________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
સર્વે પદાર્થો સ્યાદ્વાદમુદ્રાંકિત હોય છે :
આપણા અનુભવપથમાં આવે છે કે, જગતના સર્વ પદાર્થોનું કોઈ એકાંત સ્વરૂપ નથી. પરંતુ અનેકાન્તમય એ પદાર્થો છે અને તેથી સર્વે પદાર્થો એકાંત મુદ્રાનો (મર્યાદાનો) ત્યાગ કરીને સ્યાદ્વાદ (અનેકાંત) ની મર્યાદાને અનુસરે છે. આ જ વાતને જણાવતાં સ્યાદ્વાદમંજરીમાં કહ્યું છે કે,
आदीपमाव्योम समस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु। तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ।।५।।
અર્થ : દીપકથી માંડીને આકાશ સુધીના તમામ પદાર્થો સમાન સ્વભાવવાળા છે. કારણ કે, તેઓ સ્યાદ્વાદ (એનકાંતવાદ) ની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. તેથી “આકાશ વગેરે એકાંતે નિત્ય છે અને દીપક વગેરે એકાંતે અનિત્ય છે." - આવું બોલનારા પ્રભુ ! તમારી આજ્ઞા ઉપર દ્વેષ કરનારા છે.
અહીં સૌથી પ્રથમ પ્રશ્ન થાય કે, તમામ પદાર્થોનું સમાન સ્વરૂપ કયું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સ્યાદ્વાદ મંજરીની ટીકામાં કહ્યું છે કે .....
किञ्च वस्तुनः स्वरूपम्? द्रव्यपर्यायात्मकम् इति।
સર્વે વસ્તુઓનું સ્વરૂપ દ્રવ્યપર્યાયાત્મક છે. અર્થાત્ જગતના સર્વે પદાર્થો દ્રવ્ય અને પર્યાયથી યુક્ત છે.
(ગુણ અને પર્યાયના આધારને જ દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યના સહભાવી ધર્મોને ગુણ કહેવાય છે અને ક્રમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે. અહીં દ્રવ્ય અને પર્યાયના ઉલ્લેખથી ઉપલક્ષણથી ગુણને પણ ગ્રહણ કરવાનો છે. જેમ કે, આત્મા નામનું દ્રવ્ય છે. તેના જ્ઞાનાદિ ધર્મો