________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
ऐं नमः
બાળપણામાં આખું પૃથ્વી મંડલ ચલાયમાન થાય તે રીતે જે પ્રભુએ મેરુ પર્વતને કમ્પાવવા દ્વારા ઈન્દ્રના મનમાં સમ્યકત્વ રત્નને શુદ્ધ કર્યું તે ચરમ જિનપતિ વર્ધમાન સ્વામીને નમીને સ્વગુરુ ચરણયુગલની સર્ભક્તિના યોગથી સ્વશક્તિ પ્રમાણે મૂળશુદ્ધિની સ્પષ્ટ વ્યાખ્યા હું કરીશ.
ત્યાં સુગૃહીત નામધેય ભગવાન શ્રીમદ્ પ્રદ્યુમ્નસૂરિએ ઘણાં ભવ્યજીવોને મિથ્યાત્વના અંધકારથી ઘેરાયેલા જોઈને તેમને બોધ પમાડવા સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા શાસ્ત્રનાં પ્રતિપાદનના આધારે દર્શનની પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપ પ્રગટ કરતું “મૂળશુદ્ધિ' નામનું પ્રકરણ શરૂ કર્યું છે.
આ પ્રકરણનું સ્થાનક એવું બીજું નામ પણ છે. અને પ્રકાશિત કિરણો દ્વારા સૂર્ય જેમ અંધકાર દૂર કરે તેમ (આ ગ્રંથ ભવ્યજીવોનો અજ્ઞાનનો અંધકાર નાશ કરે છે.)
આ ગ્રંથ સમ્યકત્વની શુદ્ધિ વિગેરેનું પ્રતિપાદન કરતો હોવાથી સ્વર્ગ અપવર્ગ સાથે જોડાવામાં હેતુભૂત બને છે. તેથી કલ્યાણ રૂપ છે. માટે તેમાં વિશ્નો સંભવે છે. જે કારણથી કહ્યું છે કે ....
મોટાઓને પણ શુભ કાર્યો ઘણાં વિદ્ધવાળા હોય છે અને અકાર્ય પ્રસંગે વિન રૂપ વિનાયક ચાલ્યા જાય છે- નડતા નથી. તેથી વિદ્ધની ઉપશાંતિ માટે મંગલ કરવું જરૂરી છે. તથા પ્રયોજન વિ. થી રહિત શાસ્ત્રમાં બુદ્ધિશાળી માણસો પ્રવૃત્તિ કરતાં નથી.
કહ્યું છે કે, દરેક શાસ્ત્ર તેમજ કોઈપણ કાર્યનું જ્યાં સુધી પ્રયોજન બતાવીએ નહિ ત્યાં સુધી તેને કોણ ગ્રહણ કરે ? જે શાસ્ત્રમાં રચવાનું પ્રયોજન અને શાસ્ત્રોનો સંબંધ પ્રારંભમાં બતાવ્યો હોય તેવાં શાસ્ત્રને સાંભળવા શ્રોતાઓ પ્રવર્તે છે. તેથી શાસ્ત્રની શરૂઆતમાં પ્રયોજન સહિત સંબંધ કહેવો જોઈએ.
એથી પ્રયોજન પ્રતિપાદન માટે અને વળી શિષ્ટપુરુષો કોઈક ઈષ્ટ વસ્તુમાં પ્રવર્તતા છતાં ઈષ્ટ દેવતાને નમસ્કાર પૂર્વક જ પ્રવર્તે છે. એથી શિષ્ટ પરંપરાનું પાલન કરવું તે પણ ન્યાય યુક્ત છે. જેથી કહેવાય છે કે...
શિષ્ટ પરંપરા પાળ્યા વિના કરાતી શાસ્ત્ર રચનાની વિદ્વાનો પ્રશંસા કરતાં નથી. માટે તે પરંપરાનું સારી રીતે પાલન કરવું જોઈએ.”