________________
૧૪૩૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ વળી દ્રવ્યસ્તવની ક્રિયા કે ભાવસ્તવની ક્રિયા પ્રણિધાનાદિ આશયવાળી ન હોય તો મોક્ષનું કારણ નથી. તેથી ક્રિયા પરિણામ ઉત્પન્ન કરે છે અને તે પરિણામ સત્ત્વશુદ્ધિરૂપ છે, અને તે સત્ત્વશુદ્ધિની કારણતા દ્રવ્યસ્તવની ક્રિયામાં પણ છે અને ભાવતવની ક્રિયામાં પણ છે; પરંતુ તે દ્રવ્યસ્તવની ક્રિયા અને ભાવતવની ક્રિયા પ્રણિધાનાદિ આશયપૂર્વક થતી હોય તો પ્રણિધાનાદિ આશયવિશિષ્ટ દ્રવ્યસ્તવની ક્રિયામાં અને ભાવસ્તવની ક્રિયામાં સત્ત્વશુદ્ધિની કારણતા છે. તેથી કારણતાવચ્છેદક પ્રણિધાનાદિભાવપૂર્વકત્વ બને છે, અને જો દ્રવ્યસ્તવની ક્રિયા કે ભાવસ્તવની ક્રિયામાં પ્રણિધાનાદિ આશય ન હોય તો દ્રવ્યસ્તવની ક્રિયા કે ભાવસ્તવની ક્રિયા સત્ત્વશુદ્ધિનું કારણ બનતી નથી.
આનાથી એ ફલિત થાય કે દ્રવ્યસ્તવની ક્રિયા પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાતી હોય તો તે ક્રિયાકાળમાં પ્રણિધાનાદિ આશયપૂર્વકની પૂજાની પ્રવૃત્તિ વર્તે છે, અને તે પ્રણિધાનાદિ આશયપૂર્વકની પૂજાની પ્રવૃત્તિથી ઉત્તરમાં જે પૂર્વ કરતાં અધિક સંયમને અભિમુખ ભાવ થાય છે, તે ભાવ પૂજાની પ્રવૃત્તિથી થયેલી સત્ત્વશુદ્ધિ રૂપ છે અર્થાત્ દ્રવ્યસ્તવથી ભગવાનના ગુણોના પ્રણિધાનને કારણે વીતરાગતાને અનુકૂળ એવી જીવમાં પૂર્વ કરતાં અધિક શુદ્ધિ થાય છે, અને તે શુદ્ધિ જેટલી અધિક તેટલો જીવ વીતરાગભાવને આસન બને છે અને પ્રણિધાનાદિ આશયપૂર્વક દ્રવ્યસ્તવની ક્રિયા કરનારા શ્રાવકો દ્રવ્યસ્તવકાળમાં ગૃહાદિના પ્રતિબંધ વગરના નથી, તોપણ ભગવાનના ગુણોને અવલંબીને વીતરાગતાની અભિમુખ તેમનું ચિત્ત વર્તે છે, તેથી પૂર્વમાં જે ગૃહાદિનો પ્રતિબંધ છે, તે ક્ષણ-ક્ષીણતર થતો જાય છે, અને જીવ વીતરાગતાને આસન્નભાવવર્તી બને છે, તે જીવની સત્ત્વશુદ્ધિ છે.
વળી, ભાવસ્તવની ક્રિયા અર્થાત્ સંયમપાલનની ક્રિયા, પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાતી હોય તો તે ક્રિયાકાળમાં પ્રણિધાનાદિ આશયપૂર્વક ષકાયના પાલનને અનુકૂળ સંયમની ક્રિયાની પ્રવૃત્તિ છે, અને તે પ્રણિધાનાદિ આશયપૂર્વકની સંયમની ક્રિયાની પ્રવૃત્તિથી ઉત્તરમાં અસંગભાવને અભિમુખ જે સંયમના કંડકનું પ્રસર્પણ થાય છે, તે સત્ત્વશુદ્ધિરૂપ છે.
આશય એ છે કે અનાદિકાળથી જીવ મોહને પરવશ થઈને આત્મા માટે અનુપયોગી એવા વિકલ્પો કરીને રાગાદિભાવોની વૃદ્ધિ કરે છે, અને સંયમી સાધુ મન, વચન અને કાયાથી ગુપ્ત થવાનો પરિણામ કરીને સમભાવની વૃદ્ધિની પોષક એવી ઉચિત ક્રિયાઓ કરે છે. તેથી ઉચિત ક્રિયા કરવાના સંસ્કારો આત્મામાં ઘનિષ્ઠ બને છે, તે તત્ત્વજ્ઞાનના સંસ્કારો છે, અને અનાદિકાળથી જીવમાં મોહને પરવશ પ્રવૃત્તિ કરવાના પરિણામો છે, તે અતત્ત્વના સંસ્કારો છે. તત્ત્વજ્ઞાનના સંસ્કારોથી અતત્ત્વના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય છે, અને જેમ જેમ તત્ત્વજ્ઞાનના સંસ્કારો અધિક-અધિકતર થાય છે, તેમ તેમ મુનિ અસંગભાવને આસન-આસન્નતર બને છે, તે મુનિની સંયમની ક્રિયાથી થનારી સત્ત્વશુદ્ધિ છે.
આ રીતે પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાયેલી દ્રવ્યસ્તવની ક્રિયાથી કે ભાવતવની ક્રિયાથી વીતરાગતાને અનુકૂળ એવી સત્ત્વશુદ્ધિ અધિક અધિકતર થાય છે, અને તે સત્ત્વશુદ્ધિ દ્વારા તે દ્રવ્યસ્તવની ક્રિયા અને ભાવસ્તવની ક્રિયા મોક્ષનું કારણ છે.