________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ નિશ્ચય - વ્યવહાર સાપેક્ષ જિન-વીતરાગનો મોક્ષમાર્ગ તો સીધામાં સીધો, સરલમાં સરલ, જુમાં ઋજુ, સાદામાં સાદો, ટૂંકામાં ટૂંકો ને ચોખ્ખામાં ચોખ્ખો છે. એમાં કાંઈ વિસંવાદ નથી, કાંઈ ગોટાળો નથી. ગોટાળો ને વિસંવાદ તો નિશ્ચય-વ્યવહારનું પરસ્પર સાપેક્ષપણું જેઓ સમજતા નથી તેઓ જ ઊભો કરે છે. નિશ્ચય-વ્યવહારનો યથાયોગ્ય સમન્વય કરતાં તેમને આવડતો નથી, એટલે એકાંત પક્ષને પકડી બેસી તેઓ માર્ગભ્રષ્ટ થાય છે. કારણકે જે વ્યવહારને છોડી દઈને યથાયોગ્ય આત્મદશા વિના કેવળ નિશ્ચયને જ રહે છે. તે સાધન વિના નિશ્ચયરૂપ સાધ્યને સાધશે શી રીતે ? તે તો જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી ઘે છે, એટલે તે ઉભય ભ્રષ્ટ થાય છે, જે નિશ્ચયને છોડી કેવળ વ્યવહારને જ વળગ્યા રહે છે, વ્યવહાર રૂપ સાધનને સાધ્ય માને છે, લાકડાના ઘોડાને સાચો ઘોડો માને છે, “સિંહ” કહેવાતા બિલાડાને સાચો સિંહ માને છે, તે તો વ્યવહારના વર્તુળમાં જ ભમ્યા કરે છે ને મધ્યબિન્દુ રૂપ નિશ્ચય લક્ષ્યને ચૂકી જઈ અનંત પરિભ્રમણમાં જ ભમ્યા કરે છે. પણ સર્વ વ્યવહાર સાધનને એક નિશ્ચયરૂપ મધ્યબિન્દુના લક્ષ્ય પ્રત્યે-સાધ્ય પ્રત્યે જે દોરી જાય છે, તે જ નિશ્ચય રૂ૫ આત્મવસ્તુની સિદ્ધિ કરે છે, તે જ પરમાર્થ રૂપ મોક્ષમાર્ગને પામે છે, તે જ સિદ્ધ બની કૃતકૃત્ય થાય છે. વર્તમાનમાં કોઈ જીવો કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી કિયાજડ' થઈ બેઠા છે, તો કોઈ કેવળ
“શુષ્કશાની થઈ પડ્યા છે ને પોતે મોક્ષમાર્ગ આરાધે છે, એમ માની કોઈ ક્રિયા જડ થઈ રહ્યા આત્મસંતોષ અનુભવે છે ! કોઈ જીવો કેવળ નિશ્ચયને જ વળગી રહી
વ્યવહારનો નિષેધ કરે છે, તો કોઈ વળી વ્યવહારનો જ કદાગ્રહ કરી નિશ્ચયનો દુર્લક્ષ કરે છે, ને તે પ્રત્યેક પોતે મોક્ષમાર્ગને અવલંબે છે એમ મિથ્યા અભિમાન ધરે છે. પણ સર્વ વિરોધનું મથન કરનારા અનેકાંત સ્યાદ્વાદની દૃષ્ટિએ તે તે એકાંતપક્ષવાદી ખોટા છે, કેવળ સ્વચ્છેદે વર્તે છે એમ જણાય છે. અત્રે જે ક્રિયાજડ લોકો છે તેઓ પ્રાયઃ બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનેક પ્રકારની દ્રવ્ય ક્રિયા કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવે છે, પણ પ્રાયઃ ભાવને સ્પર્શતા નથી, ક્રિયાજડ પણે યંત્રવતુ ક્રિયા કર્યા કરે છે, પણ. અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવક્રિયાને - અધ્યાત્મ ક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતર્ભેદ અનુભવતા નથી. વળી તેઓ જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. એટલે જ એઓની ક્રિયામાં પ્રાય નીરસતા-શુષ્કતા જણાય છે, ભાવરૂપ ચૈતન્ય રસની આદ્રતાની ખામી જણાય છે. તેમાં તે તે ક્રિયાનો કાંઈ દોષ નથી, તે તે પ્રત્યેક ક્રિયા તો પરમ અદ્દભુત ને સ્વભાવસુંદર હોઈ અધ્યાત્મ - તરંગિણીમાં નિમજ્જન કરાવનાર છે. દોષ હોય તો આ જીવોની સમજણનો છે, કારણકે તેઓ તે તે ક્રિયાને અવગાહતા નથી, તેમાં ઊંડા ઉતરતા નથી, તેનો અધ્યાત્મ રસ ચાખતા નથી, પોતે મીઠાશ અનુભવતા નથી, ને તે તે ક્રિયાના ઉદિષ્ટ ઈષ્ટ પરમાર્થ ફળથી વંચિત રહે છે. દાખલા તરીકે - ત્યાગ - વૈરાગ્ય આદિ એ મોક્ષમાર્ગના સાધન છે ખરા, પણ તે જે આત્મજ્ઞાન સહિત પ્રવર્તતા હોય તો મોક્ષરૂપ એકાંત ફળ આપવા વડે કરીને સફળ છે, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણ થવા પણાએ કરીને ઉપકારી છે. કારણકે જેના ચિત્તમાં-અંતરંગમાં-અંતરાત્મામાં ત્યાગ વૈરાગ્યનો દૃઢ રંગ ન લાગ્યો હોય તેને જ્ઞાન થાય નહિં, ને જે ત્યાગ – વૈરાગ્યમાં જ અટકી પડી - તેથી આગળ ઈષ્ટ નિશ્ચય લક્ષ્ય ભણી ન વધે, તે પોતાનું જ ભાન ભૂલી જાય, ને મોક્ષ રૂપ એકાંત ઈષ્ટ ફળ પામે નહિં. હા, પુણ્યોપાર્જન રૂપ અનેકાંત ફળ પામે, પણ ભવભ્રમણ ટળે નહિં, એમ સ્થિતિ છે.
“ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને શાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમજ આતમ જ્ઞાનની, પ્રાપ્તિ તણા નિદાન.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭-૬
૧૩૮