________________
પદાર્થશુદ્ધિ અને સંપૂર્ણ પ્રૂફશુદ્ધિનું ગહન-બહોળું કાર્ય તપાગચ્છાધિરાજશ્રીના સામ્રાજયવર્તી તપસ્વી સાધ્વીવર્યા શ્રી સુનિતયશાશ્રીજી મ.સા.ના સુશિષ્યા વિદુષી સાધ્વીવર્યા શ્રી જ્ઞાનદર્શિતાશ્રીજી મહારાજે અથાક મહેનત કરીને સાંગોપાંગ પાર પાડ્યું છે. તેઓની નિઃસ્વાર્થ શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના.
અમારા ક્ષયોપશમ મુજબ આ ગ્રંથના તમામ પદાર્થોને તે તે ગ્રંથો સાથે મેળવીને સંશોધિત કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ કોઈ કોઈ સ્થળે પૂર્વ પ્રકાશનમાં જેવું છપાયેલું છે તેવું જ યથાવત રાખવાની ફરજ પડી છે. નૂતન પ્રકાશનમાં કોઈ ક્ષતિ જણાય તો બહુશ્રુત-વિદ્વાનોને તેનું સંશોધન કરવા નમ્ર વિનંતી છે અને અમને જણાવવા પણ વિનંતી છે.
પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજા વિરચિત ગ્રંથોની યાદી, તેઓશ્રીમનું જીવન ચરિત્ર આદિ વિગતો પૂર્વપ્રકાશનમાંથી સાભાર લઈને યથાવત્ આગળ આપવામાં આવેલ છે.
આ ગ્રંથમાં સામસામે હિન્દી-ગુજરાતીનું સેટીંગ અને અનેક પ્રકારના કોઠાઓ આદિના ટાઈપસેટીંગનું કાર્ય વિરતિ ગ્રાફિકસવાળા અખિલેશભાઈ મિશ્રાએ સુંદર રીતે પાર પાડ્યું છે તથા સન્માર્ગ પ્રકાશને મુદ્રણ વ્યવસ્થા કરી આપેલ છે.
પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજાની દિવ્યકૃપાથી અને પૂ.ગુરુવર્ય આદિ પૂજ્યોની મહતી કૃપાથી દીક્ષા સ્મૃતિદિન - શતાબ્દી વર્ષે દીક્ષાયુગ પ્રવર્તકશ્રીજીની અંતરંગ ભાવનાને પરિપૂર્ણ કરતાં આનંદનો અનુભવ થાય છે.
નવતત્ત્વોની શ્રદ્ધા સમ્યકત્વનો પાયો છે. આ ગ્રંથના અધ્યયન - પરિશીલન દ્વારા નવતત્ત્વોની શ્રદ્ધાને મજબૂત બનાવી સમ્યગ્દર્શનની નિર્મલતા દ્વારા સૌ કોઈ સાધકો મોક્ષમાર્ગ-સંયમમાર્ગમાં પ્રગતિ સાધી શીઘ મોક્ષસુખને પામે એ જ એક સદાને સદા માટેની શુભાભિલાષા...સહ... આસો સુદ-૭, વિ.સં. ૨૦૬૮ -
મુનિ સંયમકીર્તિ વિ. રવિવાર, તા. ૨૧-૧૦-૨૦૧૨
જૈન ઉપાશ્રય ગિરધરનગર, અમદાવાદ