________________
સામાચારી-પ્રસ્તાવના
આ ગ્રંથ અંગેની માહિતી
દશ સામાચા૨ીઓ સાધુજીવનનો પાયો છે. સંયમીઓ ઉત્કૃષ્ટ સંયમી બને એ એક માત્ર ઉદ્દેશથી અમે આ ગ્રંથ તૈયાર કર્યો છે.
સંયમીઓ ત્રણ પ્રકારના છે.
(૧) જેઓ તીવ્ર ક્ષયોપશમવાળા, ન્યાયગ્રંથોનો અભ્યાસ કરી ચૂકેલા હોય. તેવા સંયમીઓએ મહોપાધ્યાયજીની ટીકા અને એના ઉપર ચન્દ્રશેખરીયા ટીકા વાંચવી. ચન્દ્રશેખરીયા ટીકા વાંચવાથી લગભગ બધા જ પદાર્થો સ્પષ્ટ થઈ જશે. આ ટીકા દ્વારા મુખ્યત્વે “ગ્રંથ કેવી રીતે વાંચવો” એની પદ્ધતિ સંયમીઓના હાથમાં આવી જશે. ઉપાધ્યાયજી મહારાજની ટીકાની તે તે પંક્તિઓ કયા આશયથી લખાઈ છે ? એ સમજાવવા માટે સ્થાને સ્થાને પુષ્કળ પ્રશ્નો ઊભા કરી પછી એ પંક્તિના અર્થો ખોલ્યા છે. એટલે “આ પંક્તિ ઉપાધ્યાયજી મહારાજે શા માટે લખી ? કયા પ્રશ્નના સમાધાન માટે લખી ?” એ બધું જ સમજાઈ જાય. જેઓને ડગલે ને પગલે પ્રશ્નો ઉભા કરતા આવડે તેઓ આવા ગ્રંથોનું રહસ્ય ઝડપથી પકડી શકે.
એટલે ન્યાયાદિનો અભ્યાસ કરી ચૂકેલા સંયમીઓ માટે ઉપાધ્યાયજી મહારાજની ટીકા + ચન્દ્રશેખરીયા ટીકા અને ગુજરાતી વિવેચન છે.
(૨) જેઓ બે બુક ભણી ચૂક્યા હોય, સામાન્ય સંસ્કૃત વાંચન થયું હોય પણ ન્યાયનો વિશેષ અભ્યાસ ન થયો હોય અને ક્ષયોપશમ મધ્યમ હોય, ઓછો હોય તેઓ ઉપાધ્યાયજી મહારાજની ટીકાઓને સમજી નહિ શકે. એમને એમાં રસ પણ નહિ પડે. આવા સંયમીઓ પણ સામાચારીના જ્ઞાનથી વંચિત ન રહે એ માટે આ જ ગ્રંથમાં ‘દવિધ ચક્રવાલ સામાચારી' નામથી સ્વતંત્ર ટીકા રાખી છે. એમાં ન્યાયની ચર્ચાવાળા કોઈ પદાર્થો લીધા નથી. વધુમાં વધુ સરળ પડે એ રીતે તેમાં દશ સામાચા૨ીનું વર્ણન કરેલ છે. એ સ્વતંત્ર ગ્રંથ રૂપે જ હોવાથી એમાં ઘણા ખુલાસાઓ પણ જોવા મળશે. એટલે મધ્યમ ક્ષયોપશમવાળાઓ માટે આ બીજો વિભાગ છે. તીવ્ર ક્ષયોપશમવાળાઓ પણ જો આ વાંચશે તો ઘણા નવા પદાર્થો પામશે.
(૩) જેઓ મુમુક્ષુ છે, નૂતન દીક્ષિત છે, બે બુક વગેરેનો અભ્યાસ જેમણે કર્યો નથી. સંસ્કૃત વાંચન જેમને ફાવતું નથી. આ બધા મંદ ક્ષયોપશમાદિવાળા સંયમીઓ માટે “સંયમ રંગ લાગ્યો' નામનો ત્રીજો વિભાગ છે. જેમાં ગુજરાતી ભાષામાં જ આ દશેય સામાચારીઓનું વર્ણન છે. મંદક્ષયોપશમવાળા તમામ સંયમીઓ એ વાંચી શકે. એ લખાણને અનુસારે ગુરુઓ - વડીલો આશ્રિતોને વાચના પણ આપી શકે. પહેલા અને બીજા વિભાગમાં નહિ આવેલી ઘણી બાબતો આ ત્રીજા વિભાગમાં જોવા મળશે.
આમ કોઈ પણ પ્રકારના સંયમીઓ માટે આ ગ્રંથ ઉપયોગી બની રહેશે.
ચન્દ્રશેખરીયા ટીકામાં ઉપાધ્યાયજી મ. ની ટીકાના બધા જ શબ્દોનો અર્થ જણાવ્યો નથી. જે અઘરી પંક્તિઓ હોય જેમાં રહસ્યો ભરેલા હોય એવી પંક્તિઓને જ ચન્દ્રશેખરીયામાં ખોલી છે. એટલે આ ટીકામાં ઉપાધ્યાયજીની ટીકાના બધા જ શબ્દોના અર્થ નહિ મળે. સહેલા શબ્દોના અર્થ લખવામાં ટીકા ઘણી મોટી થઈ જાય. એટલે એવા શબ્દોના અર્થો સંયમીઓએ સ્વયં બેસાડવા પડશે. છતાં ન સમજાય તો ગુજરાતી વિવેચનમાં મળી રહેશે.
આ ગ્રંથ લખવામાં આચાર્યશ્રી અભયશેખરસૂરીશ્વરજીના ભાષાંતરવાળું પુસ્તક ઉપયોગી થયું છે. અમુક સ્થાનોમાં તેઓ તરફથી સારા ખુલાસાઓ પ્રાપ્ત થયા છે. એ બદલ તેઓનો ઉપકાર ભુલી શકતો નથી.
અંતે, શાસ્ત્રવિરુદ્ધ ન લખાઈ જાય એવી પુરતી કાળજી કરવા છતાં છદ્મસ્થતાને લીધે કાંઈ પણ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો અંતઃકરણથી શ્રમણસંઘની ક્ષમા માગું છું. પૂજ્યપુરુષો મારી ક્ષતિ બદલ મને ક્ષમા આપે.
પં. ચન્દ્રશેખરવિજયજી નવસારી ચિંતામણી આસો સુદ - ૩, ૨૦૬૦
સામાચારી પ્રકરણ - પ્રસ્તાવના ♦ ૪