________________
૧૨
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તો પણ ઉત્થાનદશા હોવાને કારણે જે વિધિમાં ત્રુટિ છે તે કૂપદૃષ્ટાંતથી શુદ્ધ થાય છે એ વાત શ્લોક૧૦માં યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૧૦માં વળી એ બતાવેલ છે કે, જેમ દ્રવ્યસ્તવ કીર્તિ આદિ માટે થાય છે, તેમ ચારિત્રની ક્રિયા પણ કીર્તિ આદિ માટે થઇ શકે છે. * જેમ દ્રવ્યસ્તવમાં ભાવનું અનેકાંતપણું છે તેમ ચારિત્રની ક્રિયામાં પણ ભાવનું અનેકાંતપણું છે.
* જેમ દ્રવ્યસ્તવ સાધુને માટે અકર્તવ્ય છે તેમ પ્રમત્ત એવા સ્થવિરકલ્પાદિની ક્રિયા અપ્રમત્ત એવા જિનકલ્પિકાદિ માટે અકર્તવ્ય છે.
* જેમ દ્રવ્યસ્તવથી થયેલો પરિણામ દ્રવ્યસ્તવ કાળમાં થતી અયતનાથી બંધાયેલા કર્મનો નાશ કરે છે અને અન્ય કર્મનો પણ નાશ કરે છે, તેમ ચારિત્રની ક્રિયાથી પણ થયેલો શુભભાવ ચારિત્રમાં થયેલા અતિચાર દોષોનો અને અન્યકર્મોનો પણ નાશ કરે છે.
આ રીતે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયા તુલ્ય છે, તેથી જેમ દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું યોજન થઇ શકે છે તેમ ચારિત્રની ક્રિયામાં પણ કૂપદષ્ટાંત સંગત છે.
વળી, ચારિત્રની ક્રિયાથી ભાવના પ્રકષને કારણે જેમ કેવલજ્ઞાન થઇ શકે છે તેમ દ્રવ્યસ્તવમાં પણ ભાવનો પ્રકર્ષ થાય તો કેવલજ્ઞાન થઈ શકે છે.
આનાથી એ ફલિત થાય છે કે, અશુદ્ધ એવા દ્રવ્યસ્તવમાં અને અશુદ્ધ એવી ચારિત્રની ક્રિયામાં કૂપદૃષ્ટાંત સંગત છે, અને શુદ્ધ એવા દ્રવ્યસ્તવમાં અને શુદ્ધ એવી ચારિત્રની ક્રિયામાં અલ્પ પણ પાપનો સંભવ નહિ હોવાથી કૂપદષ્ટાંત ત્યાં સંગત નથી. આ વાત શ્લોક-૧૦માં યુક્તિથી બતાવેલ છે.
વળી, ભગવતીસૂત્રમાં અશુદ્ધ દાનથી અલ્પ પાપ અને બહુ નિર્જરા કહેલ છે, અને ગ્લાનની પ્રતિચરણા કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું કથન કરેલ છે, તે કઇ અપેક્ષાએ છે તેનું તાત્પર્ય શ્લોક૭૦માં સ્પષ્ટ કરેલ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વિતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ જાણતાં કે અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૫૮, અષાઢ સુદ-૧, સોમવાર, તા. ૧૫-૭-૨૦૦૨ ૩૦૨,વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