________________
૩૦૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ થી નું યોજનસ્વરૂપ દ્રવ્યાર્થિકનયના દસ ભેદો બતાવ્યા તે વિભાગમાં કઈ રીતે નયદૃષ્ટિ પ્રવર્તે છે ? અને પર્યાયાર્થિકનયના છ ભેદો બતાવ્યા તે વિભાગમાં કઈ રીતે નયદૃષ્ટિ પ્રવર્તે છે ? તેનો કંઈક સૂક્ષ્મ બોધ થાય છે. વળી, નિગમ, સંગ્રહ આદિ સાત નયોના પણ જે ભેદો દિગંબરે બતાવ્યા છે તેનાથી પણ તે તે નયોની દૃષ્ટિઓ કઈ રીતે પ્રવર્તે છે ? તેનો સૂક્ષ્મ બોધ થાય છે. આમ છતાં વિભાગવાક્યની મર્યાદાને નહીં જાણનાર દેવસેને જે સાત નયોને બદલે નવ નયો કહ્યા અને દ્રવ્યાર્થિક આદિ નયોના જે દસ આદિ ભેદ કર્યા તે પણ કઈ રીતે ન્યૂનતાવાળા છે ? તેનું જ્ઞાન ગ્રંથકારશ્રીએ કરાવ્યું છે. જેથી પદાર્થના પારમાર્થિક સ્વરૂપને જોવાની સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રગટે છે.
વળી, એક પદાર્થને આશ્રયીને સર્વનયોથી પૂર્ણ બોધ કરવામાં આવે તો યથાર્થ નિર્ણય થઈ શકે છે પરંતુ દિગંબર વચનાનુસાર સાત નયને બદલે નવ નવો ગ્રહણ કરવામાં આવે તો તેની સંગતિ થતી નથી.
જેમ અહિંસાનું સ્વરૂપ સાત નયોને સામે રાખીને પૂર્વમાં વર્ણન કર્યું તેમ વ્યવહારનયની અહિંસા, ઋજુસૂત્રનયની અહિંસા અને શબ્દાદિનયની અહિંસા એ ત્રણ નયોની અહિંસાનો બોધ થાય છે. વળી, કોઈક વધુ પ્રજ્ઞાવાળા તેનો વિશદ બોધ કરે તો તે સાતે નયોથી અહિંસાના સ્વરૂપનું પરસ્પર વિભાજન કરીને પૂર્ણ અહિંસાનો બોધ કરી શકે, પરંતુ સાત નયને બદલે દેવસેન કહે છે તે નવ નય પરસ્પર એકબીજામાં અંતર્ભાવ પામતા હોવાથી યથાર્થ બોધ કરાવવા સમર્થ બનતા નથી; કેમ કે અહિંસાનું સ્વરૂપ નૈગમનયથી શરૂ કરીને એવંભૂતનય સુધી સૂક્ષ્મ-સૂક્ષ્મતર થાય છે અને અંતિમ એવાં એવંભૂતનયમાં અત્યંત સૂક્ષ્મ અહિંસાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જ્યારે તે બેથી અતિરિક્ત એવાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને ભેળવીને નવ નયથી વિચારણા કરવામાં આવે તો ભ્રમ થાય કે નૈગમાદિ સાત નયોથી અહિંસાનો પૂર્ણ બોધ થયા પછી દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય કઈ રીતે તેના બોધમાં ઉપયોગી છે જેથી સાતને બદલે દિગંબરો નવ નય કહે છે ? અર્થાત્ તે નવ નો ક્રમસર સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ કરાવીને એક વસ્તુવિષયક પૂર્ણ બોધ કરાવવા અર્થે સમર્થ નથી માટે અસંબદ્ધ રીતે તેમનો વિભાગ છે. આથી જ સર્વત્ર સાત નયો કે સાત નયોના પેટા ભેદોને સ્વીકારીને વસ્તુનો બોધ કરવામાં આવે તો પૂર્ણ વસ્તુનો બોધ થાય અથવા દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને ગ્રહણ કરીને વસ્તુનો બોધ કરવામાં આવે તો પૂર્ણ વસ્તુનો બોધ થાય પરંતુ જે રીતે દિગંબરે યથાતથા વિભાગ કરેલો છે તે વિભાગ વિવેકીને બોધ કરાવવામાં ભ્રમ પેદા કરાવે છે તેથી ગ્રંથકારશ્રીએ તેનું આઠમી ઢાળની ગાથા-૮થી ગાથા-૨૩ સુધી નિરાકરણ કર્યું છે, જેથી પદાર્થને યથાર્થ જોનારી નિર્મળ દૃષ્ટિ પ્રગટે અને પરસંપ્રદાયની પણ યુક્તિયુક્ત વાતને તટસ્થતાથી સ્વીકારવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટે અને પરદર્શનની અસંબદ્ધ વાતને મધ્યસ્થતાથી જોઈને કઈ રીતે અસંબદ્ધ છે તેનો નિર્ણય કરવાની શક્તિ પ્રગટે છે. તેથી સ્વદર્શન-પરદર્શનના પક્ષપાત વગર શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી તત્ત્વનો નિર્ણય કરીને નયપ્રમાણનો યથાર્થ બોધ થાય તો તે માર્ગાનુસારી બોધથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા સમભાવની વૃદ્ધિ થાય જેથી કલ્યાણની પ્રાપ્તિ થાય. માટે પ્રસ્તુત-પથી ૮ ઢાળના અભ્યાસથી પણ યોગ્યજીવોને કલ્યાણની પ્રાપ્તિ થાય છે.