________________
प्राशनीय
ન્યાયાવતાર સૂત્ર નામનો લઘુગ્રંથ પ્રકાશિત કરતાં,અમે આનંદ અનુભવીએ છીએ. ન્યાયાવતાર સૂત્રમાં ૩ર કારિકા જ છે, આ ગ્રંથ આકારમાં નાનો હોવા છતાં તત્ત્વવિચારમાં સાગર જેવો ગ્રંથ છે. આ નાનકડા ગ્રંથ ઉપર પં. સુખલાલ સંઘવીએ વર્ષો પૂર્વે વિવેચન લખ્યું હતું અને તે જૈન સાહિત્ય સંશોધકના ખંડ-૩ના અંક-૧માં સંવત્ ૧૯૮૩ (ઈ.સ. ૧૯૦૮)માં છપાયેલું હતું. ત્યારબાદ આ ગ્રંથ અનુપલબ્ધ હતો. જિજ્ઞાસુઓને ઉપયોગી થાય તે માટે પ્રસ્તુત ગ્રંથનું પુન: પ્રકાશન કરવામાં આવ્યું છે.
આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ પં. સતીશચંદ્ર વિદ્યાભૂષણે (ઈસ ૧૯૦૮)માં કરેલો ત્યારબાદ ઈ.સ. ૧૯૭૧માં સાતકડી મુખર્જીએ પણ અંગ્રેજી અનુવાદ કર્યો હતો. આ બન્ને અનુવાદો પ્રકાશિત થયા છે. આ જ ગ્રંથ ઉપર શાંતિસૂરિ વિરચિત ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પં. દલસુખભાઈ માલવણિયાએ સંપાદિંત કરી છે અને તે સીંઘી જૈન ગ્રંથમાળા દ્વારા (ઈ.સ. ૧૯૪૯)માં છપાઇ છે. પરંતુ ગુજરાતી ભાષામાં આ મહત્ત્વપૂર્ણ ગ્રંથનો અનુવાદ વગેરે અનુપલબ્ધ હતા તેની ખોટ પ્રસ્તુત પ્રકાશન દ્વારા પૂરી થાય છે.
ન્યાયાવતારના તૃત્વ વિશે છેલ્લા કેટલાંક વર્ષોમાં નવું સંશોધન થયું છે. આ અંગે પ્રો. મધુસૂદન ઢાંકીએ અનેક પુરાવા આપી ખૂબ જ ઉહાપોહ કર્યો છે. તેમનો મત પં. સુખલાલજીની માન્યતાથી તદ્દન ભિન્ન છે, પરંતુ અહીં તો જૈનદર્શનના મૂધન્ય વિદ્વાન્ની ગવેષણાબુદ્ધિ અને દાશર્નિક શોધની શૈલીનો પરિચય કરાવવાનો હોવાથી પં. સુખલાલજીના લખાણમાં કોઈ જ પરિવર્તન કરવામાં આવ્યું નથી.
આ ગ્રંથ જૈનદર્શનનો અભ્યાસ કરનાર માટે ખૂબ જ ઉપયોગી છે. આ વિવેચન પ્રમાણે જો અધ્યયન કરવામાં આવશે તો અમને આશા છે કે જૈનદર્શનમાં પ્રવેશ કરવો સરળ થશે.
પદ્મવિભૂષણ પં. શ્રી દલસુખભાઈ માલવણિયાએ આ ગ્રંથ માટે આર્શીવચન લખી આપ્યા છે તે બદલ અમે તેઓશ્રીના ઋણી છીએ.
અમદાવાદ. ૧૯૯૫
જિતેન્દ્ર બી. શાહ