________________
અરિહંત ચેઈચાણ સૂત્રા જાણવા યત્ન કરાવે છે અને શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનનું અવલંબન લઈને વિતરાગતુલ્ય થવા યત્ન કરાવે છે અને આવું બોધિ ભાવસાધુ અને ભાવશ્રાવકને છે જ, આથી વિવેકી શ્રાવક સદા શક્તિ અનુસાર નવું નવું શ્રુત ભણે છે, સાધુ સમાચારીના સૂક્ષ્મ રહસ્યને જાણવા સદા યત્ન કરે છે અને પોતાનામાં વીતરાગતાની પ્રાપ્તિમાં પ્રબળ કારણભૂત ભાવસાધુપણાને અનુરૂપ શક્તિ પ્રગટે તેવો સદા યત્ન કરે છે. અને સુસાધુ પણ સદા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને અસંગ ભાવમાં જવા સદા યત્ન કરે છે. તેથી સાધુ અને શ્રાવકને બોધિલાભ છે જ, છતાં બોધિલાભ માટે તેની પ્રાર્થના કેમ કરે છે ? અર્થાત્ તે પ્રકારે પ્રાર્થના કરવી ઉચિત નથી; કેમ કે જે વસ્તુ સિદ્ધ હોય તે પ્રાર્થના દ્વારા સાધ્ય બને નહિ, આ પ્રકારે કોઈક શંકા કરે છે, વળી, બોધિલાભના ફળરૂપ મોક્ષ પણ તે પ્રકારે અભિલાષ કરવા યોગ્ય નથી; કેમ કે બોધિલાભ અવશ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષમાં પર્યવસાન થનાર છે, તેથી પ્રાપ્ત થયેલા બોધિના બળથી મોક્ષને અનુકૂળ ઉદ્યમ સતત થાય જ છે, માટે વિવેકી સાધુ અને શ્રાવકે નિરુપસર્ગ એવા મોક્ષની અભિલાષા કરવી પણ આવશ્યક નથી, આમ છતાં પ્રસ્તુત સૂત્રમાં બોધિલાભ માટે અને નિરુપસર્ગ માટે હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારે ઉપન્યાસ કેમ કર્યો છે ? તેનો ઉત્તર આપતાં કહે છે –
ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી બોધિલાભના પ્રતિપાતનો સંભવ છે. જેમ કોઈ ગાથા ગોખીને યાદ કરેલા હોય છતાં વારંવાર તેને સ્થિર કરવામાં ન આવે તો તેનું વિસ્મરણ થાય છે, તેમ તથા પ્રકારના જ્ઞાનાવરણીયકર્મ, દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી સાધુને કે શ્રાવકને બોધિલાભની પ્રાપ્તિ થઈ છે અને તેને અતિશય કરવા માટે સતત દૃઢ યત્ન કરવામાં ન આવે તો પ્રતિપાતનો સંભવ છે, આથી જ ભગવાનના વંદન-પૂજન આદિના ફળની ઇચ્છા કરીને સાધુ અને શ્રાવક વિતરાગ પ્રત્યે બહુમાનભાવની વૃદ્ધિ કરે છે, જેથી ચિત્ત વીતરાગતાને અભિમુખ સતત પ્રસર્પણવાળું રહે, જેના કારણે બોધિના પ્રતિબંધક ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી વીતરાગતાને વિમુખ પરિણામ થવાનો સંભવ રહે નહિ, પરંતુ વીતરાગતાને અભિમુખ જવામાં બાધક સોપક્રમ કર્મ તે પ્રકારના પ્રયત્નથી અધિક અધિક ક્ષયોપશમભાવને પામે, જેનાથી વજની ભીંત જેવા દુર્ભેદ્ય ક્ષયોપશમભાવની પ્રાપ્તિ થાય, જેથી બોધિના પાતનો સંભવ રહે નહિ. વળી, આ ભવના કરાયેલા સમ્યગુ યત્નથી બોધિનો પાત ન થાય, તોપણ જન્માંતરમાં બોધિની પ્રાપ્તિ ન પણ થાય તેવી સંભાવનાના નિવારણ માટે બોધિલાભની અભિલાષા કરીને સાધુ અને શ્રાવક બોધિ પ્રત્યેનો પક્ષપાત સ્થિર-સ્થિરતર કરે છે, તેથી સ્થિર થયેલા બોધિના પક્ષપાતના સંસ્કારો જન્માંતરમાં પણ બોધિલાભની પ્રાપ્તિનું કારણ બને. આથી જે મહાત્માઓએ વજની ભીંત જેવા દુર્ભેદ્ય બોધિની પ્રાપ્તિને અનુકૂળ ક્ષયોપશમભાવ સ્થિર કર્યો છે તેઓ જન્માંતરમાં પણ બોધિને સાથે લઈને જન્મે છે, આથી જ તીર્થકરના જીવો ગર્ભાવસ્થામાં પણ નિર્મળબોધિને સાથે લઈને જ આવે છે, તેથી બોધિના પરિણામને સ્થિર કરવા માટે સાધુ અને શ્રાવક બોધિલાભની ઇચ્છા કરે અને વારંવાર તેના બળથી નિર્મળ-નિર્મળતર બોધિને પ્રાપ્ત કરે તેના માટે બોધિલાભ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું, એ પ્રકારનો અભિલાષ કરવો ઉચિત જ છે.
વળી, મોક્ષ પણ બોધિલાભને આધીન જ છે, તેથી મોક્ષની પ્રાપ્તિ સુધી પોતાને સતત નિર્મળ-નિર્મળતર બોધિ પ્રાપ્ત થાવ એ પ્રકારના પ્રયોજનથી મોક્ષ માટે મને બોધિલાભ જોઈએ છે, એ પ્રકારનો અભિલાષા