________________
પ્રકાશનના શુભ અવસરે... દીક્ષાયુગપ્રવર્તક, તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું આ “દીક્ષા સ્મૃતિદિન શતાબ્દી વર્ષ” પ્રવર્તમાન છે. તેઓશ્રીમનો અનુયાયીવર્ગ આ શુભ અવસરને અનેક પ્રકારે ઉજવી રહ્યો છે. તેઓશ્રીમદ્રની ભાવના હતી કે, સત્યમાર્ગના ચાહક-પ્રરૂપક-સમર્થક અને ખુમારીપૂર્વક તથા નિઃસ્પૃહતાપૂર્વક અનેક માન-મોભા અને પ્રલોભનોનો ત્યાગ કરીને સત્યમાર્ગને અંગીકાર કરનારા, સંવિગ્ન-પરંપરાના પૂરી પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજા દ્વારા વિરચિત વિવિધ વિષયક ગ્રંથો, પુસ્તકો કે જે જીર્ણપ્રાયઃ થયા છે, તેનું પુનઃ પ્રકાશન થાય તો તે શ્રતવારસો આગલી પેઢીને પ્રાપ્ત થાય. તેઓશ્રીમદ્ની એ ભાવનાને “પાર્થાન્યુદય પ્રકાશન” અનેક ગ્રંથોને પુનઃ પ્રકાશિત કરીને સાકાર કરી રહ્યું છે.
પૂજયપાદશીના શિષ્યરત્ન સૌજન્યમૂર્તિ પૂ.આ.ભ. શ્રી. વિજય હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજાની ભાવના હતી કે, દીક્ષા સ્મૃતિદિન શતાબ્દી વર્ષે પૂ.શ્રી આત્મારામજી મહારાજાના “નવતત્ત્વસંગ્રહ” ગ્રંથનું પુનઃ પ્રકાશન થાય, તો પૂજ્યપાદશ્રીની ભાવના મુજબનું એક કાર્ય થાય. પૂ.આ.ભ.શ્રીએ મને આ કાર્ય કરવાનું સૂચન કર્યું. પંજાબી હિન્દી ભાષામાં આલેખિત ગ્રંથનો ગુર્જસનુવાદ પણ સાથે કરી લેવામાં આવે તો ગ્રંથવાંચનમાં દરેકને સરળતા રહે, તેથી સાથે સાથે ગુર્જરાનુવાદ પણ કર્યો.
ગ્રંથનો વિષય : આ ગ્રંથમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ : આ નવ તત્ત્વોનું વિસ્તારથી વિવેચન કર્યું છે. શ્રીભગવતીસૂત્ર, શ્રીપન્નવણાસૂત્ર, શ્રીજીવાભિગમસૂત્ર આદિ અનેક ગ્રંથોના આધારે અનેકવિધ કોઠાઓ દ્વારા નવે તત્ત્વોનું વિસ્તારથી સુંદર શૈલીમાં નિરૂપણ કર્યું છે. તેમાં જીવ તત્ત્વનું ખૂબ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
કાર્ય ગહન અને બહોળું હતું. જેમ જેમ ગ્રંથ વંચાતો ગયો તેમ તેમ ગ્રંથના વિષયોનું સંશોધન કરવું આવશ્યક જણાયું. પૂર્વ પ્રકાશનમાં પ્રૂફ અશુદ્ધિ આદિ કોઈપણ કારણસર શાસ્ત્રીય દષ્ટિએ ઘણી અશુદ્ધિઓ રહી ગઈ હતી. વળી પૂજ્યપાદશ્રી આત્મારામજી મહારાજાના કાળધર્મ પછી ઘણા વર્ષો બાદ આ ગ્રંથ પ્રકાશિત થયેલ છે. પદાર્થશુદ્ધિનું કાર્ય અતિગહન અને વિસ્તૃત હતું. કારણ કે, ગ્રંથકારશ્રીએ અનેક આગમગ્રંથોના આધારે નવતત્ત્વના વિષયને વિસ્તારથી વર્ણવ્યો છે અને એમાં કોઠાવર્ક પણ ખૂબ જ છે.