________________
૩૦૪
- ટૂંકસાર –
ઃ શાખા - ૧૧ : અહીં ગુણ તથા સામાન્ય સ્વભાવ દેખાડાય છે. સર્વ દ્રવ્યમાં અસ્તિતા વગેરે દસ સામાન્ય ગુણો છે. જ્ઞાન, સુખ, ચેતનતા વગેરે સોળ વિશેષ ગુણોમાંથી પુદ્ગલમાં અને આત્મામાં છ-છ વિશેષ ગુણો છે. ધર્માસ્તિકાય વગેરે ચારમાં ત્રણ-ત્રણ વિશેષ ગુણો છે. આત્માના પ્રગટ ગુણોને સાચવીને અપ્રગટ ગુણોને પ્રગટાવવાના છે. (૧૧/૧-૨-૩)
ચેતનતા વગેરે ગુણો સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે. સંસારી અને સિદ્ધ બન્નેમાં સામાન્યરૂપે જીવત્વ છે. વિશેષરૂપે સિદ્ધત્વ શુદ્ધસ્વરૂપમાં છે. તેથી અનંતગુણાત્મક સિદ્ધત્વને પ્રગટાવવા પ્રયત્ન કરવો.(૧૧/૪)
સ્વભાવ ગુણનું સ્વરૂપ છે. તથા તે ગુણથી ભિન્ન ધર્મસ્વરૂપ પણ છે. તે સ્વભાવના સામાન્ય અને વિશેષ એમ બે પ્રકાર પડે છે. સામાન્ય સ્વભાવ અગિયાર છે. વિશેષ સ્વભાવ દસ જાણવા. પહેલો સામાન્ય સ્વભાવ અસ્તિસ્વભાવ છે. તે આત્માના શાશ્વત અસ્તિત્વની યાદ અપાવે છે.(૧૧/૫)
નાસ્તિસ્વભાવના લીધે વસ્તુ પરસ્વરૂપે હાજર નથી. “જીવ કાયમ જીવાત્મા સ્વરૂપે હાજર છે, જડરૂપે ગેરહાજર છે' - એમ જાણી આત્માને પુગલોની પરવશતાથી છોડાવવો. (૧૧/૬)
આ તે જ છે' - આ પ્રતીતિ નિત્યસ્વભાવ કરાવે છે. વિવિધ પર્યાયો અનિત્યસ્વભાવને સૂચવે છે. ચાર ગતિમાં ભટકતો જીવ અનિત્ય છે. છતાં આત્મસ્વભાવ એનો એ જ છે. માટે ધ્રુવ આત્માની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો. (૧૧/૭)
આત્મા નિત્યાનિત્ય હોવાથી મનુષ્યમાંથી સિદ્ધસ્વરૂપમાં તેનું રૂપાંતરણ કરવા પ્રયત્ન કરવો.(૧૧/૮)
એકસ્વભાવ = સમાનસ્વભાવ. દરેક વસ્તુમાં રૂપ, રસ વગેરે એક સ્વભાવ મળે છે. તથા કાળા રંગનો ઘડો ભઠ્ઠીમાં પાકીને લાલ બને છે. તેથી તેમાં અનેકસ્વભાવ = વિવિધ સ્વભાવ પણ છે. આપણો મૂળભૂત સ્વભાવ સિદ્ધ ભગવંત જેવો જ છે. તેને પ્રગટ કરવા પ્રયત્ન કરવો. (૧૧૯)
ગુણ અને ગુણી વચ્ચે ભેદસ્વભાવ છે. ભેદસ્વભાવ વ્યવહાર-પ્રવૃત્તિમાં સહાય કરે છે. તથા તેમાં અવિભક્તપ્રદેશવૃત્તિસ્વરૂપ અભેદસ્વભાવ પણ છે. આ બે સ્વભાવને આધારે આપણે દોષોથી આપણો ભેદ અને ગુણો સાથે અભેદ થાય તેવી પ્રવૃત્તિ કરવી. (૧૧/૧૦)
જેવું નિમિત્ત મળે તે રીતે વસ્તુ પોતાને બનાવે તે ભવ્યસ્વભાવ જાણવો. દા.ત. પાણી અગ્નિથી ગરમ થાય નિમિત્ત મળવા છતાં વસ્તુનું સ્વરૂપ બદલાય નહિ તે અભવ્ય સ્વભાવ. દા.ત. રેતીમાંથી ઘડો ન બને. આપણી કેવળજ્ઞાનદશાને અનુકૂળ ભવ્યસ્વભાવ ઉપર ભાર મૂકવો. તથા આપણા ગુણોને સાચવવા માટે નબળા નિમિત્તોથી અપરિવર્તનશીલ અભવ્યસ્વભાવ ઉપર ભાર મૂકવો. (૧૧/૧૧)
વસ્તુનો અસાધારણ ભાવ એટલે પરમભાવ. તેની અપેક્ષાએ “આત્મા જ્ઞાનસ્વરૂપ છે.” પરમભાવને પૂર્ણતયા પ્રગટાવવાનો ઉદ્યમ આપણે કરવાનો છે. (૧૧/૧૨)