________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૩૫
(૨)અપાયવિચય– અપાયો, વિપત્તિઓ, શારીરિક-માનસિક દુઃખો એ પર્યાયવાચી શબ્દો છે. તેમનું પર્યાલોચન કરવું તે અપાયવિચય. રાગ-દ્વેષથી વ્યગ્નચિત્તવૃત્તિવાળા જીવો મૂલપ્રકૃતિ-ઉત્તરપ્રકૃતિઓના વિભાગથી અર્પણ કરાયેલા જે જન્મ-જરા-મરણો, એ જન્મ-જરા-મરણો રૂપ જે સમુદ્ર એ સમુદ્રમાં પરિભ્રમણથી જેમનો અંતરાત્મા ખિન્ન કરાયો છે તેવા જીવો નરકાદિ ગતિઓમાં ઘણા કાળ સુધી અપાયોથી યુક્ત થાય છે. કેટલાક જીવો આ ભવમાં પણ પરસ્પર વૈરનો અનુબંધ કરીને આક્રોશ, વધ અને બંધ વગેરે અપાયોને પામનારા દેખાય છે. આ રીતે આ ભવમાં પણ ક્લેશને પામે છે. આ પ્રમાણે હોવાથી અનર્થવાળા આ સંસારમાં(=સંસાર પ્રત્યે) અત્યંત ઉદ્વેગ થાય એ માટે એકાગ્રચિત્તે વિચાર કરવાથી અપાયવિચયરૂપ ધર્મધ્યાન પ્રગટે છે.
સૂત્ર-૩૭
(૩)વિપાકવિચય– ત્રીજું ધર્મધ્યાન વિપાકવિચય નામનું છે. વિવિધ પ્રકારનો અથવા વિશિષ્ટ પાક તે વિપાક. વિપાક એટલે નરક, તિર્યંચમનુષ્ય-દેવભવોમાં કર્મોના રસનો અનુભવ. તેનું ચિંતન તે વિપાકવિચય. વિપાકમાં જ ચિત્તને એકાગ્ર કરીને વર્તતો(=વિપાકમાં જ ચિત્તને એકાગ્ર કરનારો) જીવ વિપાકવિચયધ્યાનવાળો બને છે.
કર્મ જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારનું છે, (પ્રત્યેક કર્મ) પ્રકૃતિ-સ્થિતિરસ-પ્રદેશ એમ ચાર ભેદવાળું છે. ઇષ્ટ-અનિષ્ટ વિપાકરૂપ પરિણામવાળું છે. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થિતિવાળું છે. વિવિધ વિપાકવાળું છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણથી(=જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી) બુદ્ધિ મંદ થાય. દર્શનાવરણથી ચક્ષુ આદિની ખામી થાય અને નિદ્રા વગેરે આવે. અસાતાવેદનીયથી દુઃખનો અને સાતાવેદનીયથી સુખનો અનુભવ થાય. મોહનીયથી પદાર્થ વિપરીત રીતે ગ્રહણ થાય છે અને ચારિત્રમાં પ્રવૃત્તિ થતી નથી. આયુષ્યથી અનેક ભવોનો પ્રાદુર્ભાવ થાય છે. નામકર્મથી અશુભ-શુભ શરીર વગેરેનું નિર્માણ થાય. ગોત્રથી ઉચ્ચ-નીચ કુળની ઉત્પત્તિ થાય. અંતરાયથી લાભ ન થાય. આ પ્રમાણે એકાગ્રચિત્તવાળાને વિપાકને અનુસરવામાં જ એકાગ્રચિત્તથી ધર્મધ્યાન થાય.