________________
11
તમિળ કૃતિઓમાં આ સંપ્રદાય વિશે ઘણું કહેવાયું છે; પરંતુ આજીવિકોનું પોતાનું કોઈ પુસ્તક આજે ઉપલબ્ધ નથી. પ્રસ્તુત બત્રીશી આજીવિક મતના કોઈ ગ્રંથનો સીધો સંક્ષેપ છે. આથી પ્રસ્તુત દ્વાત્રિંશિકા આજીવિક મતની એકમાત્ર ઉપલબ્ધ સ્વતંત્ર કૃતિ બની રહે છે. સંસ્કૃત ભાષાનું અને તર્કવાદનું પ્રભુત્વ વધતાં આજીવિક આચાર્યોએ નૂતન શૈલીએ નિયતિવાદને તર્કમંડિત કરી સંસ્કૃતમાં અવતારિત કર્યો હશે. એ સુગ્રથિતવિકસિત નિયતિવાદ આ બત્રીસીમાં જોવા મળે છે.
દિવાકરજીની ‘દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિકા'ઓ ત્રણ જૂથમાં વહેંચાઈ જાય છે. ત્યાત્મક, સારસંગ્રહ રૂપ અને ચિંતનાત્મક. સ્તુત્યાત્મક બત્રીસીઓ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ રસિક, ભાષાની દૃષ્ટિએ સરળ અને વિષયની દૃષ્ટિએ સુગમ છે. સારસંગ્રહાત્મક બત્રીસીઓ ભાષાની દૃષ્ટિએ કઠિન અને વિષયની દૃષ્ટિએ ઓછી સુગમ છે. ચિંતન પ્રચુર બત્રીસીઓ બધી રીતે કઠિન છે. સંગ્રહાત્મક બત્રીસીઓ મોટા ભાગે દાર્શનિક છે અને તેથી તેના અભ્યાસ માટે અન્ય આધારો મળી શકે; જ્યારે મૌલિક ચિંતનને સમાવતી બત્રીસીઓનો વિષય કંઈક સૂક્ષ્મ છે, શૈલી આગવી છે, અન્ય સહાયક સામગ્રીનો અભાવ છે, તેથી તેમના આશય સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.
નિયતિ દ્વાત્રિંશિકા જો કે સંગ્રહાત્મક છે, તેમ છતાં આ પ્રકારની અન્ય બત્રીસીઓ કરતાં દુર્ગમ છે; કારણ કે નિયતિવાદનું જે તાર્કિક સ્વરૂપ આમાં છે તેનું સ્વતંત્ર સંદર્ભ સાહિત્ય લુપ્ત થઈ ગયું છે. અર્ધમાગધી, પાલિ, બૌદ્ધ સંસ્કૃત ગ્રંથો તથા કેટલીક તમિળ કૃતિઓમાં આજીવિકોના જે સિદ્ધાંતોની માહિતી મળે છે તેની પ્રસ્તુત બત્રીસીમાં બહુ થોડી જ ચર્ચા છે. બત્રીસીનો મોટો ભાગ તર્કવાદથી ભરેલો છે, તેનું સંદર્ભ સાહિત્ય કર્યાંય ઉપલબ્ધ નથી. એમ કહી શકાય કે આજીવિકોના સિદ્ધાંતોની તાર્કિક રજુઆત કરતી સ્વતંત્ર કૃતિ આ એક જ હવે રહી છે.
આ બત્રીસી દિવાકરજીએ સારસંગ્રહ રૂપે રચી છે–તેમના પોતાના વિચારો કે મંતવ્યો આમાં નથી. જૈન આગમો વગેરેમાં આજીવિકોની ઘણી વાતો અત્ર તત્ર મળે છે તેનું પણ આ સંકલન નથી. આજીવિક મતના નવા અવતારના પ્રતિનિધિ જેવા કોઈ એક સંસ્કૃત ગ્રંથની અંદર આપેલી યુક્તિઓનું સારભૂત સંકલન જ આ બત્રીસી છે એવું લાગ્યા વિના રહેતું નથી.