________________
સંપાદિકાનું કથન
વિક્રમ સંવત ૧૬૮૮માં ૧૦ વર્ષની નાની ઉંમરે દીક્ષા ગ્રહણ કરેલા ન્યાયવિશારદ, લઘુહરિભદ્રસૂરિ મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા રચિત આ ‘યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ'માં યતિનાં સાત લક્ષણોનું નિરૂપણ સુંદર રીતે કરેલ છે. આજના દુખમ કાળમાં યોગમાર્ગ ઉપર ગમન કરતા આવા લક્ષણવાળા ભાવયતિને આપણે અક્ષરદેહે સાક્ષાત્ જોઈ શકીએ એટલું સુંદર વિવેચન કરીને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ તેમનાથી મંદ મતિવાળા અને ભાવયતિપણાની લાલસાવાળા આપણા સૌ ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. માર્ગાનુસારીક્રિયા, પ્રજ્ઞાપનીયતા, ઉત્તમશ્રદ્ધા, ક્રિયામાં અપ્રમાદ, શક્ય અનુષ્ઠાનનો આરંભ, ગુરુગુણનો અનુરાગ અને ગુરુઆજ્ઞાનું પરમ આરાધન; આ યતિનાં સાત લક્ષણોની રજૂઆત કરીને, વર્તમાન દુષ્ટમ કાળમાં સુસાધુ, ધર્મ, સામાયિક, વ્રતો વગેરે નથી એમ કહેનારને પ્રાયશ્ચિત્ત અને શ્રમણ સંઘ બહાર મૂકવાની પ્રભુની આજ્ઞા છે વગેરે ગંભીર બાબતોની સુંદર છણાવટ આ ગ્રંથમાં પૂ. મહોપાધ્યાયજીએ કરી છે.
આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ પ. પૂ. મુનિરાજ શ્રી કુશલકીર્તિવિજયજી મહારાજ સાહેબ, પૂ. સાધ્વીજી શ્રી ચારુનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. ગુજરાતી વિવેચનનું પ્રૂફસંશોધન અને જરૂરી સૂચનો આપવા બદલ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સહયોગ મળ્યો તે બદલ હું ધન્યતા અનુભવું છું.
મુમુક્ષુઓ અને સાધુઓને આ ગ્રંથ ભાવયતિ બનવામાં ખૂબ મદદરૂપ બનશે. યતિનાં લક્ષણો પ્રાપ્ત ક૨વા માટે જરૂરી શક્તિનો સંચય આ ગ્રંથના અધ્યયનથી હું પ્રાપ્ત કરી શકું એ જ અભ્યર્થના. ગ્રંથકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે બદલ ‘મિચ્છા મિ દુક્કડમ્.
વિ. સં. ૨૦૬૩, વૈશાખ શુક્રવાર તા. ૨૦-૪-૨૦૦૭
૧૨, બેન્ક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન : ૨૭૭૫૦૪૭૫
સુદ,
ત્રીજ
– સ્મિતા ડી. કોઠારી