________________
६
સંસારથી ઉગારે તે ગુરુ
એક માણસ ભટકતો હતો. તાપથી તે ત્રાસી ગયેલો. થાકથી તે લોથપોથ થઈ ગયેલો. એક પરગજુ માણસને તેની ઉપર દયા આવી. તેણે તેને સુખી થવાનો ઉપાય બતાવ્યો. તે ઉપાયથી તેનું ભટકવાનું બંધ થઈ ગયું. તેનો તાપ અને થાક દૂર થઈ ગયો.
આપણે સંસારમાં ભટકી રહ્યા છીએ. સંસારના દુ:ખોથી ત્રાસી ગયા છીએ. સંસારમાં ભટકી ભટકીને થાકી ગયા છીએ. ગુરુમહારાજને આપણી ઉપર દયા આવે છે. તેઓ આપણને સાચા સુખી થવાનો ઉપાય બતાવે છે. તે ઉપાયના સેવનથી આપણું ભવભ્રમણ અટકી જાય છે. આપણા દુઃખો કાયમ માટે દૂર થઈ જાય છે અને આપણે કાયમ માટે પરમસુખી બની જઈએ છીએ.
આમ ગુરુ આપણને સંસારમાંથી ઉગારે છે. ગુરુ આપણા અનંતઉપકારી છે. એમના પ્રત્યે પરમ ઉચ્ચ કોટિના ભક્તિ-બહુમાન રાખવા એ આપણું પરમ કર્તવ્ય છે. ગુરુના ગુણો જાણવાથી તેમના પ્રત્યે ભક્તિ-બહુમાન પ્રગટે છે. આપણને ગુરુના ગિરુઆ ગુણોનું જ્ઞાન થાય એ માટે શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે ‘ગુરુગુણષત્રિશષત્રિશિકાકુલક’ની રચના કરી છે. તેની ઉપર તેમણે સ્વોપજ્ઞ ટીકા પણ રચી છે. તે ટીકા સંક્ષિપ્ત છે. તેથી તેનાથી શીઘ્રબોધ થવો મુશ્કેલ છે. તેથી મેં પ્રેમીયા વૃત્તિ’ નામની નૂતન ટીકા અને તેનો ગુજરાતી ભાવાનુવાદ રચ્યા છે. આ વૃત્તિમાં મારી રચના બહુ જ થોડી છે. મુખ્યત્વે આ ટીકામાં અવતરણોનું સંકલન જ કર્યું છે. તે પણ સ્વોપજ્ઞ ટીકાને અનુસારે જ કર્યું છે. આ નૂતન ટીકા અને ભાવાનુવાદ સહિત મૂળગ્રંથ પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યો છે.
આ ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે. તેમાં આ પુસ્તકમાં ત્રીજો વિભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. પહેલા ભાગમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી હોવાથી અહીં વધુ લખવાનું ટાળું છું. તે પ્રસ્તાવનામાંથી વિશેષ માહિતિ મળશે.
ખંભાત તીર્થાધિપતિ શ્રીસ્થંભનપાર્શ્વનાથ ભગવાન અને મારા ગુરુદેવ પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પરમકૃપાના પ્રભાવે જ આ ગ્રંથના રચના-સંકલન-સંપાદન-પ્રકાશન શક્ય બન્યા છે. એ તારક પૂજ્યોના ચરણે અનંતશઃ વંદનાવલિ કરું છું.