________________
• પ્રસ્તાવના ૦
21
તથા અભિવ્યક્તિ પણ અદ્ભુત છે.
ખૂબ અનુમોદના કરું છું. શાસન પ્રભાવના સાથે લેખન તથા પ્રકાશન એ તેઓશ્રીની આગવી જીવનશૈલી છે. પ્રભુને પ્રાર્થના કરું કે તેઓશ્રી હજી વધુ આવા તાત્ત્વિક ગ્રંથો પર નવીન પ્રકાશ જ્ઞાનપ્રેમી આત્માઓને આપતા રહે...
‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' નો જ્ઞાનાભ્યાસ આપણી શ્રદ્ધાને નિર્વિકલ્પક બનાવે, જ્ઞાનને અવિસંવાદી બનાવે.
આ ગ્રંથના અભ્યાસથી દ્રવ્યસ્વભાવને અને પર્યાયસ્વભાવને જાણી સહુ સ્વભાવનું પરિમાર્જન કરો. દ્રવ્યસ્વભાવની નિત્યતાનો બોધ અને પર્યાયસ્વભાવની ક્ષણિકતાનો બોધ નિત્યતત્ત્વની અનુભૂતિ તરફ લઈ જનાર બની રહો. તથા અનુભૂતિની મસ્તીમાં ડૂબાડનાર બની રહો.
પર્યાયસ્વભાવની ક્ષણિકતાની શ્રદ્ધા અને જ્ઞાન એ આ જગતમાં થતા પરિવર્તનોમાં તથા જીવનમાં થતા આમૂલ-ચૂલ પરિવર્તનોમાં તેમજ વ્યક્તિગત કે સમષ્ટિગત ક્ષેત્રે થતી વિલક્ષણ ઘટનાઓમાં રાગ -દ્વેષની પરિણતિ પેદા ન થવા દે. રતિ-અરતિના વંદ્વથી પર બનાવે.
દ્રવ્યસ્વભાવની નિત્યતાનો બોધ “હું આ જ છું. આ જ મારું સ્વરૂપ છે.” આમ સ્વરૂપમાં ઉપયોગને તન્મય બનાવી તેની નિર્વિકલ્પ અનુભૂતિ સુધી લઈ જાય એ જ મંગલ કામના...
પ્રાન્ત એટલું જરૂર કહીશ કે આ પ્રસ્તાવના લખવાનું આમંત્રણ પં. શ્રીયશોવિજયજીએ જ્યારે આપ્યું ત્યારે એવું લાગ્યું કે M.B.A. ના પુસ્તક પર S.S.C વાળો શું લખે? પણ છતાં પ્રભુકૃપા/ગુરુકૃપાએ આ કાર્ય સંપન્ન થયું છે. પં. શ્રીયશોવિજયજી મ.નો ખૂબ આભાર કે આ રીતે આ ગ્રંથના સ્વાધ્યાયમાં ડૂબવાનો મને અવસર આપ્યો...
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય અથવા ગ્રંથકાર કે ટીકાકાર ભગવંતના આશય વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્...
સંઘએકતા શિલ્પી પ.પૂ.આ.ભ. શ્રીકારસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તપસ્વી પ.પૂ.ચંદ્રયશ વિ.મ.ના શિષ્ય
આ. ભાગ્યેશવિજયસૂરિ