________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાકથન પ્રસ્તુત ગ્રંથસંપાદનની શૈલીમાં વાચકવર્ગને સુગમતા રહે તે માટે સૌ પ્રથમ અવતરણિકા અને અવતરણિકાર્થ આપેલ છે, અને જ્યાં અર્થમાં સ્પષ્ટતા થતી નથી ત્યાં નીચે તેનો ભાવાર્થ આપેલ છે. ત્યારપછી અમુક અમુક સંદર્ભો પ્રમાણે ટીકાના વિભાગો પાડી તેટલી તેટલી ટીકાનો અર્થ આપેલ છે, જેથી ગ્રંથ લગાડવામાં ઉપયોગી થઈ શકે. વિભક્તિ મુજબ ટીકાર્થ ખોલેલ છે. ઘણી જગ્યાએ કર્મણિ વાક્યરચના મુજબ અર્થ કરેલ છે અને તે તે ટીકાર્થ પછી તેનો ભાવાર્થ આપેલ છે. ક્યાંક ટીકાર્થની ભાવાર્થમાં પુનરુક્તિ પણ જોવા મળશે, પણ પદાર્થ ખંડિત ન થાય અને વિવેચન વાંચનાર સમજી શકે તે હેતુથી તે પુનરુક્તિ દોષરૂપ નહિ ગણાય. ટીકાર્થમાં પણ વચ્ચે-વચ્ચે ઉત્થાનો આપી આગળ આવતો પદાર્થ શા માટે કહેવા માંગે છે, તે સ્પષ્ટ કરેલ છે. ભાવાર્થમાં પણ ઘણી જગ્યાએ વચ્ચે ઉત્થાનરૂપ લખાણ આવે છે, પણ તે પદાર્થ વ્યવસ્થિત સમજી શકાય તે માટે આપેલ છે, તેથી પુનરાવૃત્તિ થવા છતાં ક્ષતિરૂપ નથી.
૧૦
પ્રતિમાશતક ગ્રંથનું સંસ્કૃત વાંચન કરતી વખતે પાઠની સંગતિ કરતાં કોઈ-કોઈ સ્થાને પૂર્વ પ્રકાશિત પ્રત-પુસ્તકમાં અશુદ્ધિ જણાઈ છે તે અંગે અમને પ્રાપ્ત થયેલ, હાલ ગીતાર્થ ગંગા સંસ્થામાં જેની ઝેરોક્ષ નકલ વિદ્યમાન છે તે શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર, સુરતની પોથી નંબર-૫૧૮, પ્રત નંબર૪૨૩૩, કુલ પાના-૧૫૪; આ હસ્તલિખિત પ્રતના આધારે શુદ્ધ પાઠો ઉપલબ્ધ થતાં અને તે સંગત જણાતાં, તે મુજબ શુદ્ધિ કરેલ છે. ઉદ્ધરણ પાઠોમાં પણ જ્યાં જ્યાં અશુદ્ધિઓ જણાઈ છે, તે માટે તે-તે ગ્રંથોની મુદ્રિત પ્રત-પુસ્તક વગેરે જે ગીતાર્થ ગંગા સંસ્થાના જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે તેના આધારે પાઠશુદ્ધિ કરેલ છે, અને જ્યાં પાઠ સંગત જણાતો ન હોય અને હસ્તલિખિત પ્રતમાં પણ સંગત જણાતો શુદ્ધ પાઠ મળેલ નથી ત્યાં આવો પાઠ ભાસે છે, એમ તે-તે ટીકાની નીચે નિશાની મૂકી નોંધ આપેલ છે અને મૂળ ટીકામાં પણ તે પાઠની બાજુમાં () કૌંસમાં સંગત જણાતો પાઠ મૂકેલ છે.
આ ગ્રંથના પ્રૂફસંશોધન અંગે ચાર પ્રૂફ કઢાવીને શુદ્ધિકરણ કરવાનો પ્રયત્ન કરેલ છે. આમ છતાં કોમ્પ્યુટ૨ વગેરેના કારણે કે અનાભોગાદિથી અશુદ્ધિઓ રહી ગઈ હોય તો તેનું પરિમાર્જન કરી વાચકવર્ગ વાંચે તેવી ભલામણ છે.
પ્રસ્તુત પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ના પ્રથમ પ્રૂફના ગુજરાતી વાચનમાં સાધ્વીજી શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા.નો સહયોગ સાંપડેલ છે તથા ગુજરાતી વાચનના પ્રસંશોધનાદિ કાર્યમાં અને વાક્યરચના વગેરે માટે જરૂરી સૂચનો આપવામાં સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહનો અમને વિશેષ સહયોગ સાંપડેલ છે અને તેમણે પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની તક મળી તે બદલ કૃતાર્થતા વ્યક્ત કરેલ છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧/૨/૩/૪માં સંપૂર્ણ ગ્રંથનું વિવેચન પૂર્ણ થાય છે. છદ્મસ્થતાવશ આવા બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં અનેક ત્રુટિઓ રહેવાની સંભાવના છે. સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ જાય નહિ તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં