________________
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ
૧૧૧૫ જેના રાગ-દ્વેષ બહાર દેખાય નહિ, તથા કોઈના દોષો બીજાને કહે નહિ,) (૧૬) પરીષહ આદિથી પરાભવ પામવા છતાં શરીર-રક્ષણ આદિ માટે જે દીનતા ન કરે, (૧૭) ઉપશમલબ્ધિ, ઉપકરણલબ્ધિ અને સ્થિરહસ્તલબ્ધિ એ ત્રણ લબ્ધિથી યુક્ત હોય, ઉપશમલબ્ધિ એટલે બીજાને શાંત કરવાનું સામર્થ્ય. ઉપકરણલબ્ધિ એટલે સંયમમાં ઉપકારક વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુને મેળવવાની શક્તિ. સ્થિરહસ્તલબ્ધિ એટલે બીજાઓને વ્રતપાલનાદિમાં સ્થિર કરવાની શક્તિ . (૧૨)
(૧૮) સૂત્રાર્થનો વ્યાખ્યાતા હોય, અર્થાતુ શિષ્યાદિને સૂત્ર અને અર્થની વાચના વગેરે આપતા હોય, (૧૯) જેને પોતાના ગુરુએ (= ગચ્છનાયકે) ગુરુપદે સ્થાપિત કર્યા હોય, સ્વગુરુના અભાવે દિગાચાર્ય (= ગચ્છાચાર્ય) જેને ગુરુપદે સ્થાપ્યા હોય, આવા જ ગુરુને વિતરાગ ભગવંતોએ દીક્ષા આપવા માટે લાયક કહ્યા છે. કાલદોષથી સર્વગુણસંપન્ન ન હોય, કેટલાક ગુણોથી રહિત હોય, પણ ઘણા (મુખ્ય) ગુણોથી યુક્ત હોય તો તે પણ દીક્ષા આપવાને લાયક છે. (૧૩)' (પ૯૯)
(સટીક પંચવસ્તકના આ.શ્રીરાજશેખરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
આ ચાર શ્લોકોનો ભાવાર્થ પહેલા પ્રવચનસારોદ્ધારની વૃત્તિના પાઠમાં કહ્યો છે. (૬૦૦-૬૦૩)
આ શ્લોકનું વર્ણન છત્રીસમી છત્રીસીની વૃત્તિમાં કર્યું છે. (૬૦૪)
ગુરુ આઠ પ્રકારના દર્શનાચારને, આઠ પ્રકારના જ્ઞાનાચારને, આઠ પ્રકારના ચારિત્રાચારને અને બાર પ્રકારના તપાચારને જાણે છે અને પાળે છે. આઠ પ્રકારના દર્શનાચારો, આઠ પ્રકારના જ્ઞાનાચારો અને આઠ પ્રકારના ચારિત્રાચારો છઠ્ઠી છત્રીસીની વૃત્તિમાં કહ્યા છે. બાર પ્રકારના તપાચારો સોળમી છત્રીસીની વૃત્તિમાં કહ્યા છે. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. આ શ્લોકનો ભાવાર્થ પૂર્વે પ્રવચનસારોદ્ધારની ગુરુગુણછત્રીસીઓ બતાવતી વખતે ૫૪૮ મા શ્લોકમાં અને તેની વૃત્તિમાં કહ્યો છે. (૬૦૫)
ગુરુ આચારવાનપણું વગેરે આઠ ગુણોવાળા હોય છે. તે આઠ ગુણો છઠ્ઠી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યા છે. ગુરુ દશ પ્રકારના સ્થિતકલ્પને જાણે છે અને પ્રરૂપે છે. દસ પ્રકારના સ્થિતકલ્પનું સ્વરૂપ પંચાશક પ્રકરણમાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે -
કલ્પના સામાન્યથી આચેલક્ય વગેરે દશ પ્રકાર છે. દશ પ્રકારનો આ કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુઓને આશ્રયીને સ્થિત (= નિયત) કહેવાય છે. કારણ કે તેમણે એનું આચરણ સદા કરવાનું હોય છે. સ્થિતકલ્પ એટલે નિત્ય મર્યાદા. આચાર, વ્યવહાર, વ્યવસ્થા, મર્યાદા, કલ્પ, સામાચારી આ બધા શબ્દોનો લગભગ સમાન અર્થ છે. (૨) (૧૭/૨).