________________
339
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭
આવા રાગપૂર્વકની તે સંયમની ક્રિયા તે જીવમાં સામાન્યધર્મ નિષ્પન્ન કરે છે. ગીતાર્થની નિશ્રાપૂર્વકની તેની સંયમની ક્રિયા ઉપદેશાદિની સામગ્રીના બળથી શીઘ્ર કુગ્રહનો વિરહ કરે છે. અર્થાત્ સામાયિકના પરિણામના સૂક્ષ્મ રહસ્યના બોધમાં પ્રતિબંધક એવા મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય થવાથી સામાયિકના પરમ રહસ્યને જાણીને તે સદનુષ્ઠાન દ્વારા સામાયિકભાવની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર કરવા સમર્થ બને છે. તેથી તેવા જીવો અવ્યુત્પન્ન દશામાં દેશારાધક છે અને વ્યુત્પન્નદશાને પામ્યા પછી અપ્રમાદથી સદનુષ્ઠાનને સેવે તો ભાવચારિત્રને પણ પ્રાપ્ત કરે.
ગીતાર્થના ઉપદેશને સાંભળીને જેઓ ધર્મને અભિમુખ થયા છે અને પ્રકૃતિભદ્રક પરિણામવાળા છે; વળી, ઉચિત ક્રિયાઓ કરીને આત્મહિત સાધવાના અર્થી છે, આમ છતાં સર્વભોગોનો ત્યાગ કરીને સાધુજીવન જીવવાને અભિમુખ પરિણામવાળા થયા નથી તેવા જીવોને ગીતાર્થ સાધુ તેઓની યોગ્યતાનુસાર ભગવાનની પૂજા, તપવિશેષ, પ્રતિક્રમણ, સામાયિકાદિરૂપ શ્રાવક ધર્મનો મર્મસ્પર્શી બોધ કરાવે છે. જેથી જિનપૂજાદિ અનુષ્ઠાનો કરીને તેઓ સર્વવિરતિની શક્તિને અનુકૂલ સંચિતવીર્યવાળા બને. આમ છતાં તે ભદ્રકપ્રકૃતિવાળા જીવો હજુ અતિ વ્યુત્પન્નમતિ ન હોય ત્યારે ઉપદેશક તેમને “જિનનું સ્વરૂપ અને તેવા જિનની પૂજા શ્રાવકે કઈ રીતે કરવી જોઈએ ? વળી તપોવિશેષ પણ કઈ રીતે ક૨વા જોઈએ ? સામાયિકાદિ છ આવશ્યકો કઈ રીતે કરવાથી ગુણનિષ્પત્તિ થાય છે ?” ઇત્યાદિ શ્રોતાની ભૂમિકાનુસાર સમજાવે, છતાં અવ્યુત્પન્નદશામાં ભગવાનના ચારિત્રગુણના મર્મને જાણનારા નહીં હોવાથી તે જીવો જિનપૂજા પણ સદનુષ્ઠાનના રાગમાત્રથી કરે છે અને સામાયિકાદિ પણ સામાન્યથી સદનુષ્ઠાનના રાગમાત્રથી કરે છે. તેથી તેઓની તે ક્રિયા સામાન્યધર્મમાત્રમાં પર્યવસાન પામે છે, છતાં તેવા જીવો ગીતાર્થની નિશ્રાવાળા હોવાથી ગીતાર્થના ઉપદેશને વારંવાર પ્રાપ્ત કરીને ભગવાનના અસંગભાવની પરિણતિરૂપ ચારિત્રના પરિણામને, વીતરાગતાના ભાવને અને ભગવાનની શુદ્ધ મુદ્રામાં રહેલ તત્ત્વકાય અવસ્થાના ૫૨માર્થને જ્યારે જાણે છે ત્યારે તેઓનું મિથ્યાત્વ નાશ પામે છે. તેથી તેવા જીવો શીઘ્ર કુગ્રહના વિરહને પ્રાપ્ત કરીને દેશવિરતિ આદિ ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરે છે.
આ કથનમાં પુષ્ટિરૂપે ગ્રંથકારશ્રીએ પૂજાવિંશિકાની, તપવિશેષને આશ્રયીને પંચાશકની અને દીક્ષાવિધિને આશ્રયીને પંચાશકની, સાક્ષી આપી. તેનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રંથિને આસન્ન થયેલા છે અને આત્મકલ્યાણ અર્થે ધર્મ કરવા તત્પર થયા છે તેઓ ભગવાનની પૂજા કરે, તપવિશેષ કરે કે દીક્ષા ગ્રહણ કરે તોપણ જ્યાં સુધી ગ્રંથિનો ભેદ કરીને ભાવચારિત્રી એવા સાધુ અંતરંગ કેવી પરિણતિવાળા હોય છે ? તેના મર્મને સ્પર્શી શકે તેવા ક્ષયોપશમવાળા ન થાય ત્યાં સુધી દેશારાધક જ છે.
વળી, પ્રવ્રજ્યાવિધિના સાક્ષીપાઠથી જે સમૃબંધકનું અને અપુનર્બંધકનું ગ્રહણ કર્યું તેની સ્પષ્ટતા ટીકાકારશ્રીએ કરી કે આ સમૃબંધક અને અપુનર્બંધક અભિન્નગ્રંથિવાળા હોવાથી કુગ્રહવાળા છે છતાં