________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૨૩ અંશ ત્રિકાલ શાશ્વત છે અને બીજો અંશ અશાશ્વત છે. શાશ્વત અંશના કારણે દરેક વસ્તુ ધ્રૌવ્યાત્મક-નિત્ય અને અશાશ્વત અંશના કારણે ઉત્પાદ-વ્યયશીલ-અનિત્ય ગણાય છે. આ બંને દૃષ્ટિ વિચારવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે. સત્ ચેતન હો કે જડ, મૂર્ત હો કે અમૂર્ત, સ્થૂલ હો કે સૂક્ષ્મ, તે સર્વ ઉત્પાદનશીલ, વ્યયશીલ, અને ધ્રૌવ્ય એ ત્રિપદીત્રિગુણરૂપ છે. જૈન દર્શન કોઈપણ વસ્તુને કેવળ પરિણામી ન માનતાં પરિણામીનિત્ય માને છે. આમ માનવાથી પદાર્થ તત્ત્વરૂપે પોતાની મૂળજાતિ તજતો નથી, છતાં નિમિત્ત અનુસાર ઉત્પાદઉત્પત્તિ, અને વ્યય-વિનાશરૂપ પરિવર્તન પામે છે. પરિણામીનિત્યવાદના સ્વીકારનું કારણ અનુભવ છે. સૂક્ષ્મદ્રષ્ટિથી જોતાં કોઈ દ્રવ્ય એવું દેખાતું નથી કે જે માત્ર અપરિણામી કે માત્ર પરિણામી હોય; વસ્તુ માત્ર ક્ષણિક હોય તો તેનો સ્થાયી આધાર ન હોવાથી ક્ષણિક પરિણામ પરંપરામાં સજાતીયતાનો અનુભવ ન થાય-અર્થાત્ પહેલા અનુભવેલ પદાર્થનો ફરી અનુભવ કરતાં “આ તેજ” છે એવું જ ભાન થાય છે તે ન થાય. આવા ભાન માટે વિષયભૂત વસ્તુનું અને આત્માનું એ બેનું સ્થિરત્વ-શાશ્વતત્વ આવશ્યક છે. જડ અને ચેતન માત્ર અવિકારી યા અપરિણામી હોય તો એ બને તત્ત્વોના મિશ્રણરૂપ જગતમાં ક્ષણે ક્ષણે જણાતી વિવિધતા પણ ઉત્પન્ન ન થાય.
ઉત્પત્તિ, વિનાશ અને હયાતી એ ત્રણે હોવાં તેજ વસ્તુનું સ્વરૂપ છે અને તેજ સત્ છે. સત્ સ્વરૂપ નિત્ય છે, અર્થાત્ ત્રિકાલ અવસ્થિત છે. એમ પણ નથી કે વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ અને હયાતી કવચિત્ હોય અને કવચિત્ ન પણ હોય. પદાર્થમાં પ્રત્યેક સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એ ત્રણે અંશે નિરંતર હોય છે