________________
પ્રાસ્તાવિક ન્યાયાવતાર સૂત્રના અભ્યાસકને ઉપયોગી થાય એવી બે બાબતો અહિં આરંભમાં ચર્ચવી આવશ્યક લાગે છે. એમાંની પહેલી બાબત ન્યાયાવતારનો ટૂંકો પરિચય આપવો તે; અને બીજી, એ ગ્રંથમાં જે પ્રમાણે - મીમાંસાનું વિવેચન કરવામાં આવ્યું છે એની પદ્ધતિનો જૈનસાહિત્યમાં કેવા ક્રમે વિકાસ થયો તેની સ્કૂલ રૂપરેખા આલેખવી તે.
ન્યાયાવતાર એ પ્રસિદ્ધ જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની કૃતિ છે. તેમની બીજી કૃતિઓમાં અત્યારે ૨૧ સંસ્કૃત બત્રીસીઓ, અને પ્રાકૃત સંમતિતર્ક ઉપલબ્ધ છે. દિવાકરથીના સમયવિષે ઐતિહાસિકોમાં મતભેદ છે. પ્રાચીન જૈન પરંપરા તેઓને વિક્રમની પહેલી સદીમાં થયાનું સૂચવે છે. આધુનિક સંશોધકો વિચારકો તેઓને લગભગ પાંચમા સૈકામાં મૂકે છે. વળી પ્રો. યાકોબીની કલ્પના એવી છે કે તેઓ બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિ પછી થયેલા હોવા જોઈએ. તે પ્રમાણે દિવાકરનો સમય સાતમા સૈકા બાદ આવે છે. એ કલ્પનાના સમર્થનમાં પ્રો.યાકોબી ન્યાયાવતારને ધમકીર્તિકૃત ન્યાયબિંદુના અનુકરણ તરીકે જણાવે છે. વધારામાં તેઓ વળી પોતાની સમરાઈશ્ચકહાની પ્રસ્તાવનામાં કહે છે કે, “જો કે સિદ્ધસેને ન્યાયાવતારની રચના ન્યાયબિંદુનું સર્વોત્કૃષ્ટ સ્થાન લેવા કરી હતી પણ ખરી રીતે ન્યાયાવતાર ન્યાયબિન્દુથી ઉતરતા દરજજાનો જ ગ્રંથ છે.” પ્રો. યાકોબીએ એ કથનના સમર્થનમાં કાંઈ દલીલો નથી આપી એટલે જ્યાં સુધી તેઓની દલીલો જાણવામાં ન આવે ત્યાં સુધી માત્ર સ્વતંત્રપણે સામાન્યરીતે એ બાબતમાં કાંઈ કહેવાનું પ્રાપ્ત થાય છે.
ન્યાયાવતાર એ દિનાગના ન્યાયપ્રવેશ અને ધર્મકીર્તિના ન્યાયબિંદુ સાથે જુદી જુદી રીતે સમાનતા ધરાવે છે. આ ત્રણે ગ્રંથોની અત્યારસુધીની મારી વારંવારની સરખામણી ઉપરથી હું હજી કશા જ નિર્ણય ઉપર આવી શકતો નથી કે ન્યાયાવતાર અને ન્યાયપ્રવેશ એ બેમાં તેમ જ ન્યાયાવતાર અને ન્યાયબિંદુ એ બેમાં કયો ગ્રંથ પહેલાનો અને કયો પછીનો છે. ઉલટું ઘણીવાર સરખામણી કરતાં એવી કલ્પના કરવાને કારણ મળે છે કે, ન્યાયાવતાર એ જ બીજા બે ગ્રંથો પહેલાં રચાયો હશે. પરંતુ એ તો કલ્પના છે. એના સાધક અને બાધક પ્રમાણો ઉપર ઘણું જ વિચારવાનું અને નવીન