________________
૨૭૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ નય વિશેષને ગ્રહણ કરે તે વ્યવહારનય. (જેમ કે લોકમાં ઔષધિ મંગાવવી હોય તો ઔષધિ લઈ આવ એમ નથી બોલાતું કિંતુ જે ઔષધિ જોઈતી હોય તેનું નામ લઈને કહેવાય છે, જેમ કે હરડે લઈ આવ, અથવા આમળા લઈ આવ. એમ વિશેષથી કહેવાય છે.)
(i) ઉપચારપ્રાય- આ નય પ્રાયઃ ઉપચારમાં પ્રવર્તે છે. (જેમ કે ઘડામાં રહેલું પાણી ઝરતું હોવા છતાં ઘડો ઝરે છે એમ ઉપચાર થાય છે.)
(ii) વિસ્તૃતાર્થ વ્યવહારનય ઉપચારની બહુલતાવાળો હોવાથી જ વિસ્તીર્ણ અધ્યવસાયવાળો છે, અર્થાત્ એના શેય વિષય અનેક હોવાના કારણે વ્યવહારનય વિશેષ અર્થવાળો છે.
ઋજુસૂત્રનય- કેવળ વર્તમાનમાં વિદ્યમાન પદાર્થને ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય.
શબ્દ– પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવું જ ઉચ્ચારણ કરવું, અર્થાત્ કર્તા, કર્મ આદિ કારકોનું નિરૂપણ અર્થને અનુરૂપ કરવું તે શબ્દનાય છે.
સાંપ્રત– પૂર્વે નામ આદિમાં પ્રસિદ્ધ બનેલા શબ્દથી અર્થનો બોધ કરવો તે સાંપ્રતનય.
સમભિરૂઢ- સત્ય અર્થોમાં અસંક્રમ તે સમભિરૂઢ નય છે, અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં એક શબ્દની વ્યુત્પત્તિથી થતા અર્થમાં બીજા શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થનો સંક્રમ ન કરવો. એટલે કે પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદથી અર્થનો ભેદ માનવો એ સમભિરૂઢ નય છે.
એવંભૂતનય વ્યંજન=પદાર્થ વાચક શબ્દ અને અર્થ અભિધેય રૂપ પદાર્થ એ બેના યથાર્થ સંબંધને સ્વીકારે તે એવભૂતનય. અર્થાત વસ્તુમાં જયારે શબ્દનો વ્યુત્પત્તિ અર્થ સિદ્ધ થતો હોય ત્યારે તે શબ્દથી તે વસ્તુને સંબોધતો એવંભૂતનય છે. (જેમ કે આ નય ગાયક તેને જ કહે કે જે વર્તમાનમાં ગીત ગાતો હોય.)
પ્રશ્ન- આપે નૈગમ વગેરે નયો કહ્યા. તેથી તેમાં નયો એ શું પદાર્થ છે? અર્થાતુ નય એવા શબ્દનો શો અર્થ છે?