________________
६७२
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
અનેકાંતવાદનો સ્વીકાર કરીને પણ તે અનેકાંતવાદનું ખંડન કરવા તત્પર બનેલા નૈયાયિકો અને વૈશેષિકો ખરેખર સપુરુષોના ઉપહાસનું સાધન બની જાય છે. નૈયાયિકોની સ્વવચન-વિરોધિતા જ ઉપહાસ્ય બની જાય છે.
વળી અનેકાંતવાદનો સ્વીકાર કરવાથી એ ગુણ થાય છે કે પરસ્પરવિભક્ત અવયવ, અવયવી આદિમાં પરસ્પરવૃત્તિ માનવાની વિચારણામાં જે દૂષણો આવે છે, તે સર્વેનો પરિહાર થાય છે.
(અહીં પ્રથમ અનેકાંતવાદનો સ્વીકાર ન કરતા નૈયાયિકો અને બૌદ્ધોની ચર્ચા ચાલુ થાય છે. તેમાં બૌદ્ધ પ્રથમ એકાંતે અવયવ-અવયવીને ભિન્ન માનતાં તથા સત્તા સામાન્ય આદિની પોતાની વ્યક્તિઓમાં વૃત્તિ માનતાં વૈશેષિકોને-નૈયાયિકોને દૂષણ આપે છે.) તૈયાયિકો આદિ અવયવોનો અવયવીથી અત્યંત ભેદ માને છે. કથંચિત્ ભેદ માનતા નથી. (આથી બૌદ્ધ તેમાં દૂષણ આપે છે કે, જો તમે (નૈયાયિકો આદિ) અવયવોનો અવયવીથી એકાંતે ભેદ માનો છો, તો અમારો (બૌદ્ધોનો) પ્રશ્ન છે કે.... અવયવોમાં અવયવી રહે છે, તે શું એક દેશથી રહે છે કે સર્વદેશથી રહે છે ? જો તમે “અવયવોમાં અવયવી એક દેશથી રહે છે” એમ કહેશો તો, તે યોગ્ય નથી. કારણ કે અવયવી તો નિરવયવ મનાયેલો છે.
તમે લોકો જો અવયવીને સાવયવ માનશો તો અમારો (બૌદ્ધોનો) તમને (નૈયાયિકો આદિને) પ્રશ્ન છે કે.... અવયવી અવયવોથી ભિન્ન છે કે અભિન્ન છે ?
જો અવયવી પોતાના અનેક અવયવોથી અભિન્ન હોય તો અનેકાંતવાદ માનવાની આપત્તિ આવશે, કારણકે એક નિરંશ અવયવીને અનેક અવયવોવાળો = પ્રદેશવાળો માનવો પડે છે.
જો અવયવી પોતાના અનેક અવયવો = પ્રદેશોથી ભિન્ન હોય તો, અવયવી અવયવોમાં કેવી રીતે રહે છે ? તે તમારે કહેવું જોઈએ. અર્થાત્ અવયવી પોતાના અનેક પ્રદેશોથી ભિન્ન છે, તો તે અવયવી પ્રદેશોમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી રહે છે ? આનો જવાબ આપવો જોઈએ.
એકદેશથી વૃત્તિ માનવી ઉચિત નથી, કારણ કે અનવસ્થાદોષ આવે છે. કહેવાનો આશય એ છે કે અવયવી નિરંશ હોવાથી તેના પ્રદેશ જ નથી. પ્રદેશ માનવામાં આવશે તો, તે પ્રદેશોમાં તે સર્વદેશથી રહેશે કે એકદેશથી રહેશે.. ઇત્યાદિ પ્રશ્ન પુનઃ ચાલુ જ રહેશે – અંત જ નહિ આવે. આ રીતે અનવસ્થાદોષ આવે છે.)
અવયવી પોતાના પ્રત્યેક અવયવોમાં સમગ્રતયા-સર્વદેશથી રહે છે” આ પક્ષ માનશો, તો તે પણ ઉચિત નથી. કારણ કે પ્રત્યેક અવયવોમાં અવયવી પરિપૂર્ણતયા રહેતું હોવાથી (અવયવો અનેક છે. તેથી) અવયવીઓ પણ અનેક થઈ જશે. અર્થાત્ જેટલા અવયવો છે, તેટલા સ્વતંત્ર