કામ નથી. દૂરની વાતને તો જવા દો, સર્વથા અને સર્વદા અતિ સમીપ શરીરને જ લો. તેની અંદર નસોનું જાળું, રુધિરપ્રવાહ અને પાક્યત્રમાં કેટલાય પ્રકારનાં પરિવર્તને પ્રતિક્ષણ થતાં રહે છે જેમનું સ્પષ્ટ જ્ઞાન દુઃશક્ય છે.
જ્યારે તે પરિવર્તનો એક નિશ્ચિત ધારાને પકડીને કોઈ વિસ્ફોટક રોગનાં રૂપમાં આપણી સામે ઉપસ્થિત થાય છે ત્યારે આપણને ભાન થાય છે.