________________
सपादनम
ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનનો શ્રુતવારસો કાન દ્વારા સીધો હૃદયમાં જતો હતો. વચમાં કોઈ લખાણનો આધાર રહેતો ન હતો. કાળક્રમે ક્ષયોપશમની મંદતા વધતા શ્રુતના રક્ષણ માટે શ્રુતને પુસ્તકારુઢ કરાયું. ત્યારે શ્રુત જેવા સ્વરૂપે હતું તેવા જ સ્વરૂપે લખી દેવામાં આવતું. હસ્તપ્રતિઓમાં સંપાદન જેવું કોઈ કાર્ય ન હતું. ફક્ત લેખન હતું. જ્યારથી શ્રુત છપાવા માંડ્યું ત્યારે પણ સંપાદનનું તત્ત્વ દાખલ થયું ન હતું અંતે સંપાદનનો જન્મ થયો. ગ્રન્થને મૂળ સ્વરૂપે તો છાપવાનો જ. વિશેષમાં ગ્રન્થનું અધ્યયન સરળ બને, સર્વગ્રાહ્ય બને અને સંલગ્ન વિવિધ વિષયોનો નિર્દેશ તેમાંથી જ પ્રાપ્ત થાય એ રીતે છપાઈ કરવાના કાર્યને સંપાદન કહેવામાં આવે છે. આ સંપાદનનું ક્ષેત્ર દિન-પ્રતિદિન વિસ્તરતું જ જાય છે. આશા એવી રાખવામાં આવે છે આ રીતના ગ્રન્થની મદદથી ભણનાર ટૂંક સમયમાં જ્ઞાનપ્રાપ્ત કરી શકે. સમયનો બચાવ અને જ્ઞાનની વ્યાપક્તા સહજ બને. છતાં કબૂલ કરવું પડશે કે ભૂતકાળના મૂર્ધન્ય શાસ્ત્રકાર ભગવંતો આજના જેવા સંપાદનોથી સભર ગ્રન્થોની કોઈ જ મદદ લીધા વિના ક્લિષ્ટલિપિ અને અક્ષરોમાં લખાયેલ ગ્રન્થો મેળવવા પણ દુર્લભ હતા તેવા કપરા સંયોગોમાં જેવી વિદ્વતા અને ગીતાર્થતા પ્રાપ્ત કરી શક્યા તેના શતાંશે પણ આજના સાધનો, સગવડોથી છલકાતા જમાનામાં વિદ્વાનો તૈયાર થાય છે કે નહિ તે સંશોધન સાથે સંપાદિત કરવા જેવો વિષય છે. કદાચ પડકારથી વ્યક્તિનું હીરઝળકી ઉઠતું હતું. સગવડ અને સરળતાથી વ્યક્તિ વધુ પાંગળો બન્યો છે. છતાં હાલમાં દરેક ગ્રન્થ સંપાદનથી શણગારવો જોઈએ તેવી આજની માંગ હોય છે. અહીં પણ કંઈક સંપાદન કરાવમાં આવ્યું છે.
| (૧) પૂર્વના સંપાદનોમાં ગ્રન્થકારના શ્લોકો અને ગ્રન્થકારે વચમાં રજુ કરેલા સાક્ષી શ્લોકોને જુદા પાડ્યા વિના ક્રમસર જે નંબર આવ્યા તે આપી દીધેલા છે. આ સંપાદનમાં તેવા શ્લોકોને અલગ તારવીને મૂળગ્રન્થના શ્લોક કરતા નાના ટાઈપમાં શ્લોક નંબર આપ્યા વિના છાપ્યા છે. તેથી પૂર્વપ્રકાશનના શ્લોક નંબર સાથે આ પ્રકાશનના શ્લોક નંબરોમાં તફાવત રહેશે. હજી પણ કેટલાક શ્લોકો અન્ય ગ્રન્થના ઉદ્ધારણરૂપે હોવા જોઈએ એમ લાગે છે પરંતુ ચોક્કસ સ્થાન ન મળવાથી તેને મૂળગ્રન્થના શ્લોકો રૂપે જ રાખ્યા છે. ભવિષ્યમાં વિદ્વાનો તેમાં આગળ કાર્ય કરી શકશે.
