________________
8
આ અગાઉ ‘સિદ્ધસેન શતક' ગ્રંથ તૈયાર કરતી વખતે જ પૂજ્ય મુનિશ્રી ભુવનચંદ્રજીએ વાતવાતમાં ગંભીરપણે કહ્યું હતું કે દિવાકરજીની બત્રીસીઓના અનુવાદકાર્યને પં. સુખલાલજી જેવા બહુશ્રુતો જ ન્યાય આપી શકે. કંઈક એવી લાગણીથી જ આવું પડકારરૂપ કાર્ય હાથ ધરવા તેઓ ઈચ્છુક નહોતા જ. અભ્યાસકાળ દરમિયાન મારા તત્ત્વજ્ઞાન વિષયના અધ્યાપક પ્રિન્સીપાલ યુ. ડી. ભટ્ટ (હવે સદ્.) મને હંમેશા કહેતા કે, ‘લખ્યું વંચાય. જે કંઈપણ અને જેવું પણ સમજ્યા હોઈએ એને લેખિતમાં મૂકવાથી એ કોઈક વાંચશે, એની પર ચર્ચાવિચારણા થશે, એમાં સુધારણાને અવકાશ પણ ઉભો થશે'. આ બત્રીસીના અનુવાદ અને વિવેચન વિશે તો કશું કહેવાપણું રહે એવું પૂજ્ય મૂનિશ્રીએ જાણે કે રહેવા જ નથી દીધું. જ્યાં જ્યાં અર્થ અસ્પષ્ટ જણાયો ત્યાં એવી સ્પષ્ટ નોંધ એમણે મૂકી છે. પાઠભેદો માટે પણ એકથી વધુ મૂળ પ્રતો એમણે સામે રાખીને તપાસી છે, સરખાવી જોઈ છે અને જ્યાં જ્યાં આવશ્યક જણાયું ત્યાં ત્યાં એમણે આવા પાઠભેદના ઉલ્લેખો પણ કર્યાં છે. કેટલેક સ્થળે નવા પાઠની કલ્પના/યોજના પણ તેમણે કરી છે. મુનિશ્રીનું આ મહત્ત્વનું પ્રદાન ગણાય. તજ્જ્ઞ વિદ્વાનો આ બાબત વધુ વિચારણા કરે એ ઈચ્છનીય છે. પૂજ્ય મુનિશ્રીને જણાયું કે અનુવાદ કાર્યમાં આગળ વધતાં પહેલાં આજીવિક મતનું સાહિત્ય જોઈ લેવું જોઈએ; અને એમણે એ ગ્રંથો આવતાં સુધી રાહ જોઈ; આમાં ચોકસાઇ અને પૂર્ણતા માટેની એમની નિષ્ઠા જોઈ શકાય છે.
‘સિદ્ધસેન શતક’ ગ્રંથ નિમિત્તે અને ત્યાર પછી આ બત્રીસી નિયતિ’ના કાર્ય થકી પૂજ્ય મુનિશ્રીને આ વિષય સંદર્ભે ઘણીબધી અભ્યાસ સામગ્રી અને સંદર્ભ સામગ્રીના ઊંડા અધ્યયનમાંથી પસાર થવાનું બન્યું છે. તો હવે દિવાકરજીની અનુવાદિત હિં થયેલી એવી બાકી રહેતી બત્રીસીઓના અનુવાદ અને વિવેચન આપવાની પણ જવાબદારી એમની જ થાય છે. ગાંધીધામની જૈન સાહિત્ય અકાદમીના ટ્રસ્ટીઓએ આવા મૂલ્યવાન સાહિત્યના પ્રકાશનનો જે શુભારંભ કર્યો છે એ માટે તેઓ સૌ વિદ્વન્દ્વનોના અભિનંદનના અધિકારી છે; અને એમના આ ઉત્સાહને આગળ ધપાવવાનું કર્તવ્ય પૂજ્ય મુનિશ્રી જેવા અભ્યાસી સંશોધકોનું જ છે.
માવજી કે. સાવલા
ગુરુવાર, તા. ૧૦–૧–૨૦૦૨ એપ્લાઈડ ફ્લિોસોફી સ્ટડી સેન્ટર
એન–૪૫, ગાંધીધામ-કચ્છ.