________________
આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુની શુભ નિશ્રામાં ધર્મની આરાધના કરનારા ભવ્યજીવોને શ્રી અરિહંત પરમાત્માનું શાસન પરમ તારક તથા ઉદ્ધારક છે.
અનાદિ અનંત સંસારમાં કર્મને વશ સંસારી જીવો ભૂતકાળમાં અનંતી વેળા ચારે પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ કરતો જ રહ્યો છે. દુઃખના નાશની ને સુખ પ્રાપ્તિની તેની ઝંખના, આશા, કલ્પના ને મનોરથો નિરંતર ભાંગીને ભૂક્કો થઈ રહ્યા છે. કયાંયે તેને શાશ્વત, સ્વાધીનતા તથા અખંડ સુખની પ્રાપ્તિ થઈ નહિ. દુઃખની પરંપરાનો નાશ તેના જીવનમાં કયાંયે થયો નહિ. સામાન્ય દુઃખનો નાશ કે સુખ સામાન્યની પ્રાપ્તિ તો આત્માને ડગલે ને પગલે પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે ને તેવો સામાન્ય પુણ્યોદયને તેણે ભૂતકાળમાં ઘણીયે વેળાએ પ્રાપ્ત કરેલ છે પણ દુઃખની પરંપરાનો નાશ તેને કદિયે અનુભવ્યો નથી ને શાશ્વત સુખની તેને પ્રાપ્તિ થઈ નથી.
શ્રી અરિહંત પરમાત્માનો ઉપકાર એ જ છે કે તેઓની શ્રી તીર્થકર નામકર્મના ઉદયથી ધર્મતીર્થની સ્થાપના કરવા દ્વારા સંસારના દુઃખ સંતપ્ત સુખાભિલાષી જીવોને શાશ્વત, સ્વાધીન તથા અખંડ સુખ પ્રાપ્તિના અમોઘ સાધનરૂપ ધર્મનું વિશ્વકલ્યાણની કામનાથી પ્રદાન કરે છે. શ્રી અરિહંતદેવનો આ જ લોકોત્તર ઉપકાર છે કે તેઓ જગતના જીવોની અનાદિ કાલની સુખ ભૂખને સંતોષે છે; દુઃખની અનંત યાતનામાંથી મુકત કરે છે ને શાશ્વત સ્વાધીન તથા અખંડ સુખને પરંપરાએ તેઓ આપે છે. જો કે તેમની કરૂણાનો અધિકાર તો ભવ્યજીવોને જ પ્રાપ્ત થાય છે, પણ તેમાં જીવોની પાત્રતા, યોગ્યતા તથા તેવા પ્રકારની તથા ભવ્યતા મુખ્ય કારણ છે.
આવા પરમ કરૂણાસાગર વિશ્વવત્સલ દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતનો અનંત ઉપકાર કેમેય ભૂલી શકાય તેમ નથી. સંસારમાં જે કાંઈ ઈષ્ટ, અનુકૂલ અને સુંદર પ્રાપ્ત થઈ રહ્યાં છે, એકેન્દ્રિયમાંથી અરે અનાદિ નિગોદમાંથી વધતા વધતા જડ જેવા જીવનમાંથી પ્રગતિ કરતાં કરતાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તે રીતે દેવ, મનુષ્ય આદિ જે જે સ્થાનોની તેણે પ્રાપ્તિ કરી તે બધાયમાં પરંપરાએ શ્રી અરિહંત પરમાત્માનો પરમ ઉપકાર રહેલો છે. માટે જે કૃતજ્ઞભાવે તે દેવાધિદેવના ઉપકારની પરંપરાને યાદ કરી, તેઓશ્રીની આજ્ઞાનું પાલન કરવા ભવ્યજીવો ઉજમાળ બને છે.
તેઓશ્રીની આજ્ઞા પ્રત્યે આદર બહુમાન તથા પ્રતિભાવ જે જીવોનાં કૃતજ્ઞભાવપૂર્ણ હદયમાં જાગૃત છે, તે ભવ્ય આત્માઓ તે દેવાધિદેવ પ્રત્યેની ભકિતથી તેઓશ્રીના પ્રતિનિધિત્વરૂપ તેઓશ્રીની પ્રશમરસ ઝરતી વૈરાગ્ય-શાંતમુદ્રા પૂર્ણ પ્રતિમાજીની અર્ચના- પૂજા તેમજ સ્તવના કરી પોતાની જાતને કૃતકૃત્ય ને ધન્ય બનાવે છે. દેવાધિદેવ અરિહંત પરમાત્માની પૂજા અર્ચના તે પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતાની સૂચક છે. ભકત ભવ્યજીવોને સમ્યગુદર્શનની નિર્મલતા માટે પરમ આલંબન છે, સમ્યજ્ઞાન તથા સમ્યફ ચારિત્રધર્મની પ્રાપ્તિમાં સહાયક છે. ચિત્તશુદ્ધિ, પ્રસન્નતા ને સમાધિભાવની પ્રાપ્તિ માટે શ્રી અરિહંત પરમાત્માની પૂજા-ભકિત, સેવા-ઉપાસના ખૂબ જ ઉપકારક છે. દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય ને સમાધિમરણ તથા બોધિલાભને સાક્ષાત્ તથા પરંપરાએ તે આપે છે.