________________
૧૯
થઈ શકે. આથી તે ધીરે ધીરે ગુપ્ત રૂપે પોતાની કુટિલ જાળ પાથરી રહ્યો હતો. નિર્ભય સૂરિવર તો ક્યારનાય સ્વસ્થ બની મૃત્યુનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા હતા. એવે સમયે પણ એમના શરીરની શોભા ચન્દ્રકાન્તિને હાસ્યાસ્પદ બનાવી રહી હતી. એમના મુખમાંથી “અહમ્' શબ્દનો દિવ્ય ધ્વનિ નીકળી રહ્યો હતો. સામે બેઠેલો શિષ્ય પરિવાર આ સર્વોત્તમ નાદનું ઉત્સુક હૃદયે પાન કરી રહ્યો હતો. એટલામાં સમય પૂરો થયો. લો ભાઈ અબ હમ જાતે હૈં, અહમ્ એમ કહેતાં કહેતાં એ સૂરીશ્વર સ્વર્ગે સંચર્યા. મનોહર રાત્રિ ભયાનક રૂપે પરિણમી. શાંત રસ કરુણરૂપે પરિવર્તન પામ્યો. બીજે દિવસે એમના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. આ પ્રમાણે એમના સ્થૂલ દેહનો અસ્ત થયો, પરંતુ સાધુતાના સાચા આદર્શની એ જ દેહ દ્વારા આચરી બતાવેલ જયોતિ તો સદાને માટે ઉદયવંતી બની ગઈ.
આ પ્રાતઃસ્મરણીય સૂરિવર્ય વિદ્વાનોના નિઃસીમ પ્રેમી હતા, વિદ્યાવ્યાસંગને લઈને એમને હાથે બહુ ગ્રંથોનો ઉદ્ધાર થયો છે. અનેક જનોને એમણે સન્માર્ગી બનાવ્યા છે. તેમાં ખાસ કરીને “પંજાબ' દેશ ઉપર એમનો પારાવાર ઉપકાર છે. એ દેશને ઉદ્દેશીને એમને જૈન ધર્મના જન્મદાતા તરીકે સંબોધી શકાય. એમની યશપતાકારૂપ ત્યાંના અનેક જૈનમંદિરો આજે પણ આ વાતની સાક્ષી પૂરી રહ્યા છે. “સિદ્ધાચલમાં એમની પાષાણમયી પ્રતિમા સ્થાપવામાં આવી છે. એ એમના પ્રત્યેનો સજ્જનોનો પ્રેમ જાહેર કરે છે. અમદાવાદ, પાટણ, વડોદરા, જયપુર, અંબાલા, લુધિયાના વગેરે સ્થળો એમની મૂર્તિ તેમજ ચરણપાદુકાથી વિભૂષિત બન્યાં છે એ એમની ધર્મસેવાનો પ્રતાપ છે. “ગુજરાંવાલા” શહેરમાં એમની સ્મૃતિરૂપે ભવ્ય સમાધિમંદિર બનાવાયું છે એ ત્યાંની જનતાનું મન એમની તરફ કેટલું આકર્ષાયેલું હતું તે સૂચવે છે.
જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવવા તેમણે કેવો સતત પ્રયાસ કર્યો છે એ તેમની નીચે મુજબ તત્ત્વનિર્ણયપ્રાસાદગત જીવનચરિત્રને આધારે રજૂ કરાતી વિવિધ કૃતિઓ કહી રહી છે :
(૧) નવતત્ત્વસંગ્રહ સં. ૧૯૨૪-૨૫, (૨) આત્મબાવની સં. ૧૯૨૭, (૩) ચોવીસજિનસ્તવન સં. ૧૯૩૦, (૪) જૈનતત્ત્વાદર્શ સં. ૧૯૩૭-૩૮, (૫) અજ્ઞાનતિમિરભાસ્કર સં. ૧૯૩૯-૪૧, (૬) સત્તરભેદી પૂજા સં. ૧૯૩૯, (૭) સમ્યક્તશલ્યોદ્વાર સં. ૧૯૩૯-૪૧, (૮) વીસસ્થાનક પૂજા સં. ૧૯૪૦, (૯) જૈનમતવૃક્ષ સં. ૧૯૪૨, (૧૦) અષ્ટપ્રકારી પૂજા. સં. ૧૯૪૩, (૧૧) ચતુર્થસ્તુતિનિર્ણય (ભા. ૧) સં. ૧૯૪૪, (૧૨) શ્રીજૈનપ્રશ્નોત્તરાવલી સં. ૧૯૪૫, (૧૩) ચતુર્થસ્તુતિ નિર્ણય (ભાગ-૨) સં. ૧૯૪૮ (૧૪) નવપદપૂજા સં. ૧૯૪૮, (૧૫) સ્નાત્રપૂજા સં. ૧૯૫૦ અને (૧૬) તત્ત્વનિર્ણયપ્રસાદ સં. ૧૯૫૧.
અંતમાં એટલું જ નિવેદન કરીશ કે આત્મભાવમાં રમણ કરનાર શ્રીવિજયાનન્દસૂરીશ્વરજીનો જન્મ સાર્થક થયો છે. જેમને એમના દર્શનનો લાભ મળ્યો છે, તેમની નેત્રપ્રાપ્તિ સફળ થઈ છે. જેમને એમનો સુધામય ઉપદેશ સાંભળવાની તક મળી છે, તેમના કર્ણ ધન્યપાત્ર છે. જે માતાએ આ સૂરિરત્નને જન્મ આપ્યો, તેમને સહસ્રશઃ ધન્યવાદ અને વન્દન ઘટે છે. જે જૈન સંઘે એમનું ગૌરવ કર્યું છે, તે વિચક્ષણ સંઘને મારા પ્રણામ છે. જે “ભારત ભૂમિ આવા મહાત્માઓની જીવનભૂમિ બની છે, તે બહુરત્ના વસુન્ધરા સદા જયવંતી વર્તો.
૧. સન્મતિતર્ક જેવા પ્રૌઢ ગ્રંથનું એમને પઠન કર્યું હતું એમ માનવામાં ખાસ કારણો મળે છે.
૨. ૨૦OO૦ સ્ત્રીપુરુષોને ધર્મમાર્ગે ચઢાવવા ઉપરાંત એમણે કેટલાએ સ્થાનકવાસી સાધુઓને પણ જૈન ધર્મની પ્રશસ્ત નૌકાના કર્ણધાર બનાવ્યા. ૩. ઉપદેશબાવની તે આ જ હોય એમ જણાય છે.