________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૭૭
ધર્મદેશનાં કરતાં સમવસરણમાં બિરાજમાન સીમંધર સ્વામીને જોયા. જોતાંની સાથે જ ઉભા થઈ ત્યાં રહ્યા છતાં વંદન કર્યું અને પછી ઋદ્ધિ સાથે સપરિવાર ત્યાં આવી યોગ્ય સ્થાને વંદન કરી યોગ્ય સ્થાને બેઠા. તે સમયે પ્રભુ નિગોદનું સ્વરૂપ સમજાવી રહ્યા હતાં. તે સાંભળી વિસ્મયથી ઈન્દ્રના નેત્રો વિકસિત થયા. અને હાથ જોડી વિનયથી પૂછ્યું હે ભગવન્! આ અતિશયરહિત દુ:ષમકાળમાં ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કરવા અત્યારે કોઈ સમર્થ છે ?
ભગવાને કહ્યું હે ઈન્દ્ર ! આ ભરતક્ષેત્રમાં સૂક્ષ્મ નિગોદનું વર્ણન કાલકસૂરિ કરી શકે છે. તે સાંભળી ઈન્દ્ર કૌતુકથી આવી બ્રાહ્મણ રૂપ કરી સૂરિને વંદન કરી પૂછ્યું હે ભગવન્ ! જિનેશ્વરે સિદ્ધાન્તમાં જે નિગોદ જીવો કહ્યા છે તે મને સમજાવો ? મને તેનાં વિષે ઘણું કુતુહલ છે. ત્યારે સૂરિ મેઘ જેવી ગંભીર મધુર વાણીથી બોલ્યા જો કૌતુક હોય તો હે મહાભાગ! તું ઉપયોગ પૂર્વક સાંભળ.
44
આ લોકમાં અસંખ્ય ગોલા છે. એક એક ગોલામાં અસંખ્ય નિગોદ છે. અને એક એક નિગોદમાં અનંતા જીવો છે. ઈત્યાદિ વિસ્તારથી સૂરિએ વ્યાખ્યા કરી ત્યારે ઈન્દ્રે વિશેષજ્ઞાનને જાણવા સારુ ફરી પણ પૂછ્યું વૃદ્ધ હોવાનાં કારણે હું અનશન કરવા ઈચ્છુ છું તેથી મારું કેટલું આયુષ્ય છે તે જોઈને જણાવો. ત્યારે શ્રૃતથી દિવસ, પક્ષ, માસ, વર્ષ, સોવર્ષ, પલ્યોપમ એમ વધતાં વધતાં બે સાગરોપમનું આયુષ્ય જોઈ વિશેષ ઉપયોગ દઈ સૂરિએ જાણ્યું કે આ સૌધમેન્દ્ર છે.
સૂરિએ કહ્યું તમે તો ઈન્દ્ર છો. ત્યારે ચલાયનમાન કુંડલ વિ. આભૂષણોથી શોભતું પોતાનું રૂપ ઈન્દ્રે પ્રગટ કર્યું. પૃથ્વીતલ ઉપર નમેલાં ભાલ-હાથપગવાળા, ભક્તિથી ખીલેલી રોમરાજીવાળા, ઈન્દ્રે પંચાંગ પ્રણિપાત કર્યા. હો! ગુણ ગરિમાવાળા આપે આ અત્યન્ત દુઃષમ કાલમાં પણ નિાગમને ધારી રાખ્યો છે. હે મુનીન્દ્ર ! તમને મારા કોટિ કોટિ પ્રણામ છે. અતિશય વિનાનાં પ્રભાવ વગરનાં કાલમાં જેનું જ્ઞાન આવું નિર્મલ છે જે ત્રણ લોકને આશ્ચર્યમાં નાંખી દે છે એવા આપને મારા વંદન હો.
અદ્ભુત ચરિત્રથી જિનશાસનની ઉન્નતિ કરનાર તમારા ચરણમાં હું નમસ્કારકરું છું. એમ સ્તુતિ કરી સૌધર્મેન્દ્ર આચાર્યશ્રીનાં ગુણોનું રટણ કરતો આકાશમાં ઉડી સૌધર્મદેવલોકમાં ગયો.