________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૯
મુખરસમાં એવી કોઈ વિશિષ્ટ અમ્લતા (ખટાશ) છે કે તે નીર-ક્ષીરનું વિવેચન કરી શકે છે, પાણી ને દૂધની વિભાગ-હેંચણીરૂપ વિવેક કરી શકે છે, આ પાણી ને આ દૂધ એમ પાણી ને દૂધ જૂદા પાડી શકે છે. તેમ પર ને આત્મા આમ છે તો જૂદા પણ એકક્ષેત્રાવગાહ સંબંધથી એકમેકમાં એવા સંવલિત થઈ ગયા છે કે તે પરાત્મા એકરૂપવત્ ભાસે છે. પણ જ્ઞાની આત્મહંસના ચૈતન્યરસમાં એવી કોઈ વિશિષ્ટ જ્ઞાન - અમૃતતા (અમૃતતા - માધુર્ય) છે કે તે પરાત્માનું વિવેચન કરી શકે છે, પર ને આત્માની વિભાગ-હેંચણીરૂપ વિવેક કરી શકે છે, આ પર ને આ આત્મા એમ પર ને આત્મા જૂદા પાડી શકે છે અને આમ નીર-ક્ષીરને જૂદા પાડવારૂપ વિવેચકતાએ કરીને હંસ જેમ નીર-ક્ષીરના સ્વાદ ભેદ-વર્ણ ભેદ આદિરૂપ વિશેષોને જાણે છે, તેમ જ્ઞાન થકી પરાત્માને જૂદા પાડવારૂપ વિવેચકતાએ કરીને જ્ઞાની-હંસ ૫૨-આત્માના સ્વભાવ વિશેષોને જાણે છે, પ૨નો (પુદ્ગલાદિનો) અચેતન જડ સ્વભાવવિશેષ છે ને આત્માનો ચેતન અજડ સ્વભાવવિશેષ એમ પ્રગટ ભેદશાન તેને ઉપજે છે. નીર-ક્ષીરનો વિવેક કરી, નીર-ક્ષીરનો વિશેષ જાણી, હંસ જેમ નીરસ વિ૨સ પાણીને છોડી દઈ સરસ સુરસ દૂધ પીએ છે; તેમ પરાત્માનો વિવેક કરી, પર-આત્માનો વિશેષ જાણી, જ્ઞાની હંસ ચૈતન્યરસવિહીન નીરસ વિરસ અચેતના પ૨ને છોડી દઈ, શુદ્ધ ચૈતન્યરસ સંપન્ન સરસ સુરસ આત્માના પરમામૃત - અનુભવરસનું પાન કરે છે અને સ્વાદભેદ જેણે જાણ્યો છે એવો હંસ જેમ સુસ્વાદુ દુગ્ધપાન અવિચલિતપણે કરે છે ને જલપાન કરતો નથી, તેમ પર-આત્માનો સ્વાદભેદ જેણે જાણ્યો છે એવો શાની-હંસ ત્રણે કાળમાં સ્વરૂપથી ચલાયમાન ન થતી એવી ‘અચલ', સર્વ પ્રદેશે ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્યમય જ એવી ચૈતન્ય ધાતુ'માં સદા અધિરૂઢ થયો સતો સુસ્વાદુ જ્ઞાનામૃત રસપાન કરતો જાણે જ છે, કેવલ જ્ઞાન જ અનુભવે છે, કંઈ પણ કરતો નથી, પરભાવરૂપ પુદ્ગલ કર્મ કરતો નથી, તેમજ વિભાવરૂપ ભાવકર્મ પણ કરતો નથી, અર્થાત્ સર્વથા અકર્તા જ હોય છે.
૫૯૩