________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૬
૧૦૧
પૂ. ભાષ્યકાર મ. આપણા વિચારને જાણીને આપણી મૂંઝવણને દૂર કરતાં કહે છે કે - ભાષ્ય :- ધર્મ, અધર્મ, આકાશ અને જીવોનું પરસ્પર રહેવું અને પુદ્ગલોમાં વૃત્તિવિરુદ્ધ નથી કેમ કે તે અમૂર્ત છે.
ટીકા : ધર્માદિ દ્રવ્યો અમૂર્ત છે. તેથી તેઓનું પરસ્પર રહેવું વિરુદ્ધ નથી. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ દ્રવ્ય પરસ્પર સાથે રહી શકે છે. બધા અમૂર્ત છે એટલે પરસ્પર કોઈને ટકરાવાનો પ્રશ્ન નથી માટે ‘સાથે રહેવું' બની શકે છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે આકાશપ્રદેશની સાથે વ્યાપીને જ ધર્મ, અધર્મના પ્રદેશો રહેલા છે. વળી જે આકાશપ્રદેશમાં ધર્મ, અધર્મ વ્યાપીને રહેલા છે તે જ લોકાકાશમાં જીવ, પુદ્ગલોની ગતિ, સ્થિતિ અને અવગાહ છે. આથી જેમ અમૂર્ત ધર્મ, અધર્મ, આકાશ અને આત્મપ્રદેશોની પરસ્પર વૃત્તિ છે તેમાં વિરોધ નથી તેમ પુદ્ગલના વિષયવાળી ધર્માદિની વૃત્તિનો પણ વિરોધ નથી. કારણ કે ધર્મના બળે જ પુદ્ગલ ગતિ કરે છે. અધર્મના બળે સ્થિતિ કરે છે અને આકાશના બળે અવગાહ લે છે એ તો દેખાય જ છે. વળી આત્માની તો કર્મ પુદ્ગલોની સાથે વ્યાપ્તિ છે. આત્માને કર્મ પુદ્ગલો એકમેક છે માટે પરસ્પર દ્રવ્યોની વૃત્તિનો કોઈ વિરોધ નથી. આથી પૂ. ભાષ્યકાર મ. જણાવેલ ‘જીવપ્રદેશો ધર્માદિના પ્રદેશસમુદાયને અવગાહે છે' આ વાત સમજાઈ જાય છે. અને એ વાત સિદ્ધ થાય છે કે આત્મા પ્રદેશોના સંકોચ અને વિસર્ગના કારણે નાના કે મોટા શરીરને ગ્રહણ કરે છે. જેટલું શરીર હોય તેમાં વ્યાપીને રહે છે.
આ રીતે જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ હોવાથી દીપકની જેમ જીવ નાના, મોટા શરીરમાં વ્યાપીને રહે છે. આમ જીવોના પ્રદેશો સમાન હોવા છતાં તેના અવગાહમાં વિષમતા છે આ બરાબર સમજાઈ ગયું.
ભાષ્ય :- પ્રદેશોના સંહાર (સંકોચ) અને વિસર્ગ(વિકાસ)નો સંભવ છે તો શા માટે જીવોનો અવગાહ અસંખ્યાતભાગાદિમાં થાય છે અને એકપ્રદેશાદિઓમાં થતો નથી ? એક આકાશપ્રદેશમાં જીવના અવગાહનાની શંકા :
આપણને વારંવાર દીપક આદિ દૃષ્ટાંત દ્વારા બતાવી દીધું કે જીવના પ્રદેશોમાં સંકોચ અને વિસર્ગનો સંભવ છે. હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો આત્મામાં પ્રદેશના સંહરણનું સામર્થ્ય છે તો તે સંપૂર્ણ કારણકલાપના સમુદાયવાળો આત્મા સર્વ પ્રદેશોને સંહરીને એક જ આકાશપ્રદેશમાં કેમ રહેતો નથી ? કારણ કે એને કોઈ રોકનાર તો નથી તો પછી આકાશના અસંખ્યાત ભાગાદિમાં જ કેમ રહે છે અને એકાદિ આકાશપ્રદેશમાં કેમ રહેતો નથી ? આમાં કોઈ યુક્તિ નથી. તમે ઓછામાં ઓછો સંકોચ અસંખ્યાત ભાગ પ્રયાણ બતાવ્યો એમાં કોઈ યુક્તિ કે કારણ લાગતું નથી.
૧.
धर्माधर्माकाशजीवानामिति, अमूर्तत्वसाधर्म्यादित्थमुपन्यासः, परस्परेण वृत्तिरितीतरेतराबुवेधस्तत्स्वभावतया न विरुध्यते, पुद्गलेषु च स्कन्धादिषु न विरुध्यते ... अमूर्तत्वाद्, धर्मादीनां एवं व्यवहारनयमतादवगाह्यादि, निश्चयस्तु सर्व एव भावा: स्वावगाहा इति ॥ हारिभ० पृ० २१९.