(૨) મુળ ગ્રન્થમાં આમ તો ગ્રન્થકારશ્રીએ મોટાભાગે તે તે આગમાદિના નામ અને શતક-અધ્યયન-ઉદેશા આદિના ઉલ્લેખ સાથે જ ઉદ્ધરણો રજૂ કર્યા છે. છતાં જ્યાં એવું નથી ક્યું ત્યાં એ શ્લોક સાક્ષી-ગ્રન્થમાં કેટલામો છે તે શોધવાનો પ્રયાસ કર્યો છે. તે પ્રાપ્તનંબર ને બ્રેકેટમાં રજુ કર્યો છે.
(૩) આ સંપાદનમાં છપાયેલ ગ્રન્થનો જ આધાર લીધો છે. ક્યારેક છપાએલ બે જુદા જુદા પ્રકાશનોના પાઠાંતરોમાં વધુ યોગ્ય જણાયા તે પાઠો અહીં સ્વીકાર્યા છે. ખરેખર તો હસ્તપ્રતો સાથે મેળવીને નવા પાઠાંતરો શોધવા જોઈએ. તે માટે હસ્તપ્રત મેળવવા પ્રયાસ કર્યો. ત્યાંથી માહિતી મળી કે આ હસ્તપ્રતોની ઝેરોક્ષ અન્ય મહાત્માને આપી છે. તેઓ આ કાર્ય કરી રહ્યા હશે. છેવટે એ કાર્ય હાથમાં ન લીધું.
(૪) આ ગ્રન્થમાં ગ્રન્થકારે લગભગ દરેક વાતો ક્યા ગ્રન્થના આધારે લખી છે તેની ત્યાં જ સ્પષ્ટતા કરી છે, નામોલ્લેખ સાથે, આ ગ્રન્થ રચનાની શૈલી જ એવી છે કે અધ્યયન કરનારને આ વાત ક્યાં હશે. તેવી મુંઝવણ અનુભવવી ન પડે. આમાં પણ વિશેષ સંપાદન થઈ શકે છે. ગ્રન્થમાં વર્ણવેલા તે તે પદાર્થો આધાર ગ્રન્થમાં જે શબ્દોમાં રજુ થયા છે તેનો સંગ્રહ કરીને પરિશિષ્ટ બનાવાય. પણ આમ કરવામાં પરિશિષ્ટનું કદ અને તેના કારણે ગ્રન્થનું કદ ઘણું જ મોટું થઈ જાય છે તેથી થોડા પ્રયાસ પછી એ કાર્ય બંધ કર્યું. ફક્ત પરિશિષ્ટ-૧માં વિષય અને ગ્રન્થનો નિર્દેશ માત્ર કર્યો.
(૫) દરેક ગ્રન્થમાં વિષમસ્થાન ઉપર ટિપ્પણી લખવામાં આવે તો વાંચનારને વધુ સુગમતા રહે. ટિપ્પણીનું આ જ મુખ્ય કામ હોય છે. પૂર્વપ્રકાશનોમાં ટિપ્પણીઓ મૂકવામાં આવેલી છે. એમાં ફક્ત પદાર્થને સુગમ બનાવવાના ભાવ સિવાય પણ બીજો ભાવ દેખાય છે. ગ્રન્થકારને જ્યાં બે મતો વચ્ચે સંગતિ ન જણાઈ અને બંને મતો રજુ કર્યા ત્યાં ટિપ્પણીકારે ચપટી વગાડતા સંગતિ કરી આપી છે. ટિપ્પણીકારની પ્રતિભાને બહું મધ્યસ્થ ભાવે વિદ્વાનો માણી શકે તે માટે પૂર્વપ્રકાશનની ટિપ્પણીઓ એ જ સ્વરૂપમાં આ સંપાદનમાં પણ લેવામાં આવી છે.