________________
૪૮૬
-- ટૂંકસાર –
: શાખા - ૧૬ : અહીં ગ્રંથરચનાનું પ્રયોજન જણાવેલ છે.
આ ગ્રંથ આત્માર્થી જીવોના કલ્યાણ માટે પ્રાકૃત ભાષામાં = લોકભાષામાં રચાયો છે. અહીં પ્રાકૃતની વ્યુત્પત્તિ જણાવાયેલ છે. આ ગ્રંથ સમકિતીને અત્યંત આનંદ આપનાર છે. (૧૬/૧)
આ ગ્રંથ ભણવાની યોગ્યતા ગંભીરપ્રકૃતિવાળા જીવોની છે. તુચ્છ જીવો આ ગ્રંથ ભણવાને લાયક નથી. “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથના સંવાદ સાથે આ વાત જણાવેલી હોવાથી તેનું વજન ઘણું વધી જાય છે. માટે આપણે આપણી પ્રકૃતિ છીછરી હોય તો ગંભીર બનાવવી. શુદ્રતા વગેરે ભવાભિનંદી જીવના લક્ષણો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું. (૧૬/૨)
જિનેશ્વરની આ વાણી તત્ત્વની ખાણ છે. શુભમતિને જન્માવે છે. દુર્મતિને કાપે છે. માટે તે સર્વ પ્રકારે આદરવી. પ્રસ્તુત વ્યાખ્યાને “બ્રહ્માણી” કહીને નવાજવામાં આવેલી છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. “બ્રહ્માણીનું રહસ્યોદ્ઘાટન મનનીય છે. (૧૬/૩)
અત્યંત રસાળ એવી આ દ્રવ્યાનુયોગની વાણીને જણાવનારા તીર્થકરોને દેવો પણ વંદન કરે છે. આમ દ્રવ્યાનુયોગ અત્યંત આદરણીય છે. (૧૬/૪)
કેવળીને પ્રત્યક્ષ એવો દ્રવ્યાનુયોગ અહીં વર્ણવાયો છે. આમ દ્રવ્યાનુયોગની વાત કરવા દ્વારા કેવળીની અને તેમની દેશનાની પણ સ્તુતિ કરવામાં આવેલી છે. અહીં દ્રવ્યાનુયોગવિચારણા દ્વારા સમાપત્તિપ્રાપ્તિની જે વાત કરી છે, તે હૃદયંગમ છે. હેતુ-સ્વરૂપ-ફલમુખે સમાપત્તિને વર્ણવેલ છે. સમાપત્તિના પ્રસંગને પામીને વિવિધ દર્શનોમાં પ્રસિદ્ધ ચાર પ્રકારના ધ્યાનમાર્ગ દર્શાવેલ છે. સમાપત્તિને લાવનારી ભાવનાને જણાવી છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતની પોતાનામાં ભાવના કરવાથી વચનાનુષ્ઠાન, તેનાથી ધ્યાન, તેના દ્વારા સમાપત્તિ, તેના વડે પકક્ષેણિ, તેનાથી ઘાતિકર્મક્ષય, તેનાથી કેવલજ્ઞાન મળે છે. આમ દ્રવ્યાનુયોગ કેવલજ્ઞાનનું મૂળ છે. (૧૬/૫)
આમ દ્રવ્યાનુયોગની પ્રાપ્તિથી જીવ પાપની શ્રેણિને તોડે છે. અંતરંગ પુરુષાર્થથી ગુણશ્રેણિ ઉપર ચડે છે. અંતે ક્ષાયિક ગુણોને પ્રાપ્ત કરે છે. (૧૬/૬)
અહીં દુર્જનલક્ષણ શ્લેષ અલંકારથી જણાવેલ છે, તે ખૂબ જ રોચક બનેલ છે. તથા અંતમાં આધ્યાત્મિક ઉપનયમાં ગ્રંથના નિષ્કર્ષરૂપે નિગોદથી નિર્વાણ સુધીની જીવની આધ્યાત્મિક વિકાસયાત્રાનું વર્ણન કરેલ છે. અનંતકાળથી જીવની રખડપટ્ટીના કારણો, વિવિધ યોગદષ્ટિ તથા ગુણસ્થાનકોમાં જીવનું આંતરિક માળખું, માર્ગાભિમુખ-માર્ગપતિત-માર્ગાનુસારી દશાનું વિશિષ્ટ સ્વરૂપ, ૫ પ્રકારની લબ્ધિ, ભેદજ્ઞાન, ગ્રંથિભેદ દ્વારા નિર્વિકલ્પ સ્વાનુભૂતિ સ્વરૂપ સમ્યગ્દર્શનની મહત્તા, તેની પ્રાપ્તિમાં આવતા વિદ્ગો, સમ્યગ્દર્શનની દુર્લભતા, તેમજ તેની ઉપલબ્ધિ માટેના વિવિધ ઉપાયોનું રોચક વર્ણન, સ્વરૂપલીનતા દ્વારા મુનિદશાનું પ્રાકટ્ય તથા સ્વ-પરગીતાર્થ બની અનેક ભવ્યાત્માઓમાં શાસનનો વિનિયોગ યાવત સિદ્ધદશા સુધીનો આંતરિક મોક્ષમાર્ગ ચિત્રિત કરેલ છે. (૧૬/૭)