________________
ગુરુ - ગુણના ભંગાર) એકવાર સિકંદર પોતાના ગુરુ એરિસ્ટોટલ સાથે ક્યાંક જઈ રહ્યો હતો. વચ્ચે નદી આવી. સિકંદર બોલ્યો, “ગુરુદેવ! આપ અહીં બેસો. પાણી કેટલું ઊંડું છે તે તપાસીને પછી આપને સામે કિનારે લઈ જઈશ.” ગુરુદેવ બોલ્યા, ના સિકંદર ! પહેલા હું નદી પાર કરીને પાણીની ઊંડાઈ માપીશ, પછી તને સામે કિનારે લઈ જઈશ.” સિકંદરે ગુરુદેવની આજ્ઞા ન માની. તે પાણીમાં કૂદી પડ્યો. તે સામે કિનારે પહોંચ્યો. ત્યાંથી તેણે ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ! પધારો, પાણી બહુ ઊંડું નથી.” ગુરુદેવે નદી પાર કરી. સામે કિનારે જઈ તેમણે સિકંદરને પૂછ્યું, “પાણી ઊંડું હોત અને તું ડૂબી જાત તો ?' સિકંદર બોલ્યો, “ગુરુદેવ ! હું ડૂબી જાત તો મારા જેવા સેંકડો સિકંદરોને આપ પેદા કરી શકત, પણ આપ પહેલા નદીમાં ઊતર્યા હોત અને ડૂબી જાત તો હું આપના જેવા તત્ત્વચિંતક ગુરુદેવને પેદા ન કરી શકત.” સિકંદરના હૃદયમાં ગુરુનું કેટલું ઊંચું સ્થાન હશે !
આ પ્રસંગ એમ કહે છે કે ગુરુનો મહિમા અપરંપાર છે. માત્ર જૈનદર્શન નહીં પણ બીજા દર્શનોએ પણ ગુરુનો મહિમા ખૂબ ખૂબ ગાયો છે. કહ્યું છે કે,
“સબ પૃથ્વી કાગજ કરું, કલમ કરું વનરાઈ;
સાત સમંદર સ્યાહી કરું, તો ભી ગુરુગુણ લિખ્યા ન જાઈ.” અપેક્ષાએ પરમાત્મા કરતા પણ ગુરુનું મહત્ત્વ વધી જાય છે, કેમકે પરમાત્માની અને પરમાત્માએ બતાવેલા ધર્મની ઓળખાણ કરાવનાર ગુરુ છે. માટે જ આપણે ત્યાં દેવ-ગુરુ-ધર્મ આ તત્ત્વત્રયીમાં ગુરુતત્ત્વને વચ્ચે મૂક્યું છે. અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે –
“ગુરુ ગોવિંદ દોનું ખડે, કાકો લાગુ પાય; બલિહારી ગુરુદેવ કી, જો ગોવિંદ દિયો બતાય.” હરિ સેવા સોલહ બરસ, ગુરુસેવા પલ ચાર; તો ભી નહીં બરાબરી, વેદન કયો વિચાર.”