________________
ગક પ્રસ્તાવના જ
પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીમહાબોધિવિજયજી મ.સા. એક પ્રશ્ન થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રથમ દેશના આપતા પૂર્વે પરમાત્મા
કયા કયા વાક્યોનો પ્રયોગ કરતા હશે ? કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજ પરમાત્મા મહાવીરદેવને કેવલજ્ઞાન થયા પછી શાસનસ્થાપનાનો પ્રસંગ વર્ણવે છે.
૪૪૦૦ બ્રાહ્મણોએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમાં મુખ્ય ૧૧ બ્રાહ્મણોને (ઈન્દ્રભૂતિ આદિને) ત્રિપદી આપવાપૂર્વક ૧૧ અંગ અને ૧૪ પૂર્વની રચના કરાવી-ગણધર પદે સ્થાપિત કર્યા. આમ દ્વાદશાંગીની રચના થયા બાદ ભગવાન દ્વાદશાંગીની તેઓને અનુજ્ઞા આપે છે. શક્ર મહારાજા દિવ્ય વજમય થાળને દિવ્ય ચૂર્ણથી ભરી પ્રભુની પાસે ઉભા રહે છે. પ્રભુ રત્નમયસિંહાસન ઉપરથી ઉભા થઈ મુઠ્ઠી ભરીને ચૂર્ણ લ્ય છે. ગૌતમાદિ ૧૧ ગણધરો નતમસ્તકે ક્રમશઃ ઉભા રહે છે. તેમના મસ્તક પર પ્રભુ વાસનિક્ષેપ કરે છે. દેવો પણ વાજિંત્રનાદ, ગીતો વગેરે બંધ કરી મૌનપણે સાંભળે છે.
ભગવાન બોલે છે !
___गोयमस्स दव्य-गुण-पज्जवेहिं तित्थं अणुजाणामि । ગૌતમને દ્રવ્ય-ગુણ-પર્યાયથી હું તીર્થની અનુજ્ઞા આપું છું.
પ્રભુના મુખકમલમાંથી વહેતી સુગંધ સમી આ શબ્દાવલિ છે. દ્રવ્ય/ગુણ/પર્યાય. શબ્દો એકના એક છે. સંદર્ભે સંદર્ભે એની અર્થછાયા બદલાતી રહે છે. તીર્થની અનુજ્ઞા પ્રદાન કરતી વખતે પ્રભુએ પ્રરૂપેલા દ્રવ્ય, ગુણ, પર્યાય શબ્દોની અર્થછાયા ખૂબ જ વિશાળ ફલકમાં પથરાયેલી છે. જેની ચર્ચાને અહીં અવકાશ નથી. પ્રસ્તુતમાં સામાન્યથી દ્રવ્યાદિની વ્યાખ્યા જાણીએ.
દ્રવ્ય કોને કહેવાય ? તત્ત્વાર્થસૂત્રકાર કહે છે :
गुण-पर्यायवद् द्रव्यम्।
ગુણ અને પર્યાયથી યુક્ત હોય તે દ્રવ્ય. તો ગુણ-પર્યાય કોને કહેવાય ? પ્રમાણનયતત્તાલોકકાર શ્રીવાદિદેવસૂરિ મહારાજ આની સરસ વ્યાખ્યા આપે છે :
गुणः सहभावी धर्मो। यथाऽऽत्मनि विज्ञान-व्यक्तिशक्त्यादिः। દ્રવ્યની સાથે રહેવાનો જેનો ધર્મ છે તે ગુણ. દા.ત. આત્મદ્રવ્યમાં સદૈવ સાથે રહેતા જ્ઞાનાદિ.
पर्यायस्तु क्रमभावी। यथा तत्रैव सुख-दुःखादिः।