________________
૧૮૨
તત્વાર્થાધિગમસૂત્ર કરે છે. આમ થવાનું કારણ આત્મામાં ઉત્પન્ન થતો કાષાયિક ભાવ-પરિણામ છે. કષાય ઉપરાંત બીજા બંધ હેતુઓ છે; પરંતુ કષાયની ગણના તેની વિશેષતાના કારણે છે. કર્મ પુદ્ગલનો જીવ સાથે એકરસ સંબંધ તે બંધ છે.
આત્મા પુદ્ગલવર્ગણાને કર્મરૂપે પરિણમાવે છે તે જ સમયે તેમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર અંશનું નિર્માણ થાય છે. તે ચાર બંધના પ્રકાર છે. કર્મના જુદા જુદા સ્વભાવનું નિર્માણ તે પ્રકૃતિબંધ છે. અમુક સમય દરમિયાન ફળ આપી છૂટા પડવાની મર્યાદારૂપ અંશનું નિર્માણ તે સ્થિતિબંધ છે. તીવ્ર મંદ ફળાનુભાવ વિપાક અંશનું નિર્માણ તે અનુભાગ-રસબંધ છે. કર્મવર્ગણાને ભિન્ન ભિન્ન પ્રકૃતિમાં પરિણમાવતી કર્મપુદ્ગલ રાશિ તે પ્રદેશબંધ છે. યોગની તરતમતા પર પ્રકૃતિ અને પ્રદેશબંધનો આધાર છે. જ્યારે કષાયની તીવ્ર મંદતાપર સ્થિતિ અને રસબંધનો આધાર છે. જીવ જે કર્મ પુદ્ગલ સમૂહ ગ્રહણ કરે છે અને કર્મરૂપે પરિણાવી આત્મામાં એકમેકરૂપ કરે છે તેમાં અધ્યવસાય-વિશેષશક્તિ અનુસાર સ્વભાવનું નિર્માણ થાય છે. આવા સ્વભાવ ભેદ અસંખ્ય પ્રકારે છે. પરંતુ સમજવા ખાતર તેના આઠ ભેદ પાડવામાં આવ્યા છે જે પ્રકૃતિબંધની આઠ મૂળ પ્રકૃતિ તરીકે ઓળખાય છે. જે કર્મવિશેષ દ્વારા વિશેષ જ્ઞાન રોકાય તે જ્ઞાનાવરણ છે. જેનાથી સામાન્ય જ્ઞાન રોકાય તે દર્શનાવરણ છે. જેનાથી સુખદુઃખ આદિનો અનુભવ થાય તે વેદનીય છે. જેનાથી આત્મા મોહથી ઘેરાય તે મોહનીય છે. જેના કારણે જીવ ભવ ધારણ કરે તે આયુષ્ય છે. જે કારણે ગતિ, જાતિ આદિની પ્રાપ્તિ થાય તે નામકર્મ છે. જે કારણે ઉંચનીચ આદિ ગોત્ર મળે છે તે ગોત્ર છે. જે કારણે આપવા લેવા આદિમાં વિઘ્ન