________________
૧૯૯
તત્વાર્થાધિગમસૂત્ર તે ગુપ્તિ છે. ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતા ગણાય છે.
ભાવાર્થ : કર્મ આવવાના દ્વારરૂપ આશ્રવ રોકવા તે સંવર છે. આશ્રવના ૪૨ ભેદ અધ્યાય છઠ્ઠામાં બતાવ્યા છે. તેનો જેટલા જેટલા અંશમાં અવરોધ તેટલા તેટલા અંશમાં સંવર થાય છે. આધ્યાત્મિક વિકાસનો ક્રમ સંવરનિરોધ પર રચાયેલ છે; તેથી જેમ જેમ આશ્રવનિરોધ વિકસતો જાય છે, તેમ તેમ ગુણસ્થાનક ચઢતું જાય છે. જે જે ગુણસ્થાનકમાં મિથ્યાત્વ, અવિરતિ આદિ ચાર યા પાંચ હેતુઓમાંના જે જે કારણથી કર્મ પ્રકૃતિના બંધનો સંભવ હોય છે, તે તે હેતુઓના કારણે થતા બંધનો વિચ્છેદ તે તે ગુણસ્થાનના ઉપરના ગુણસ્થાનનો સંવર કહેવાય છે. બીજી રીતે કહીએ પૂર્વ પૂર્વ ગુણસ્થાનના આશ્રવના કારણે થતો કર્મબંધનો અભાવ તેજ ઉત્તર ઉત્તર ગુણસ્થાનનો સંવર છે. નિશ્ચય દૃષ્ટિએ સંવરનું સ્વરૂપ આશ્રવ નિરોધરૂપ એક જ હોવા છતાં ઉપાયભેદથી તેના સંક્ષેપમાં સાત અને વિસ્તારથી સત્તાવન સાધન ગણવામાં આવે છે. આ સર્વ સાધન ધાર્મિક અનુષ્ઠાનરૂપે છે. સંવરની માફક નિર્જરાના ઉપાય પણ છે. તપ એ એક જ નિર્જરાનું સાધન છે. તપ લૌકિક તેમજ આધ્યાત્મિક એ બંને સુખનું સાધન છે. તપની પાછળની ભાવનાના કારણે તેના બે ભેદ છે. (૧) સકામ અને (૨) અકમ. ફળની ઈચ્છાથી કરાતું તપ સકામતપ છે; અને ફળની આસક્તિ વિના કરાતું તપ તે અનામતપ છે. સકામતપ લૌકિક સુખનું અને અકામતપ મોક્ષનું સાધન છે.