________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૧૦ થી ૧૩
૧૫૩
આ પ્રકારના કથનમાં બધા નયોના અર્થોના સમૂહઆલંબનરૂપ એક ભંગ સ્વીકારવામાં પણ બાધ નથી. તેથી સપ્તભંગી કર્યાં વગર આ રીતે સર્વ નયોથી કોઈ બોધ કરે તો જેમ સપ્તભંગીથી વસ્તુનો પૂર્ણ બોધ થાય છે, તેમ એક ભાંગાથી પણ સર્વનયને આશ્રયીને પૂર્ણ બોધ થાય છે. આ પ્રકારનો અર્થ ગ્રંથકારશ્રીને પોતાને જણાયો છે અને તેની પુષ્ટિ અર્થે યુક્તિ આપે છે કે ‘સમ્મતિ’ગ્રંથમાં વ્યંજનપર્યાયના સ્થાનમાં બે ભાંગાના બોધથી પણ પૂર્ણ અર્થના બોધરૂપ અર્થની સિદ્ધિ થાય છે તેમ બતાવેલ છે.
અને તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે -
સમ્મતિ ગ્રંથમાં પ્રસ્તુત ગાથાની પૂર્વની ગાથામાં સાત પ્રકારનો સપ્તભંગીનો માર્ગ બતાવ્યો, તે અર્થપર્યાયના વિષયમાં થાય છે. આશય એ છે કે ઘટાદિ પદાર્થોરૂપ અર્થમાં વર્તતા જે પર્યાયો છે તે પર્યાયોને આશ્રયીને સાત ભાંગા થાય છે. જેમ, ઘટાદિ અર્થમાં વર્તતો ઘટત્વ ધર્મ છે, ઘટત્વ ધર્મ નથી ઇત્યાદિ વિકલ્પો કરીને તેના સાત ભાંગાઓ થાય છે, તે અર્થનિષ્ઠ પર્યાયને આશ્રયીને છે. વળી, ઘટાદિ પદાર્થોમાં ‘ઘટશબ્દવાચ્યતા’રૂપ વ્યંજનપર્યાય છે, તે પર્યાયને આશ્રયીને બે જ વિકલ્પો થાય છે. અર્થાત્ ઘટાદિ અર્થમાં ‘ઘટ’ પદની વાચ્યતા છે અને ‘પટ’ પદની વાચ્યતા નથી એમ અસ્તિ-નાસ્તિરૂપ બે વિકલ્પોની પ્રાપ્તિ થાય છે, પરંતુ અવક્તવ્યાદિ ભાંગાઓ પ્રાપ્ત થતા નથી.
કેમ અવક્તવ્યાદિ ભાંગાઓ પ્રાપ્ત થતા નથી ? તેથી કહે છે
ઘટમાં ‘ઘટ’ પદની વાચ્યતા છે એમ કહેવાથી તે ‘વાચ્યતા' ઘટ શબ્દનો વિષય છે એમ અર્થ પ્રાપ્ત થાય છે અને શબ્દનો વિષય છે એમ કહ્યા પછી ‘ઘટ’ પદનો વિષય એવી ઘટપદની વાચ્યતા અવક્તવ્ય છે તેમ કહેવામાં વિરોધ પ્રાપ્ત થાય. તેથી અવક્તવ્યાદિ ભાંગા વ્યંજનપર્યાયમાં સ્વીકારી શકાય નહીં. અથવા બીજી રીતે અર્થ કરે છે.
‘સમ્મતિ’માં કહેલ ‘સવિકલ્પ’ શબ્દને સમભિરૂઢનયથી ગ્રહણ કરવો અને ‘નિર્વિકલ્પ’ શબ્દને એવંભૂતનયથી ગ્રહણ કરવો. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યંજનપર્યાયને શબ્દાદિ ત્રણ નયો સ્વીકારે છે અને તે વ્યંજનપર્યાય ‘ઘટ' શબ્દની વાચ્યતારૂપ છે અને તે ‘ઘટ’ પદની વાચ્યતા શબ્દનય અને સમભિરૂઢનયથી સવિકલ્પ છે; કેમ કે જ્યારે પનિહારીના મસ્તક ઉપર ઘટમાં પાણી લાવવાની ક્રિયા થતી હોય ત્યારે પણ તે ઘટમાં ‘ઘટ’ પદની વાચ્યતા છે અને પાણી લાવવાની તે ક્રિયા થતી ન હોય તેવા પણ વિદ્યમાન ઘટમાં ‘ઘટ' પદની વાચ્યતા છે એમ શબ્દનય અને સમભિરૂઢનય સ્વીકારે છે. વળી, એવંભૂતનયના મતે પનિહારીના મસ્તક ઉપર ઘટમાં પાણી લાવવાની ક્રિયા થતી હોય ત્યારે જ તે ઘટમાં ‘ઘટ' પદની વાચ્યતા છે, પરંતુ અન્યકાળમાં નહીં. તેથી એવંભૂતનયથી ‘ઘટ’ પદની વાચ્યતા નિર્વિકલ્પ છે.
આ રીતે વ્યંજનપર્યાયમાં બે ભાંગાની પ્રાપ્તિ છે અને અર્થનય=અર્થમાં વર્તતા પર્યાયોને સ્વીકારનાર પ્રથમના જે ચા૨ નયો છે તે નયો, વ્યંજનપર્યાયને માનતા નથી, પરંતુ પાછળના શબ્દાદિ ત્રણ નયો વ્યંજનપર્યાયને માને છે. તેથી પ્રથમના ચાર નયોરૂપ અર્થનયોની વ્યંજનપર્યાયમાં પ્રવૃત્તિ નથી.